- સર્વત્ર શ્રીકાર વરસાદે ધરતીને તૃપ્ત કરી
- સવારથી 154 તાલુકામાં મેઘ મહેર: સૌથી વધુ દ્વારકાના ખંભાળિયામાં સાડા પાંચ ઇંચ, જૂનાગઢના વિસાવદર અને જામનગરના કાલાવડમાં 4 ઇંચ વરસાદ નોંધાયો
- જૂનાગઢના માણાવદરમાં મોડી રાતે ધોધમાર વરસાદ, એક જ રાતમાં બારે મેઘ ખાંગા થતાં 8.5 ઈંચ વરસાદ જ્યારે વંથલી, દ્વારકા અને બારડોલીમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો
રાજ્યભરમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજા જાણે મનમૂકીને વરસ્યા હોય તેમ 214 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ સર્વત્ર શ્રીકાર વરસાદે ધરતીને તૃપ્ત કરી દીધી છે. છેલ્લા 24 કલાકમાં જૂનાગઢ, દ્વારકા, અમરેલી અને કચ્છ જિલ્લાને મેઘરાજાએ ધમરોળ્યા છે. જેને લઇ અનેક વિસ્તારોમાં જળ બંબાકારની સ્થિતિ સર્જાઇ છે. સૌરાષ્ટ્રમાં મેઘાવી માહોલ વચ્ચે રવિવારે એકથી નવ ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ જૂનાગઢના માણાવદરમાં નવ ઇંચ, વંથલીમાં 6 ઇંચ, દ્વારકામાં 6 ઇંચ, પોરબંદરના કુતિયાણામાં 6 ઇંચ, કચ્છના મુંદ્રામાં પાંચ ઇંચ, જૂનાગઢના મેંદરડામાં પાંચ ઇંચ, અમરેલીના બાબરામાં પાંચ ઇંચ, જૂનાગઢના ભેંસાણમાં પાંચ ઇંચ, જૂનાગઢમાં ચાર ઇંચ, રાજકોટના જેતપુરમાં ચાર ઇંચ, અમરેલીના કુકાવાવમાં ત્રણ ઇંચ, પોરબંદરના રાણાવાવમાં ત્રણ ઇંચ, મોરબીમાં ત્રણ ઇંચ, રાજકોટના ધોરાજીમાં ત્રણ ઇંચ, રાજકોટના જામ કંડોરણામાં ત્રણ ઇંચ, ભૂજમાં ત્રણ ઇંચ, બોટાદના ગઢડામાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. સવારથી રાજ્યના 120 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં સૌથી વધુ પાંચ ઇંચ, જૂનાગઢના વિસાવદરમાં ત્રણ ઇંચ, રાજકોટના ધોરાજીમાં ત્રણ ઇંચ, જામનગરના કાલાવડમાં ત્રણ ઇંચ, ઉપલેટામાં બે ઇંચ વરસાદ નોંધાયો છે.
રવિવારે મુંદ્રા તાલુકામાં સાંજે 6 થી 8 બે કલાકમાં સાંબેલાધાર ચાર ઇંચ જેવો વરસાદ વરસતા ચોમેર પાણી-પાણી થઇ ગયું હતું. માંડવીમાં દોઢ ઇંચ, ભૂજમાં સવા ઇંચ, ગાંધીધામમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત અમરેલીના કુકાવાવ-વડીયામાં એક ઇંચ જ્યારે બાબરામાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે. મોરબી જિલ્લામાં પણ ત્રણ ઇંચ જેટલો વરસાદ જ્યારે ટંકારાથી એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. સુરેન્દ્રનગરના દસાડામાં દોઢ ઇંચથી વધુ, ધ્રાંગધ્રામાં પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો. ભાવનગરના વલ્લભીપુરમાં પણ દોઢ ઇંચથી તળાજા અને ઘોઘામાં પોણો ઇંચ, રાજકોટના ધોરાજીમાં દોઢ ઇંચ તેમજ જામ કંડોરણામાં સવા ઇંચથી વધુ અને જેતપુરમાં એક ઇંચથી વધુ તથા રાજકોટમાં અડધા ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત ખંભાળીયામાં અઢી ઇંચ તથા દ્વારકામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો.
બીજી બાજુ સુરત શહેરમાં ખાબકેલા પાંચ ઇંચ વરસાદના કારણે રસ્તા ઉપર પાણી ભરાઇ જવાના કારણે જન જીવન ખોરવાયું હતું. લોકોની બહાર નીકળી શક્યા ન હતા. સુરત જિલ્લાના પલસાણામાં સૌથી વધુ નવ ઇંચ તેમજ બારડોલીમાં 6 ઇંચ ઉપરાંત સુરતના મહુવામાં પાંચ અને ઓલપાડમાં પણ પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો.
