ચાની હોટલે બેઠા-બેઠા કોઇપણ દસ્તાવેજ વગર માત્ર ‘જબાન’ ઉપર કરોડોના સોદાઓ થઇ જાય છે: બપોરે 1 થી 4 બજારો સુમસામ: બપોરના આરામ પછી સાંજે ચા ની ચુસ્કી સાથે સાંધ્ય દૈનિકો વાંચીને ફરી તાજામાજા થાય છે રાજકોટીયન્સ
ગુજરાતના ચોથા ક્રમનું સૌથુ મોટુ શહેર અને સૌરાષ્ટ્રના પાટનગર સમા રંગીલા રાજકોટની તાસીર પહેલેથી જ રંગીલી અને મુડી રહી છે. અહીં દિવાળી પર રોશનીનો અલભ્ય ઝગમગાટ હોય છે તો જન્માષ્ટમી પર ચોકે-ચોકે ગોકુળીયો માહોલ સર્જાય છે, કોઈપણ નાનામાં નાના તહેવારને પણ રાજકોટીયન્સો અલગ અંદાજથી ઉજવે છે. રાજકોટને રંગીલુ શહેર કહેવામાં આવે છે. રાજકોટવાસીઓ તેમની બપોરે સુઈ જવાની ટેવ માટે જાણીતા છે. બપોરે 1 થી 4 રાજકોટની બજારો સુમસામ ભાસે છે.
બપોરના આરામ પછી રાજકોટીયન્સો સાંજે ચા ની ચુસ્કી સાથે સાંધ્યદૈનિકો વાંચીને ફરી પાછા તાજામાજા થાય છે, સાથે જ તેઓ જિંદગીને મન ભરીને માણે છે. રંગીલો મિજાજ, ખાણી-પીણીનો શોખ અને જલ્સાથી જીવતા માણસો રાજકોટની એક અલગ પહેચાન છે.જન્માષ્ટમીના સમયે તો અહીં પાંચ દિવસની રજા હોય છે. મેળામાં દિવસે ગ્રામ્ય જનતા મન મુકીને મહાલીને ગ્રામ્ય સંસ્કૃતીને ઉજાગર કરે છે તો રાત્રે શહેરીજનો હૈયે હૈયુ દળાય એટલી ભીડનો હિસ્સો થઈ મેળાની રોનક વધારે છે. રાજકોટના લગભગ 400 વર્ષ જૂના ઈતિહાસ પર નજર નાંખતા રાજકોટ શહેરની સ્થાપના વિભોજી અજોજી જાડેજાએ કરી હતી.
તેમણે પોતાના મિત્ર રાજુ સંધીની મૈત્રી જીવંત રાખવા માટે રાજકોટની સ્થાપના અને નામકરણ કરેલ.ઈ.સ. 17ર0માં રાજકોટ ઉપર તે સમયના જુનાગઢ નવાબના સુબેદાર માસુમખાતે ચડાઈ કરીને ઠાકોર સાહેબશ્રી મહેરામણ બજાને હરાવીને રાજકોટને જીત્યુ હતુ, જેથી માસુમખાને રાજકોટનું નામ માસુમાબાદ કરી નાખ્યુુ હતું, ત્યારબાદ 1ર વર્ષ એટલે કે ઈ.સ.173રમાં મહેરામણજીના પુત્ર રણમલજીએ પોતાનું સૈનય એકઠુ કરીને માસુમખાન ઉપર ચડાઈ કરીને તેને ઠાર માર્યો અને ફરીવાર પોતાના પિતાની ગાદી પાછી મળવી હતી. જેથી ફરીથી તે સમયે ઠાકરો સાહેબ રણમલજી જાડેજાએ આ શહેરનું મુળ નામ રાજકોટ રાખ્યુ.1પ એપ્રિલ, 1948 થી 31 ઓકટોબર 19પ6 સુધી રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર રહયું હતું. રાજકોટનો ઈતિહાસ પણ દેશના અન્ય રજવાડા જેવો રોચક રહયો છે. અહી શોર્ય અને સાહિત્ય બન્નેનો અનોખો સમન્વય જોવા મળ્યો છે. દાયકાઓથી રાજવી પરીવાર પ્રજાના સુખ-દુ:ખમાં એની પડખે રહયો છે. સૌરાષ્ટ્રમાં આઝાદી પહેલા રરર રજવાડા હતા. 18ર0માં બ્રીટીશ એજન્સીની સ્થાપના સૌરાષ્ટ્રમાં થઈ પછી રજવાડા કદ મુજબ 9 થી 1પ તોપની સલામીમાં વિભાજીત ર્ક્યા જેમાં રાજકોટનો પણ સમાવેશ થતો હતો.
