અબતક-રાજકોટ
સૌરાષ્ટ્રનો દરિયા કિનારો જાણે હવે ડ્રગ્સ માફિયાઓ માટે એપી સેન્ટર બની રહ્યો હોય તેમ આસપાસના નાના-નાના ગામડાઓમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાઇ રહ્યું છે. પરંતુ સળગતો સવાલ એ છે કે આટલા કરોડો રૂપિયાના ડ્રગ્સનું પેમેન્ટ કઈ રીતે કરવામાં આવે છે. જેથી હવે પંજાબથી ઝડપાયેલા પાંચ શખ્સોનો ગુજરાત એટીએસએ કબ્જો મેળવ્યો છે. જેથી ડ્રગ્સ મામલે હવાલાકાંડનો પર્દાફાશ પણ થશે તેવું લાગી રહ્યું છે. હવાલાકાંડ મામલે ઉચ્ચ તપાસ થતા અનેક શખ્સોને પગ તળે રેલો આવ્યો છે.
પંજાબ-હરિયાણા અને રાજસ્થાન સહિતના ઉત્તરના રાજ્યોમાં સલાયાથી ડ્રગ્સ જતું હોવાના રેકેટનો પર્દાફાશ
સૌરાષ્ટ્રમાંથી ઝડપાયેલા ડ્રગ્સ મામલે પંજાબ તપાસનો ધમધમાટ ચલાવી પાંચ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં ગુજરાત એટીએસ દ્વારા આ પાંચેય શખ્સોને ગુજરાત લાવવા માટે કવાયત હાથધરવામાં આવી છે. આ પાંચેય શખ્સોની રિમાન્ડમાં એટીએસ દ્વારા હવાલાકાંડ મામલે પણ તપાસ કરવામાં આવશે.
સૌરાષ્ટ્રના ગામડાઓમાંથી મળતા ડ્રગ્સની તપાસ હોવી રાષ્ટ્રવ્યાપી બનાવામાં આવી છે. સલાયા બાદ મોરબીના ઝીંઝુડા અને હવે દ્વારકાના નાવદ્રા ગામેથી વધુ રૂ.૧૨૦ કરોડની કિંમતનું ૨૪ કિલો હેરોઇન ઝડપાયું છે. જેમાં ૨ રાજસ્થાનના અને એક જોડિયાના શખ્સની પોલીસે ધરપકડ કરી છે. તો બીજી તરફ ઉત્તર ભારતના રાજ્યોમાં પણ સલાયાથી ડ્રગ્સ ગયું હોવાનું પણ ખુલ્યું છે.
પંજાબના ડ્રગ્સ પેડલરનો ગુજરાત એટીએસને કબ્જો મળ્યા બાદ હવાલાકાંડનો પર્દાફાશ થશે
દ્વારકાના નાવદ્રા ગામે પણ ગઈ કાલે પોલીસે દરોડો પાડી રૂ.૧૨૦ કરોડની કિંમતના ૨૪ કિલો હેરોઇનનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં પોલીસે બે રાજસ્થાનના અને એક જોડિયા ગામના શખ્સની ધરપકડ કરી છે. કરોડો રૂપિયાના ડ્રગ્સની સાચવણી અને હેરાફેરી માટે લોકલ શખ્સો રાજી થઈ જતા પોલીસે તપાસ વધુ કડક કરી છે.
રાજસ્થાન અને પંજાબની આંતરરાષ્ટ્રીય બોર્ડર સીલ થતા જ હસે ડ્રગ્સ માફિયાઓ નજર સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર પડી છે. ગામડાઓ સુધી પહોંચેલા ડ્રગ્સના દુષણને નાથવા માટે દરિયા કિનારે સઘન તપાસ કરવી જરૂરી છે.
આ સાથે જ કરોડો રૂપિયાનું ડ્રગ્સ સૌરાષ્ટ્રમાં કોના ભરોસે આવે છે. આટલા કરોડો રૂપિયાના ડ્રગ્સના પેમેન્ટ ક્યાંથી થાય છે અને આ સંદર્ભે પૈસાની લેતી દેતી સેના દ્વારા કરવામાં આવે છે તે જ સૌથી સળગતો પ્રશ્ન બની રહ્યો છે. આંતરરાષ્ટ્રીય વ્યાપી પાથરેલા આ દુષણનો હવાલાકાંડ પર એટીએસ દ્વારા તપાસ હાથધરવામાં આવી છે.