ભારતભરનાં બેંક કર્મચારી એસોસિએશને વિલફુલ ડિફોલ્ટરોની યાદી જાહેર કરી: ગીતાંજલી જેમ્સ, કિંગ ફિશર એરલાઈન્સ, રૂચી સોયા સહિત અનેક કંપનીઓનો સમાવેશ
વિશ્ર્વમાં એક અલગ જ શિખર પર પહોંચવા માટે ભારત દેશ અનેકવિધ રીતે પ્રયત્ન અને મહેનત કરી રહ્યું છે ત્યારે દેશને આર્થિક રીતે મજબુત અને સઘ્ધર બનાવવા માટે સરકાર દ્વારા વિકાસલક્ષી નિર્ણયો અને યોજનાઓ પણ બનાવવામાં આવી છે. સરકાર ખાનગી કંપનીઓ તથા ઉધોગોનાં વિકાસ માટે તેઓને જરૂરીયાત મુજબની અનેકવિધ સેવાઓ પણ આપી રહી છે પરંતુ આ વાતને કયાંકને કયાંક મોટી કંપનીઓ ધ્યાને લેતી નથી અને પોતે વિલફુલ ડિફોલ્ટર થઈ બેંકોને ખુબ જ મોટા પ્રમાણમાં ચુનો પણ ચોપડે છે. પબ્લીક સેકટર બેંકોમાં કુલ ૨૪૨૬ લોકોએ અધધ રૂ.૧.૪૭ લાખ કરોડનો ધુંબો માર્યો છે ત્યારે ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોય એસોસીએશન દ્વારા આ તમામ લોકોની યાદી જાહેર કરી છે. યાદીમાં ગીતાંજલી જેમ્સ, કિંગ ફિશર એર લાઈન્સ, રુચી સોયા, રોટોમેક, સ્ટર્લિંગ ઓઈલ રિસોર્સીસનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીજી તરફ આ યાદીમાં કુલ ૩૩ વિલફુલ ડિફોલ્ટરોની યાદી પણ જાહેર કરાઈ છે.
ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોય એસોસીએશને શનિવારનાં રોજ એક યાદી જાહેર કરી છે જેમાં પબ્લીક સેકટર બેંકને ધુંબો મારનાર લોકોની યાદી બહાર પાડવામાં આવી છે. સાથો સાથ આ તમામ વિલફુલ ડિફોલ્ટરોને પબ્લીક ડોમેનમાં તેમની નામની યાદી મુકવાની પણ વાત કરવામાં આવી છે. સાથો સાથ બેંક એમ્પ્લોય એસોસીએશનનાં જણાવ્યા મુજબ આ તમામ ડિફોલ્ટરોને રાષ્ટ્રનાં હિતમાં અને જે કોઈ લોકો ચુંટણી લડતા હોય અને તે વિલફુલ ડિફોલ્ટરોની યાદીમાં હોય તો સરકારે તેમને ચુંટણી ન લડવાની માંગ પણ કરી છે. બીજી તરફ જે કોર્પોરેટ લોનની ભરપાઈમાં લોકોએ ઠાગાઠૈયા કર્યા હોય તે સર્વે પાસેથી નાણાની ભરપાઈ કરવા પણ જણાવ્યું છે. સંસ્થાનાં જણાવ્યા મુજબ ભારતીય બેંકોમાં કરોડો સ્થાનિક લોકોનાં નાણા સચવાયેલા છે જે સુરક્ષિત પણ છે. દેશમાં કોમર્શિયલ બેંકોમાં જમા થયેલા નાણા ૧૩૮ લાખ કરોડને પાર પહોંચ્યા છે. એસોસીએશને માંગણી કરી છે કે, પબ્લીક સેકટર બેંકોને વધુ મજબુત કરવામાં આવે અને તેના વિકાસ માટે ઘણાખરા ફંડ પણ અપાય જો આ કાર્ય શકય થશે તો દેશને આર્થિક રીતે ખુબ ફાયદો પહોંચશે.