વીમા કંપનીઓની હવે લાલીયાવાડી નહીં ચાલે
વડોદરા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ દ્વારા અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય આપવામાં આવ્યો
મેડિક્લેમ માટે સામાન્ય રીતે જે તે વ્યક્તિએ 24 કલાક જેટલો સમય હોસ્પિટલમાં દાખલ થવું પડે છે જોકે આ મામલે વડોદરમાં ક્ધઝુમર ફોરમે ખૂબ જ સિમાચિન્હરુપ ચુકાદો આપ્યો છે. જેમાં કહેવાયું ચે કે આધુનિક ટેક્નોલોજીના કારણે ઘણી સારવારમાં દર્દીને 24 કલાક દાખલ થવાની જરુર પડતી નથી તેવા કિસ્સામાં વીમા કંપનીઓ વળતર માટે ના પાડી શકે નહીં. ગ્રાહક સુરક્ષા કોર્ટ વડોદરા દ્વારા આ ચુકાદો અરવિંદ સુથાર અને હંસા સુથારની તરફેણમાં આપવામાં આવ્યો હતો, જેમણે 2016માં રેટિના વેસ્ક્યુલર ઓક્લુઝનની સારવાર કરાવી હતી. તેઓએ સારવાર માટે રૂ. 43,000થી વધુના વીમાનો દાવો કર્યો હતો પરંતુ ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની અને થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટરએ તેમનો દાવો ફગાવી દીધો હતો.
વીમા કંપનીએ જણાવ્યું હતું કે દર્દીઓને આપવામાં આવેલી સારવાર સામાન્ય રીતે ઓપીડી વિભાગની જેમ આપવામાં આવી હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નહોતી પડી. ઉપરાંત, લેવામાં આવેલી સારવાર હોસ્પિટલમાં દાખલ થવાની વ્યાખ્યા હેઠળ આવતી નથી અને એટલું જ નહીં પોલિસીમાં તેને ડેકેર પ્રક્રિયા તરીકે પણ સૂચિબદ્ધ કરવામાં આવી નથી. તેમજ જો અન્ય પરિસ્થિતિઓ માટે હોસ્પિટલમાં દાખલ થવા દરમિયાન અથવા અન્ય સ્વીકૃત ડે કેર પ્રોસિજર દરમિયાન ઇન્જેક્શન આપવામાં આવે તો પણ, તે ચૂકવવાપાત્ર રહેતું નથી.વીમા કંપનીએ હોસ્પિટલાઈઝેશન શબ્દનો અર્થ હોસ્પિટલમાં ઓછામાં ઓછું સળંગ 24 કલાક માટે દાખલ થવું તેવો કર્યો છે. તેમજ વીમા કંપની કે ટીપીએ દ્વારા માન્ય ઓપરેશન અને સર્જિકલ પ્રક્રિયાઓ કે જેમાં 24 કલાકથી ઓછા સમય માટે હોસ્પિટલમાં દાખલ થવાની જરુર રહે છે. કારણ કે ટેક્નોલોજી એડવાન્સમેન્ટના કારણે 24 કલાકથી ઓછા સમય માટે આવા દર્દીને હોસ્પિટલમાં દાખલ થવાની જરુર રહે છે.
આ અંતર્ગત આવતી સારવારનો પણ વીમા પોલિસીમાં પહેલાથી ઉલ્લેખિત કરવામાં આવે છે. વીમા કંપનીએ જણાવ્યું કે સામાન્ય રીતે ઓપીડીમાં કરવામાં આવેલી દર્દીની સારવાર કે સર્જિકલ પ્રક્રિયાઓ પોલિસી હેઠળ ચૂકવવાપાત્ર નથી, ભલેને પછી હોસ્પિટલમાં દર્દી તરીકે 24 કલાકથી વધુ સમય માટે રાખવામાં આવ્યા હોય કે પછી આ સારવાર ડેકેર સેન્ટરમાં કરવામાં આવી હોય. દેશ અને રાજ્યમાં અનેક ગ્રાહકોને 24 કલાક દાખલના નામે વીમા કંપનીઓ નાણાં આપતી નથી. જોકે આ ચુકાદામાં ગ્રાહકને વ્યાજ સાથે હેરાનગતિનું વળતર આપવાનો આદેશ કર્યો છે આ બાબતે નેશનલ ઇન્શ્યુરન્સ કંપનીને આદેશ કર્યો છે.
