રાજયની ૨૬ લોકસભા બેઠકો માટે ભાજપમાં ૮૪ મુરતીયાઓ: સેન્સ પ્રક્રિયા પૂર્ણ: બેઠક વાઈઝડ પેનલ બનાવી દિલ્હી હાઈકમાન્ડ સમક્ષ નામો રજૂ કરી દેવાયા: સંભવત: આવતા સપ્તાહે ભાજપ કરશે ઉમેદવારોના નામની ઘોષણા

ગુજરાતની લોકસભાની ૨૬ બેઠકો માટે આગામી ૨૩મી એપ્રીલના રોજ મતદાન યોજાવાનું છે. ૨૮મી માર્ચે ચૂંટણીનું વિધિવત જાહેરનામુ પ્રસિધ્ધ થવાનું છે ત્યારે રાજયની ૨૬ બેઠકો માટે ઉમેદવારો પસંદ કરવા સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા બાદ ગઈકાલે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પણ પૂર્ણ કરવામાં આવી છે. રાજયની ૨૬ બેઠકો માટે કમળના પ્રતિક પરથી ચૂંટણી લડવા માટે ૮૪ દાવેદારોએ ઈચ્છા વ્યકત કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છની ૮ બેઠકોની વાત કરવામાં આવે તો કુલ ૨૪ નેતાઓ ચૂંટણી લડવા માટે ઈચ્છુક છે. આજે પ્રદેશ ભાજપ દ્વારા બેઠક વાઈઝડ પેનલોનું લીસ્ટ દિલ્હી હાઈકમાન્ડ સમક્ષ રજૂ કરી દેવામાં આવ્યું છે. સંભવત: આવતા સપ્તાહે ભાજપ ગુજરાતની તમામ બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામની સત્તાવાર ઘોષણા કરે તેવી સંભાવના જણાય રહી છે.

રાજયના ૨૬ બેઠકો માટે ઉમેદવારો નકકી કરવા ગત ૧૪ થી ૧૬ માર્ચ દરમિયાન પ્રદેશ ભાજપના નિરીક્ષકોએ લોકસભા ક્ષેત્રમાં જઈ અપેક્ષીતોની સેન્સ લીધા બાદ ૧૭ થી ૧૯ માર્ચ દરમિયાન પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી જેમાં ઉમેદવારોના નામ અંગે ચર્ચા-વિચારણા અને સમીક્ષા કરવામાં આવી હતી. પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં લોકસભાની બેઠક વાઈઝડ ૩ થી ૪ નામોની પેનલ તૈયાર કરવામાં આવી છે. ૨૬ બેઠકો માટે ભાજપમાં ૮૪ જેટલા દાવેદારો હોવાનું જાણવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છની વાત કરવામાં આવે તો ૮ બેઠકો માટે કુલ ૨૪ દાવેદારોએ ચૂંટણી લડવા માટે પાર્લામેન્ટરી બોર્ડ અને નિરીક્ષકો સમક્ષ ઈચ્છા વ્યકત કરી છે જેમાં રાજકોટ બેઠક માટે વર્તમાન સાંસદ મોહનભાઈ કુંડારીયા, ગુજરાત મ્યુનિ.ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી અને ખોડલધામ ટ્રસ્ટના પૂર્વ પ્રમુખ પરેશભાઈ ગજેરાના નામની પેનલ તૈયાર કરવામાં આવી છે. પોરબંદર બેઠક માટે સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાના પુત્ર લલીતભાઈ રાદડીયા, ભરતભાઈ ગાજીપરા અને પૂર્વ મંત્રી જશુમતીબેન કોરાટ, જામનગર બેઠક માટે વર્તમાન સાંસદ પૂનમબેન માડમ, રીવાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, જૂનાગઢ બેઠક માટે વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા, જયોતીબેન વાછાણી અને જી.પી.કાઠી, અમરેલી બેઠક માટે વર્તમાન સાંસદ નારણભાઈ કાછડીયા, પૂર્વ મંત્રી દિલીપભાઈ સંઘાણી અને અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરા, સુરેન્દ્રનગર બેઠક માટે વર્તમાન સાંસદ દેવજીભાઈ ફતેપરા, રાજયસભાના પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ, રોહિત ભામાશા અને મહેન્દ્ર મજબૂરા, ભાવનગર બેઠક માટે વર્તમાન સાંસદ ભારતીબેન શિયાળ, પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા અને પૂર્વ સંસદીય સચિવ હિરાભાઈ સોલંકી, જયારે કચ્છ બેઠક માટે વર્તમાન સાંસદ વિનોદભાઈ ચાવડા અને નરેશભાઈ મહેશ્ર્વરીના નામની પેનલ તૈયાર કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા રાજયની ૨૬ બેઠકો માટે ૩ થી ૪ નામની પેનલ તૈયાર કરી દિલ્હી હાઈ કમાન્ડ સમક્ષ રજૂ કરી દેવામાં આવી છે. સંભવત: ભાજપ આવતા સપ્તાહે ગુજરાતની ૨૬ બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરી દે તેવું લાગી રહ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છની ૮ બેઠકો પૈકી પોરબંદર, અમરેલી અને સુરેન્દ્રનગર બેઠક માટે ભાજપ વર્તમાન સાંસદના પત્તા કાંપશે જયારે અન્ય ૫ બેઠક રાજકોટ, જૂનાગઢ, જામનગર, ભાવનગર અને કચ્છ બેઠક માટે વર્તમાન સાંસદોને રીપીટ કરવામાં આવે તેવું મનાઈ રહ્યું છે.

