2001નો ગોજારો ભૂકંપ કચ્છને રોવડાવી ગયો
૨૬ જાન્યુઆરી, ૨૦૦૧ના રોજ ભારતના 52 માં પ્રજાસત્તાક દિવસે સવારે ૮.૪૬ કચ્છમાં ગોજારો ભૂકંપ આવ્યો હતો અને ૨ મિનિટ કરતાં વધુ ચાલ્યો હતો. આ ધરતીકંપનું કેન્દ્ર ગુજરાતના કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ચોબારી ગામથી ૯ કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમે હતું. આ ધરતીકંપ ૭.૭ માપનો હતો. ધરતીકંપને કારણે આશરે ૨૦,૦૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા૧,૬૭,૦૦૦ લોકો ઇજા પામ્યા હતા અને આશરે ૪,૦૦,૦૦૦ ઘરો વિનાશ પામ્યા હતા.
2001ના આ ભૂકંપ એટલો ભયાનક હતો કે જેમ પત્તાની ઈમારત ધરાશાઈ થાઈ તેમ લોકોના ઘર, દફતર, સરકારી ઈમારતો ધરાશાયી થયા હતા અને થોડી જ ક્ષણોમાં લાખો લોકો બેઘર થયા હતા. ભૂકંપના એ દર્દનાક દૃશ્ય આજે પણ લોકોના અંતરમનમાં એક ખૂણે દબાયેલા છે. સિમેન્ટ અને પથ્થરના કાટમાળમાં લોકો પોતાના પરિવારજનોને શોધતા હતા ત્યારે અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી તો અનેકના મૃતદેહ પણ ન મળી શક્યા.
કોઈ પોતાના હાથમાં પરિવારજનોના મૃતદેહ લઈને સ્મશાને પહોંચી રહ્યા હતા તો જેમણે એકથી વધારે પરિવારજનોને ખોયા હતા તેઓ હાથગાડીમાં મૃતદેહો સ્મશાને પહોચાડી રહ્યા હતા. સ્મશાનોમાં મૃતદેહોનું અંતિમસંસ્કાર કરવા ચિત્તાઓ ઓછી પડી રહી હતી તો કબ્રસ્તાનોની જમીન ટુંકી પડી રહી હતી.આજે પણ એ ભૂકંપને કચ્છના લોકો નથી ભૂલી શક્યા. ભૂકંપની વાત આવતા આજે પણ કઠણ મનના માનવીનું કાળજું કંપી ઉઠે છે, જેમ ગ્રીક પૌરાણિક કથા મુજબ ફિનિક્સ પક્ષી પુનઃ જીવિત થાય તેમ કચ્છ માટી અને સિમેન્ટના કાટમાળમાં આજે ઉભુ થઈ વિશ્વ ફલક પર પહોંચ્યું છે.