અધિક કલેકટર શિવરાજસિંહ ખાચરની અધ્યક્ષતામાં કોમ્પ્યુટરાઈઝ ડ્રો સંપન્ન : જેમને સ્ટોલ-પ્લોટ ન લાગ્યા હોય તેમને 18મીએ ડિપોઝીટ પરત આપી દેવાશે
રસરંગ લોકમેળાના 244 સ્ટોલ-પ્લોટ માટે અધિક કલેકટર શિવરાજસિંહ ખાચરની અધ્યક્ષતામાં સિટી-1 પ્રાંત કચેરી ખાતે કોમ્પ્યુટરાઈઝ ડ્રો કરવામાં આવ્યો હતો. જેમાં ડ્રોમાં જેમનો નંબર આવ્યો તેમને સ્ટોલ-પ્લોટની ફાળવણી આજે કરી દેવામાં આવી છે. બીજી તરફ જેમને સ્ટોલ-પ્લોટ ન લાગ્યા હોય તેમને 18મીએ ડિપોઝીટ પરત આપી દેવાશે તેવું જાણવા મળ્યું છે.
લોકમેળા સમિતિ દ્વારા રાજકોટ શહેરમાં રેસકોર્સ મેદાન ખાતે તા. 05/09/2023 થી 09/09/2023 દરમિયાન રસરંગ લોકમેળાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં કુલ 355 સ્ટોલ-પ્લોટ રાખવામાં આવ્યા છે. આના માટે 1070 ફોર્મ લોકમેળા અમલીકરણ સમિતિને મળ્યા હતા. આ દરમિયાન આજે ડ્રો રાખવામાં આવ્યો હતો. કેમ કેટેગરી-બી રમકડાના 178 સ્ટોલ, કેટેગરી-સી ખાણીપીણીના 14 સ્ટોલ, કેટેગરી-જે મધ્યમ ચકરડીના 4 પ્લોટ, કે-1 કેટેગરીની નાની ચકરડીના 28 પ્લોટ, કે-2 કેટેગરીની નાની ચકરડીના 20 પ્લોટ મળી કુલ 244 સ્ટોલ-પ્લોટનો કોમ્પ્યુટરાઈઝ ડ્રો કરવામાં આવ્યો હતો.
આ વેળાએ અધિક કલેકટર શિવરાજસિંહ ખાચર, સિટી-1 પ્રાંત કે.જી.ચૌધરી, સિટી-2 પ્રાંત સંદીપકુમાર વર્મા, રાજકોટ ગ્રામ્ય પ્રાંત વિવેક ટાંક, પૂર્વ મામલતદાર આર.બી.ગઢવી, પશ્ચિમ મામલતદાર જાનકી પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સ્ટોલ-પ્લોટની જે તે ધંધાર્થીઓને ફાળવણી કરી દેવામાં આવી છે. બીજી તરફ જે ધંધાર્થીઓને સ્ટોલ-પ્લોટ લાગ્યા નથી તેઓને ડિપોઝીટ તા.18એ પરત આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે હવે તા.9/8/2023 બુધવારના રોજ કેટેગરી-એ ખાણીપીણી મોટીના પાંચ પ્લોટ માટે સવારે 11:00 કલાકે અને બી1/કોર્નર ખાણીપીણીના 32 પ્લોટ માટે બપોરે 4:00 કલાકે તથા કેટેગરી-ઈ, એફ, જી-1,જી-2 અને એચ યાંત્રિકના પ્લોટની હરરાજી તા. 10/08/2023 ગુરૂવારના સવારે 11:30 કલાકે અને તા. 11/08/2023 શુક્રવારે કેટેગરી- એકસ આઇસ્ક્રીમના 16 પ્લોટ માટે સવારે 11:30 કલાકે તથા કેટેગરી વાય- ફુડકોર્ટ 3, ઝેડ- ટી કોર્નરના 1 પ્લોટ માટે બપોરે 4:00 કલાકે હરરાજી કરવામાં આવશે.