મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ખાનગી સોસાયટી જનભાગીદારી ઘટક અન્વયે વડોદરા મહાનગરપાલિકા તથા જસદણ અને વિજાપુર નગરપાલિકાઓમાં કુલ મળીને 53 કામો માટે 3 કરોડ 14 લાખ રૂપિયા રાજ્ય સરકારના ફાળા પેટે આપવાની મંજૂરી આપી છે.

મુખ્યમંત્રી એ આ સંદર્ભમાં વડોદરા મહાનગરપાલિકાને ૨ કરોડ 78 લાખના ખર્ચે વિવિધ 50 કામો માટે મંજૂરી આપી છે. તેમણે જસદણ નગરપાલિકાને સી.સી. રોડના કામ માટે રૂ. 19.17 લાખ તેમજ વિજાપુર નગરપાલિકાને સી.સી. રોડ અને પેવર બ્લોકના કામો માટે 17.43 લાખ રૂપિયા ફાળવવા અનુમતિ આપી છે. 2010માં ગુજરાતની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવા અવસરે તત્કાલિન મુખમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના શરૂ કરાવી છે.

અત્યાર સુધીમાં રાજ્ય સરકારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આ ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના અંતર્ગત મહાનગરપાલિકાઓને 36,418 કામો માટે રૂ. 2112.23 કરોડ અને નગરપાલિકાઓને 7,334 કામો માટે રૂ. 318.83 કરોડ મળીને કુલ 43,752 કામો માટે રૂ. 2430.46 કરોડ રાજ્ય સરકારના ફાળા પેટે ફાળવેલા છે.

રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ તેમના વિસ્તારોમાં આવેલી ખાનગી સોસાયટીઓમાં પાયાની મૂળભૂત કોમન ફેસેલિટીઝના કામો માટે આ યોજના અંતર્ગત ગ્રાંટની રકમ મેળવી શકે છે. ખાનગી સોસાયટીઓમાં રસ્તા, પેવર બ્લોક, પાણીની લાઈન, ડ્રેનેજ લાઈન, સ્ટ્રીટ લાઈટ, રેઈન વોટર હાર્વેસ્ટીંગ તેમજ સોસાયટીઓના કોમન પ્લોટમાં પેવર બ્લોક નાંખવાના કામો માટે આ સહાય 70:20:10ના ધોરણે અપાય છે.

તદઅનુસાર, કુલ સંભવિત રકમના 70 ટકા ગ્રાંટ રાજ્ય સરકાર તરફથી ફાળવવામાં આવે છે. 20 ટકા પ્રમાણે ખાનગી સોસાયટીના અને 10 ટકા સ્થાનિક સંસ્થાનો ફાળાનો સમાવેશ કરીને આવા બેઝિક કોમન ફેસેલિટીઝના કામો ખાનગી સોસાયટીઓમાં જનભાગીદારીથી હાથ ધરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.