ઉત્તર ગુજરાતના પાંચેય જિલ્લામાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. મહેસાણા જિલ્લાના સતલાસણા, કડી અને અરવલ્લીના ધનસુરામાં અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે મેઘરજમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. ગુજરાતથી સૌરાષ્ટ્રથી જોડતા અન્ડરબ્રિજમાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો હતો. ધનસુરામાં અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. જેને કારણે બાયડ-દહેગામ મુખ્ય માર્ગ પર આવેલા ડાભા ગામ નજીક વૃક્ષ પવનના કારણે ધરાશાયી થતા વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો. રાજ્યભરમાં સાર્વત્રિક મેઘ મહેરથી ખેડૂતો ખુશ ખુશાલ જોવા મળ્યા છે. હજુ પણ આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
રાજકોટના ધોરાજીમાં ત્રણ ઇંચ વરસાદ ઉપલેટામાં પણ બે ઇંચ વરસાદથી સર્વત્ર પાણી-પાણી
સુરતના પલસાણામાં નવ ઇંચ વરસાદથી જળ બંબાકાર: કચ્છના મુંદ્રામાં બે કલાકમાં સાંબેલાધાર ચાર ઇંચ વરસાદ: મોરબીમાં ત્રણ ઇંચ, ઉત્તર ગુજરાતમાં અઢી ઇંચ વરસાદ, સુરતમાં પણ પાંચ ઇંચ વરસાદથી ચોમેર જળ બંબાકાર જેવી સ્થિતી
ખેડામાં દુકાનનું શટર ખોલવા જતાં માતા-પુત્ર સહિત ત્રણના મોત
માતરના મહેલજ ગામનો બનાવ: ધારાસભ્ય સહિતના પદાધિકારી-અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયાં
ગુજરાતમાં વરસાદ ધડબડાટી બોલાવી રહ્યો છે. રાજ્યના અનેક શહેરો અને તાલુકાઓ જળબંબાકાર થઈ ગયા છે. અનેક સ્થળેઓ પાણી ભરાવાની સાથે ભુવા પડવાની પણ ઘટનાઓ સામે આવી છે. ત્યારે ખેડામાં વરસાદમાં વીજળીનો કરંટ લાગતા ત્રણના મોત થયા હોવાની ઘટના બની છે.
મળતા અહેવાલો મુજબ માતરના મહેલજ ગામમાં કરંટ લાગતા ત્રણ વ્યક્તિઓના મોત નિપજયા છે. વરસાદમાં વીજળીનો કરંટ લાગતા માતા, પુત્ર અને અન્ય એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. આ ઘટના અંગે જાણ કરાયા બાદ પોલીસની ટીમ પણ તુરંત દોડી આવી છે.
વરસાદમાં દુકાનનું શટર ખોલવા જતા ચાર વ્યક્તિને કરંટ લાગ્યો હતો. કરંટ લાગ્યા બાદ તમામ લોકોને સારવાર અર્થે ખેડાની ચરોતર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં ત્રણ વ્યક્તિને મૃત જાહેર કરવામાં આવ્યા છે જ્યારે એક વ્યક્તિને સારવાર મળતાં જીવ બચી ગયો હતો. આ દુર્ઘટનામાં યાસ્મીન પઠાણ, અવેજખાન પઠાણ અને સાહિલખાન પઠાણ નામના વ્યક્તિઓનું મોત નિપજ્યું છે.
સમગ્ર ઘટનાની જાણ થતાં ધારાસભ્ય કલ્પેશ પરમાર, મામલતદાર, ડિઝાસ્ટર લાયઝન અધિકારીઓ સહિત અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે. માતર પોલીસ દ્વારા મૃતકોની ડેટબોડીને પોસ્ટ મોર્ટમ માટે મોકલી ઘટનાની વધુ તપાસ હાથ ધરાઈ છે.
બનાવની જાણ થતાં પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો જેમાં બનાવ કઈ રીતે બન્યો અને મૃતક કોણ હતા, ઘટના કઈ રીતે બની તે સહિતની તપાસ હાથ ધરી છે. આ સાથે ઘટના માટે કોણ જવાબદાર છે તેની પણ તપાસ કરાશે.સ્થાનિકે આ અંગે વાત કરીને જણાવ્યું કે, અકસ્માત બન્યો ત્યાં ઘરને અડીને થાંભલો છે, જેની બાજુમાં દુકાન આવેલી છે અને લોખંડના શટરમાં શોર્ટ લાગતા ત્રણ લોકોના મોત થયા છે.
પાંચ તાલુકામાં વરસાદનું ટીપુંય ન પડ્યું
છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં મેઘ મહેર જોવા મળી છે. જો કે, પાંચ તાલુકા એવા છે કે જેમાં વરસાદનું ટીપુંય પડ્યું નથી. જેમાં સુરેન્દ્રનગરના મૂળી, સાયલા અને થાનગઢ તેમજ જામનગર શહેર અને અમરેલીના લીલીયામાં હજુ વરસાદ નોંધાયો નથી. જો કે, જામનગર જિલ્લામાં અગાઉ વરસાદ વરસ્યો હતો. પરંતુ છેલ્લા 24 કલાકમાં નોંધપાત્ર વરસાદ થયો નથી.
24 તાલુકા કે જેમાં એક ઇંચથી ઓછો વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યભરમાં સાર્વત્રિક મેઘ મહેર થઇ છે ત્યારે સૌરાષ્ટ્રના 70માંથી 24 તાલુકા એવા છે કે જેમાં 25 મીમી એટલે કે એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે. જેમાં ચુડા, લખતર, સાયલા, કોટડા સાંગાણી, વિંછીયા, માળીયા, વાંકાનેર, ધ્રોલ, લાલપુર, ભાણવડ, ગીર ગઢડા, તાલાલા, અમરેલી, બગસરા, ધારી, ખાંભા, રાજુલા, સાવરકુંડલા, ગારીયાધાર, ભાણવડ, જેસર, પાલીતાણા અને સિંહોરમાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે.