કલેકટર અરૂણ મહેશ બાબુની અઘ્યક્ષતામાં જિલ્લા કક્ષા સમિતિની બેઠક મળી: અત્યાર સુધીમાં 78 ગૌશાળા પાંજરાપોળને રૂ. 5.27 કરોડની સહાય અપાઇ
રાજકોટ જિલ્લામાં પબ્લીક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલા પાંજરાપોળ અને ગૌશાળા ખાતે રાખવામાં આવતા ગાયવર્ગ અને ભેંસવર્ગના પશુઓના નિભાવ માટે અમલી ’મુખ્યમંત્રી ગૌમાતા પોષણ સહાય યોજના’ અંતર્ગત રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી.
કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં ’મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના’ હેઠળ લાભ લેવા માટે ઓક્ટોબરથી ડીસેમ્બર, 2022 દરમિયાન આવેલી 24 ગૌશાળા-પાંજરાપોળની અરજી મંજૂર કરાઈ હતી. જેતપુર, જામકંડોરણા, જસદણ, કોટડાસાંગાણી, ગોંડલ તાલુકાઓમાં આવેલી આ કુલ 24 સંસ્થાઓને પ્રથમ હપ્તાની સહાય માટે કુલ રૂ. 66,57,120ની સહાય આપવામાં આવશે.
વધુમાં, બેઠકમાં જાન્યુઆરીથી માર્ચ, 2023 માટે ગૌશાળાઓ અને પાંજરાપોળોને ચુકવવાની થતી આર્થિક સહાય બાબતે પરામર્શ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે આ યોજના હેઠળ કુલ 78 જેટલી ગૌશાળા અને પાંજરાપોળને કુલ રૂ. 5,27,90,520ની સહાય આપવામાં આવી છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, જિલ્લા નાયબ પશુપાલન નિયામક ડો. કે. યુ. ખાનપરા, ઘનિષ્ઠ પશુસુધારણા યોજના કચેરીના નાયબ નિયામક ડો. એ. એમ. દઢાણીયા, કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટના સેક્રેટરી પ્રતિકભાઈ સંઘાણી સહિતના સંબધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
અટલ સરોવર ખાતે બાંધકામ શ્રમિકોની સલામતી અંગેનો સેમિનાર સંપન્ન
રાજકોટના ન્યુ રેસકોર્સ મુકામે આવેલા અટલ સરોવર સાઇટ ઉપર બાંધકામ સલામતી અંગેનો જાગૃતિ કાર્યક્રમ યોજાયેલ હતો. જેમાં બાંધકામ સ્થળે સુરક્ષિત રીતે કારી કામગીરી કરવા સંબંધીત કાર્યપાલકની માહીતી પ્રદાન કરવામાં આવી હતી. આ પ્રોગ્રામમાં સંયુકત નિયામક એન.એસ. પટેલ તેમજ સાઇટના જવાબદાર અધિકારી કે.કે.મિશ્રા સહીત બીઓસી ડબલ્યુ નિરીક્ષક જી.કે. મકવાણા તથા અન્ય અધિકારી વી.પી. પરવડા એલ એન્ડ ટીના સેક્રેટરી ઓફીસર સૌની બાંધકામ બોર્ડ કચેરીના પ્રોજેકટ ઓફીસર વિપુલ જાની વગેરે હાજર રહેલ હતા. અને બાંધકામ શ્રમિકોની સલામત અંગેની સરકારી જોગવાઇઓની સરળ ભાષામાં સમજ અપાઇ હતી.