ઓડિટ રિપોર્ટ સબમીટ કરાવવાની તારીખ એક મહિનો લંબાવ્યા છતાં માત્ર ૭૫ ટકા બિલ્ડરોએ જ રેરાના નિયમનું પાલન કર્યું
રીયલ એસ્ટેટના પ્રાવધાનો રેગ્યુલેશન ઓફ ડેવલોપમેન્ટ એકટ ૨૦૧૬ રેરા નામથી પ્રસિધ્ધ છે. જેમાં દર વર્ષે બિલ્ડરોએ પોતાનો ઓડિટ રિપોર્ટ આપવાનો હોય છે ત્યારે આ વર્ષે ગુજરાતના ૪૪૮ રીયલ એસ્ટેટ પ્રોજેકટોના રેરા ઓડિટ બિલ્ડરોએ જમા કરાવ્યા નથી તો કુલ ૧૪૧૮ પ્રોજેકટોએ આ વર્ષે તેના ઓડિટ રીપોર્ટ ઓનલાઈન દાખલ કરાવ્યા છે.રેરાના એકટ મુજબ દરેક બિલ્ડર તેમજ પ્રમોટરોએ નાણાકીય વર્ષ પૂર્ણ થતાં પોતાનો ઓડિટ રિપોર્ટ રેરા એકટ મુજબ દર્શાવવાનો હોય છે. આ એન્યુલ રિપોર્ટ વર્ષમાં બે વખત તૈયાર કરવામાં આવે છે. અન્ય માહિતી ઉપરાંત વાર્ષિક રિપોર્ટમાં બિલ્ડીંગ કે જમીનના વેંચાણ ઉપર થયેલી રકમ તેમજ ખર્ચ અને નફા-નુકશાનની બેલેન્સશીટ તૈયાર કરીને આપવાની હોય છે.
ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓર્થોરીટીની ઔપચારીક વેબસાઈટમાં દર્શાવ્યા મુજબ ડિફોલ્ડીંગ પ્રોજેકટોમાં ૩૭૪ એવા પ્રોજેકટો છે જેની કિંમત ૫૦ કરોડથી ઓછી છે. ૧૦૦ કરોડથી વધુના ૨૯ પ્રોજેકટો ગુજરાતમાં છે. ૪૫ જેટલા પ્રોજેકટો એવા છે જેની કિંમત રૂ.૫૦ અને ૧૦૦ કરોડની વચ્ચેની છે. અમદાવાદમાં ૨૦૧, સુરતમાં ૧૧૨, વડોદરામાં ૪૧ અને રાજકોટના ૨૫ બિલ્ડરોએ રેરાનો ઉલાળીયો કર્યો છે. જો કે રેરા માટે ઓડિટ રિપોર્ટ સબમીટ કરવાની છેલ્લી તારીખને લંબાવીને ૩૦ સપ્ટેમ્બરથી ૩૧ ઓકટોમ્બર સુધી કરાઈ હતી. આમ છતાં કેટલાક બિલ્ડરોએ રિપોર્ટ નોંધાવ્યો ન હતો. રેરા અંતર્ગત કુલ ૪૫૦૦ પ્રોજેકટો નોંધાયા છે જેમાંથી ૧૮૬૬ પ્રોજેકટોના બિલ્ડરોએ ઓડિટ રીપોર્ટ જમા કરાવ્યો છે.