રિયલ એસ્ટેટ કન્સલ્ટન્સીમાં કોરોનાકાળમાં પણ નવા પ્રવેશ કરનારા એજન્ટોમાં વધારો જોવા મળ્યો છે.  ગુજરાત રીઅલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી સાથે નોંધાયેલા રીઅલ એસ્ટેટ એજન્ટોની સંખ્યા વર્ષ 2020-21માં 24% વધીને 356 થઈ ગઈ છે જે 2019-20માં 286 હતી.

ડીગ્રી હાંસલ કરનારા અનેક યુવાનો એસ્ટેટ એજન્ટના વ્યવસાય તરફ આકર્ષાયા : અનેક ફ્રેન્ચાઇઝીના માલિકોએ પણ સ્વતંત્ર વ્યવસાયનું સાહસ કર્યું

નાણાકીય વર્ષ 2021માં નોંધાયેલા કુલ એજન્ટોમાં 336 વ્યક્તિઓ અને 20 કંપનીઓ હતી.  ગુજરેરા પાસે ઉપલબ્ધ ડેટા મુજબ અમદાવાદમાં 279 રીઅલ એસ્ટેટ એજન્ટ-વ્યક્તિઓ અને કંપનીઓ હતા. ચાલુ નાણાકીય વર્ષમાં રજિસ્ટર્ડ રિયલ એસ્ટેટ એજન્ટોની કુલ સંખ્યાને લઈને રાજ્યભરમાં અત્યાર સુધીમાં લગભગ 70 જેટલા એજન્ટો વધ્યા છે.

અમદાવાદના રિયલટર્સ એસો.ના ફાઉન્ડર પ્રેસિડેન્ટ પ્રવીણ બાવળીયાએ જણાવ્યું કે રીઅલ એસ્ટેટ એજન્ટોની માંગ વધી છે. મિલકત ખરીદ- વેચાણમાં સલાહકાર બનવા માટે કોઈ મૂડીની જરૂર પડતી નથી. અનેક યુવાનો ડિગ્રીઓ હાંસલ કરે છે. પણ વ્યવસાય રોકાણ વગર શરૂ થતું હોય તેઓ આ તરફ દોટ લગાવે છે. આ વ્યવસાયમાં પ્રવેશ ઉપર કોઈ અવરોધ ન હોવાથી યુવાનો પગાર માટે કામ કરવાને બદલે પોતાનો સ્વતંત્ર બ્રોકિંગ વ્યવસાય ચલાવવા માંગતા હોય તેઓ પણ સ્થાવર મિલકત દલાલના ધંધામાં ધકેલાઇ રહ્યા છે. અનેક લોકોની નોકરીને ગ્રહણ લાગ્યા બાદ આ ચણલ કોરોનાકાળમાં વધ્યું હતું.

મળતી માહિતી અનુસાર ઘણા રિયલ એસ્ટેટ ફ્રેન્ચાઇઝી માલિકોએ ફ્રેન્ચાઇઝી મોડેલ પર કામ કરતા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રીઅલ એસ્ટેટ સલાહકારો સાથે થોડા વર્ષોનો અનુભવ મેળવ્યા બાદ સાહસ શરૂ કર્યા છે.એક દાયકા પહેલા, રીઅલ એસ્ટેટ કન્સલ્ટન્સીની જગ્યા મોટા પ્રમાણમાં અસંગઠિત હતી.  જો કે, રીઅલ એસ્ટેટ કન્સલ્ટન્સીમાં હવે વ્યાવસાયીકરણ અને એજન્ટ-મૈત્રીપૂર્ણ વાતાવરણ બનાવવામાં આવ્યું છે.  આનાથી રીયલ એસ્ટેટ બ્રોકરેજ બિઝનેસમાં વધુ લોકો આકર્ષાયા છે અને સલાહકારોની સંખ્યામાં વધારો પોતાને આરઇઆરએમાં નોંધાવતા હોવાનું એજન્ટોએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ગુજરેરા સાથે નોંધાયેલા રહેણાંક, વ્યવસાયિક, મિશ્ર વિકાસ અને પ્લોટેડ સ્કીમ સહિતના એસ્ટેટ પ્રોજેક્ટ્સની સંખ્યા, વર્ષ 2020-21માં આગલા વર્ષની સાપેક્ષે રોગચાળાને લીધે 1745થી  23%ઘટીને 1346 જેટલી થઈ ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.