ગ્રાહકને ગુણવત્તાયૂકત સાથે ચીજ-વસ્તુ મળે એજ સાચી વિશ્ર્વ ગ્રાહક દિનની ઉજવણી
દર વર્ષે 15 માર્ચના દિવસે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ મનાવવામાં આવે છે. ગ્રાહકોના અધિકારો અને તેની જરૂરિયાત વિશે જાગૃતિ ફેલાવવા માટે આ દિવસ મનાવાય છે. તેનો મુખ્ય હેતુ ગ્રાહકો કે વપરાશકર્તા ઓના હિતને ધ્યાનમાં રાખીને ગ્રાહક સુરક્ષા અધિકાર અને તેમાં આવતા કાનૂનોની જાણકારી આપવાનો છે. તેથી ભારતમાં ગ્રાહક સુરક્ષા દિવસ 24 ડિસેમ્બરના દિવસે મનાવાય છે. કારણ કે ભારતના રાષ્ટ્રપતિએ 24 ડિસેમ્બરના દિવસે ગ્રાહકોની સુરક્ષા ના અધિનિયમનો સ્વીકાર કર્યો હતો. તેથી રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસ 24 ડિસેમ્બરે મનાવાય છે પરંતુ વિશ્વ ગ્રાહક સુરક્ષા દિવસ 15 માર્ચે મનાવાય રહ્યો છે.
વિશ્વ ગ્રાહક સુરક્ષા દિવસ દરેક ગ્રાહકોનું માન જાળવવા અને તેના અધિકારોની રક્ષા કરવા મનાવાય છે. તે સિવાય બજારનો દુરુપયોગ અને તેના અધિકારોને નબળા બનાવવા સામાજિક અન્યાય તેમજ બજારમાં થતી છેતરપિંડી, કાળા બજારી, ભેળસેળ, એમઆરપીથી વધુ કિંમત, તોલ માપમાં ગરબડી તેમજ તોલમાપ વિના સમાન વેચવો, ગેરંટી આપ્યા પછી પણ સેવા ન આપવી તેમજ એક્સપાયરી ડેટ થઈ ગઈ હોય તેમ છતાં માલ વેચવો અને સીલ તુટેલી વસ્તુઓ વહેંચવી કે બિલ આપવું નહીં વગેરે અપરાધો નો વિરોધ કરવા માટે 15 માર્ચનો દિવસ વિશ્વભરમાં મનાવાઇ રહ્યો છે.આપણા દેશમાં ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 નામનો કાયદો ગ્રાહકોના હિત અને હકનું રક્ષણ કરે છે. જે વ્યક્તિ પોતાના અંગત ઉપયોગ માટે ચીજ વસ્તુઓ ખરીદે અથવા સેવા મેળવે તે વ્યક્તિને ગ્રાહક કે વપરાશકર્તા કહેવાય. આ બધા અધિકારોના ઉપયોગ કરવા માટે ગ્રાહકોએ હંમેશા સતર્ક અને સજાગ રહેવું ખૂબ જરૂરી છે. ગ્રાહકોની સુરક્ષા માટે ફરિયાદ કરવાની રીત ખૂબ જ સરળ છે
ગ્રાહકોની ફરિયાદ સાંભળવા માટે આપણા દેશમાં ત્રણ સ્તરની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં 20 લાખ સુધીના વળતરના દાવા માટે જિલ્લા ફોરમ્, 20 લાખ કરતા વધુ પરંતુ એક કરોડ થી ઓછા વળતરના દાવા માટે રાજ્ય ફોરમ્ અને એક કરોડ કે તેનાથી વધારાની રકમના દાવા માટે કેન્દ્રીય ફોરમ્ ની વ્યવસ્થા કરવામાં આવી છે.ગ્રાહક સુરક્ષા અંગેની ફરિયાદ જે તે ચીજ વસ્તુ કે સેવા ખરીદ્યાનાં દિવસથી બે વર્ષની અંદર કરવી ફરજીયાત છે અને ગ્રાહક સુરક્ષા ના કેસમાં વકીલ રાખવાની જરૂર પણ પડતી નથી. વ્યક્તિ પોતે જ ગ્રાહક તકરાર નિવારણ ફોરમ્ માં પોતાનો કેસ લડી શકે છે. દરેક જિલ્લામાં એક અને જરૂર પડે તો એક કરતાં વધારે ફોરમ્ રાજ્ય સરકાર રચી શકે છે. જાગો ગ્રાહક જાગો….