શહેરના વિકાસ માટે રૂ.10 કરોડની ફાળવણી: પાઈપલાઈન માટે 1 કરોડ, સી.સી.રોડ માટે રૂ.96 લાખ, સહિતના વિકાસ કામો માટે ફાળવણી કરાઈ

જામનગર એરીયા ડેવલપમેન્ટ ઓથોરીટી (જાડા)ની તાજેતરમાં બજેટ બેઠક યોજાઇ હતી, જેમાં રુા. રપ કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું હતું, આ સભામાં રુા. 10 કરોડ જામનગરના વિકાસ માટે ફાળવવામાં આવ્યા હતા.

મ્યુ. કમિશ્નર ડી.એન. મોદીના અઘ્યક્ષસ્થાને તાજેતરમાં બજેટ બેઠક મળી હતી, જેમાં સ્ટે. કમિટીના ચેરમેન મનીષ કટારીયા, જાડાના અધિકારી જીજ્ઞાસાબેન ગઢવી, ટાઉન પ્લાનીંગ કચેરીના અધિકારી પાઠક હાજર રહ્યા હતા. આ બેઠકમાં શહેરના વિકાસ માટે રુા. 10 કરોડની ફાળવણી કરવામાં આવી હતી, સરકારની નલ સે જલ યોજનાના રુા. 35 કરોડના પ્રોજેકટમાં રુા. 15 કરોડનો ફાળો આપવાનું ઠરાવાયું હતું.

આ ઉપરાંત જામનગર, કાલાવડ રોડ પર દરેડ ખાતે એફસીઆઇના ગોદામો પાછળથી સરકારી શાળા સુધીનો 1.40 કી.મી. લંબાઇનો સીસી રોડ બનાવવા રુા. 96 લાખ, રાજકોટ બાયપાસ ઉપર પેટ્રોલ પંપથી મોરકંડા સુધી રુા. 1.90 કરોડના ખર્ચે સીસી રોડ, મોરકંડાથી જામનગર કાલાવડ હાઇવે, મહાપ્રભુજીની બેઠક સુધી બે કી.મી.ના સીસી રોડ માટે રુા. 1.09 કરોડ, કૃષિ મંત્રી રાઘવજી પટેલની રજૂઆતના અનુસંધાને કોમ્યુનીટી હોલ બનાવવા રુા. 15લાખ, જાડા વિસ્તારમાં ચમાર, મેઘવાર સમાજના સ્મશાનની દિવાલ બનાવવા રુા. ર.65 લાખનો ખર્ચ તેમજ ગુજરાત પાણી પૂરવઠા બોર્ડ અને ગટર વ્યવસ્થા બોર્ડની પાઇપલાઇન ખસેડવા રુા. 1.08 કરોડ ફાળવાયા હતા.

જાડા હસ્તકના વિસ્તારોનો અને ગામોનો વિકાસ કયારે ?

જામનગર વિકાસ વિસ્તાર સત્તા મંડળ દ્વારા તાજેતરમાં બજેટ બેઠક યોજાઇ જેમાં જાડાનુ રૂા. 25 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે જે પૈકી રૂા. 10 કરોડની રકમનો ખર્ચ જામનગર મહાનગરપાલિકા હસ્તકના વિસ્તારોમાં કરવામાં આવશે એટલે કે, જાડા સંખ્યાબંધ વિસ્તારો અને ગામોનો સમાવેશ ધરાવે છે પરંતુ આ તમામ વિસ્તારોમાં 12 મહીના દરમીયાન માત્ર રૂા. 15 કરોડનો ખર્ચ કરવામાં આવશે. એટલે કે, દરમહીને આ તમામ વિસ્તારોમાં સરેરાશ માત્ર 1.25 કરોડ વાપરવામાં આવશે. આટલી નાની રકમમાંથી આટલા મોટા વિસ્તારોમાં વિકાસના કામો અને રસ્તા તથા ગટર જેવા પ્રાથમીક જરૂરીયાત કામો કયારે અને કેવી રીતે થશે ? તે મુદ્દે જાણકારોમાં ચર્ચા છે અને જાડા હસ્તકના વિસ્તારોમાં રહેતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.