ત્યારે 1947માં દેશની આઝાદી પછી રાજકોટ સતત વિક્સતુ રહયુ છે, આજી નદીને કાંઠે વસેલા રાજકોટમાં બેડી નાકા, ગઢની રાંગ, ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, ઘીકાંટા રોડ, રામનાથપરા, રૈયા નાકા ટાવર, જામ ટાવર, રાજકુમાર કોલેજ, આલ્ફ્રેડ હાઈસ્કુલ, રાણીમાં રૂડીમાં નું મંદીર, રામનાથ મહાદેવ, રણછોડદાસજી બાપુનો આશ્રમ, જેવી ઐતિહાસિક ધરોહર ધરાવતા રાજકોટની સીમાડા સતત વધતા રહયા છે, રાજકોટ સતત વિસ્તરતુ જાય છે, શહેરની આસપાસના કોઠારીયા, મોટા મવા, ઘંટેશ્ર્વર, મનહરપર, માધાપર, મવડી, મુંજકા જેવા ગામો રાજકોટમાં ભળી જવાથી રાજકોટ મેગાસીટી બનવા જઈ રહયુ છે, 1પ0 ફુટ રીંગ રોડ, નવુ રેસકોર્ષ, અટલ સરોવર, બીઆરટીએસ, ઈલેકટ્રીક બસ સેવા, તોતીંગ બીલ્ડીંગો, શહેરની ભાગોળે એઈમ્સ હોસ્પિટલ ન્યુ રાજકોટની શાન વધારી રહયા છે. વિશ્ર્વનું સાતમુ સૌથી ઝડપતુ વિક્સતુ શહેર, દેશનું નવમુ સૌથી સ્વચ્છ શહેર, ઓટો મોબાઈલ પાર્ટસનું હબ અને મોજીલા શહેર એંટલે કે રાજકોટના વિકાસની ક્ષ્ાીતીજો સતત વિસ્તરતી જાય છે. ગુજરાતના વેપાર ઉદ્યોગમાં પણ રાજકોટનું સ્થાન અગ્રેસર રહયું છે.
રાજકોટના ઉદ્યોગોની વાત કરીએ તો રાજકોટનો જવેલેરી ઉદ્યોગ, સામાકાંઠાનો ઈમીટેશન જવેલેરીનો ઉદ્યોગ વિશ્ર્વભરમાં પ્રખ્યાત છે. ચાંંદીની નિકાસ સૌથી વધુ અહીથી થાય છે તો રાજકોટની સિલ્ક એમ્બ્રોઈડરીનો કારોબાર, ઘડિયાળના પાર્ટસનો ઉદ્યોગનો દબદબો છે. તેમજ રાજકોટ હવે ધીરે-ધીરે ઓટોમોબાઈલ તથા સોફટવેર ક્ષેત્રે હબ બની રહયું છે. અહી સવારે ફાફડા ગાંઠીયા ખાનારાઓનો એક અલગ વર્ગ છે, તો મધરાત્રે વણેલા ગાઠીયા સાથે બે જાતના સંભારા, મરચા, ચટણી,જલેબી નો લ્હાવો લેનારાઓનો પણ તોટો નથી. અહીંની કાઠીયાવાડી કડક ચા પીનારાઓને રાજકોટની બહાર ગમે તેટલી ચા પીવે તો પણ કાંટો ચડતો નથી. મધરાત્રે રાજકોટની નાઈટ લાઈફ માણવાનો એક અલગ જ લહાવો છે.
અહીં ચા ની હોટલે લાખો-કરોડોની જમીનના સોદાઓ માટે બેઠકોનો ધમધમાટ થયે રાખે છે. અને કોઈપણ દસ્તાવેજ વગર માત્ર જબાન ઉપર કરોડોના સોદાઓ પાર પડે છે. રાત્રે બાર વાગ્યા પછી આખી રાત કાલાવડ રોડ, જામનગર રોડ, રૈયા ચોકડી, મવડી ચોકડી, કીશાનપરા ચોક પાસે આવેલ ચા, ખાણીપીણીના સ્થળો ધમધમતા હોય છે. અહી શિયાળાની ઠંડી રાતોમાં ચીકી-કાવાની સાથે આઈસક્રીમ-કેન્ડી પણ મોજથી ખવાય છે. તો ઉનાળાની સાંજે હિલ સ્ટેશન જેવા પવનનો અહેસાસ થાય છે, અને રેસકોર્ષ રીંગ રોડે મેળાવળો જામે છે. અહીંની લીંબુ સોડામાં પણ ગજબ પાવર હોય છે.રાજકોટમાં ગોળ-શીંગની ચીકી, પેંડા,શીંગ, લીલી ચટણી, ખાખરા,ધુધરા, ગોલા પોતાની આગવી ઓળખ ધરાવે છે.
ત્યારે રાજકીય ક્ષેત્રે પણ રાજકોટનું અનેરૂ મહત્વ છે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પહેલી વાર ચૂંટણી રાજકોટ પશ્ર્ચીમ બેઠક ઉપરથી લડયા હતા. તો વજુભાઈ વાળાએ રાજયના નાણામંત્રી તરીકે તેમજ કર્ણાટકના રાજયપાલ તરીકે જવાબદારી નિભાવી હતી, વિજયભાઈ રૂપાણીએ રાજયના મુખ્યમંત્રી તરીકે પાંચ વર્ષ રાજ્યની ધુરા સંભાળેલ હતી અને હાલ ડો.દર્શીતાબેન શાહે પણ આ બેઠક ઉપરથી રેકર્ડબે્રક લીડથી વિજય મેળવેલ છે. તેમજ રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય ભાનુબેન બાબરીયાએ પણ રાજયના કેબીનેટ મંત્રી મંડળમાં સ્થાન પ્રાપ્ત કરીને રાજકોટનું ગૌરવ વધારેલ છે. ત્યારે રાજકોટ રાજકીય રીતે સૌરાષ્ટ્રને એક સક્ષ્ામ પ્રતિનિધિત્વ આપી રહ્યું છે. આમ રંગીલુ રાજકોટ એક ધબક્તું છતા સ્થિર, મોડી રાત સુધી મન મુકીને જાગતુ, રાત્રીને ભરપુર માણતુ અને છતા નિરાંતે ઉંઘતુ શહેર કે જયા ઉત્સવોની વચ્ચે કામ થાય છે અને કામથી થાકીને ઉત્સવો મનાવાય છે.કે જયા બહારગામથી આવેલ લોકોને શાંતિ અને રોનકનો અલગ અહેસાસ થાય છે તેવું અલબેલુ આ મહાનગર છે.
– સંકલન : રાજન ઠક્કર
મો.: 97ર7671690