એસોસીએશનનાં જણાવ્યા મુજબ પબ્લીક સેકટર બેંકોમાં કુલ ૨૪૨૬ કેસો પડતર છે જેમાં ૧૪૭ લાખ કરોડ રૂિ૫યા સલવાયેલા પડયા છે જેને વિલફુલ ડિફોલ્ટર દ્વારા પણ ધુંબો મારવામાં આવ્યો છે જે કંપની લોકો પાંચ કરોડથી વધુની રકમ ઉપર ડિફોલ્ટ થયા હોય તેઓને વિલફુલ ડિફોલ્ટરોની યાદીમાં જાહેર કરવામાં આવ્યા છે જે બેંકો એનપીએ થઈ હોય તે તમામ લોકોને આ યાદીમાં સ્થાન અપાયું નથી. અનિલ અંબાણી ગ્રુપ, અદાણી ગ્રુપ અને વિડીયોકોન ગ્રુપ દ્વારા સંયુકત રીતે કુલ ૧૦ લાખ કરોડ રૂપિયાનો એનપીએ થયેલું છે જેને યાદીમાં સ્થાન અપાયું નથી.દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા માટે વડાપ્રધાન મોદી દ્વારા જે પ ટ્રિલિયન ડોલરની ઇકોનોમીનું સ્વપ્ન સેવયું છે ત્યારે આ પ્રકારના ડીફોલ્ટરોએ ઉપર ફોજદારી ગુનો દાખલ કરી અને બાકી રહેલા રકમની ભરપાઇ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે. જેથી આ પ્રકારનું પગલું કોઇ અન્ય લોકો ભરી ના શકે.
નેશનલાઈઝ બેંકોમાં વિલફુલ ડિફોલ્ટરોએ ૮૦ હજાર કરોડથી વધુનો ધૂંબો માર્યો
એક તરફ દેશની અર્થવ્યવસ્થાને વધુ મજબુત બનાવવા માટે સરકાર દ્વારા જે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે નેશનલાઈઝ બેંકોમાં વિલફુલ ડિફોલ્ટરોનાં કેસમાં અનેકગણો વધારો પણ જોવા મળ્યો છે તો બીજી તરફ કુલ ૮૦ હજાર કરોડથી વધુ રૂપિયાનો ધુંબો આ બેંકોને ડિફોલ્ટરો દ્વારા મારવામાં આવ્યો છે આંકડાકિય માહિતી મુજબ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં વિલફુલ ડિફોલ્ટરો દ્વારા જે નાણા ઉસેડવામાં આવ્યા છે તેનો આંકડો ૪૩,૮૮૭ કરોડ રૂપિયાનો છે એવી જ રીતે પંજાબ નેશનલ બેંકમાં ૨૨,૩૭૦ કરોડ રૂપિયા, બેંક ઓફ બરોડામાં ૧૪,૬૬૧ કરોડ રૂપિયા એમ કુલ મળી ૮૦ હજાર કરોડથી પણ વધુ રૂપિયાનો ધુંબો વિલફુલ ડિફોલ્ટરો દ્વારા મારવામાં આવ્યો છે. કુલ ૨૪૨૬ કેસોની સામે ૧૩૬૫ કેસ માત્રને માત્ર નેશનલાઈઝ બેંકોનાં હોવાનું સામે આવ્યું છે. બેંક એસોસીએશન દ્વારા ૩૩ જેટલા વિલફુલ ડિફોલ્ટરોની યાદી પ્રસિઘ્ધ કરવામાં આવી છે જેમાં ગીતાંજલી જેમ્સ, કિંગ ફિશર એરલાઈન્સ સહિત અનેક કંપનીઓનો સમાવેશ થયો છે. ૩૩ ડિફોલ્ટરો એવા છે કે જેઓએ ૫૦૦ કરોડથી વધુની રકમની લોન લીધેલી હોય અને તેમાં તેઓ ડિફોલ્ટ થયા હોય.