જય વિરાણી, કેશોદ
એક તરફ સરકાર ખેડૂતોને 24 કલાક વીજળી આપવાની વાત કરી રહી છે તો બીજી તરફ વાડી,ખેતર અને ઔધોગિક એકમોમાં વીજળી કાપના કારણે ખેડૂતો પરેશાન છે. આવી જ સમસ્યા કેશોદના ખેડૂતોને વેઠવી પડે છે. કેશોદના બાયપાસ ફિડર હેઠળ આવતાં ખેડૂતોને ઉભાં પાકને પાણી પીવડાવવામાં વિજકાપને કારણે પરેશાનીનો સામનો કરવો પડે છે. કેશોદના બાયપાસ ફિડરમાં લાઈન પણ ક્ષતિગ્રસ્ત હોય છે. આ લાઈનને બદલવામાં આવે તો વારંવાર થતાં ફોલ્ટ ઓછાં થઈ જાય એવું ખેડૂતોનું કહેવું છે.
શહેરમાં માંગરોળ રોડ પર આવેલા બાયપાસ વિસ્તારમાં આવેલી વાડીઓ ઉપરાંત ઔધોગિક એકમો અને રહેણાંક વિસ્તારમાં ઓછાં વોલ્ટેઝ અને પાવર કાપથી ત્રસ્ત થયેલાં ખેડૂતો અને રહીશો PGVCL કચેરીએ દોડી જઈ લેખિતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
કેશોદ શહેર ભાજપ પ્રમુખ પ્રવિણભાઈ ભાલારા, જગદીશભાઈ પીપલીયા, રાજુભાઈ વણપરીયા સહિતના આગેવાનો ખેડૂતો બહોળી સંખ્યામાં પીજીવીસીએલ કચેરીએ કાર્યપાલક ઇજનેર રાઠોડને રજુઆત કરતાં સત્વરે જરૂરી પગલાં ભરવાની ખાત્રી આપી હતી.