સૌરાષ્ટ્ર-કચ્છની ૮ બેઠકો માટે સંભવિતોના નામની પેનલ

રાજકોટ : 

મોહનભાઇ કુંડારીયા

ધનસુખભાઈ ભંડેરી

પરેશભાઈ ગજેરા

જામનગર : 

પુનમબેન માડમ

રીવાબા જાડેજા

રાઘવજીભાઈ પટેલ

અમરેલી :

નારણભાઈ કાછડીયા

દિલીપભાઈ સંઘાણી

હિરેનભાઈ હિરપરા

જુનાગઢ :

રાજેશભાઈ ચુડાસમા

જી.પી. કાઠી

જ્યોતિબેન વાછાણી

પોરબંદર : 

લલિતભાઈ રાદડીયા

જશુમતિબેન કોરટ

ભરતભાઇ ગાજીપરા

કચ્છ :

વિનોદભાઈ ચાવડા

નરેશભાઈ મહેશ્ર્વરી

સુરેન્દ્રનગર : 

દેવજીભાઈ ફતેપરા

શંકરભાઈ વેગડ

રોહિતભાઈ ભામાશા

મહેન્દ્રભાઈ મજબૂરા

ભાવનગર : 

ભારતીબેન શિયાળ

રાજેન્દ્રસિંહ રાણા

હિરાભાઈ સોલંકી

જામનગરમાં ચંદ્રેશ પટેલની સંભાવના વધુ: જયેશ રાદડિયાની અનિચ્છા છતાં હાઈકમાન્ડ કહેશે તો મેદાનમાં ઉતરવું પડશે

Untitled 1 92

જ્ઞાતીના સમીકરણોને આધારે કરાશે ટિકિટની ફાળવણી : દેવજી ફતેપરાની ટિકિટ કપાતી હોવાનું નિશ્ર્ચિત: રાજકોટમાં પણ ધનસુખ ભંડેરીનું નામ હાજરી પુરતુ જ મુકાયાની ચર્ચા

સૌરાષ્ટ્ર-કચ્છની ૮ બેઠકો માટે ૨૪ ઉમેદવારોનું નામ પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા દિલ્હી હાઈકમાન્ડને મોકલવામાં આવ્યું છે. જેમાં પેનલમાં જેના નામ સમાવિષ્ટ નથી તેવા ચહેરાઓને પણ ભાજપ મેદાનમાં ઉતારી શકે છે. જામનગર બેઠક માટે ચંદ્રેશ પટેલની સંભાવના વધુ જણાઈ રહી છે તો બીજી તરફ પોરબંદર બેઠક પરથી લોકસભાની ચુંટણી લડવા માટે કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા ભલે અનિચ્છા વ્યકત કરી હોય જો હાઈકમાન્ડ આપશે તો જયેશે ફરજીયાત લોકસભાની ચુંટણી લડવા મેદાનમાં ઉતરવું પડશે. સુરેન્દ્રનગરના સાંસદ દેવજીભાઈ ફતેપરાની ટિકિટ કપાતી હોવાનું નિશ્ર્ચિત બની ગયું છે તો રાજકોટ બેઠક માટે ધનસુખ ભંડેરીનું નામ હાજરી પુરવા માટે જ મુકાયાની ચર્ચા ચાલી રહી છે.

જામનગર બેઠક માટે ત્રણ નામોની પેનલ બનાવવામાં આવી છે તેમાં વર્તમાન પુનમબેન માડમ, ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની રિવાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલના નામ મુકાયા છે. જોકે આ ત્રણ માંથી એક પણ નામ પર હાઈકમાન્ડ પસંદગી ઉતારે તેવું હાલ લાગતું નથી. ચંદ્રેશ પટેલને ભાજપ ફરી એક વાર ચુંટણીના મેદાનમાં ઉતારે તેવું માનવામાં આવી રહ્યું છે. બીજી તરફ પોરબંદર લોકસભા બેઠકના વર્તમાન સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા છેલ્લા ઘણા સમયથી બિમાર હોય તેઓ ચુંટણી લડવા માટે હાલ શારીરિક રીતે સક્ષમ નથી.

આવામાં આ બેઠક પરથી રાદડિયા પરિવારને ટિકિટ આપવામાં આવે તેવું મનાઈ રહ્યું છે. ઘણા સમયથી પોરબંદર બેઠક માટે રાજયના કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાનું નામ ચાલી રહ્યું છે. જોકે તેઓએ લોકસભા લડવા માટે અનિચ્છા વ્યકત કરતા ગઈકાલે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં પોરબંદર લોકસભા બેઠક માટે જે ત્રણ નામોની પેનલ બનાવવામાં આવી તેમાં જયેશ રાદડિયાના ભાઈ લલિત રાદડિયાનું નામ મુકવામાં આવ્યું છે જોકે અનિચ્છા છતાં હાઈ કમાન્ડ આદેશ કરશે તો જયેશે ફરજીયાત લોકસભાની ચુંટણી લડવી પડશે.

સુરેન્દ્રનગર બેઠકમાટે દેવજી ફતેપરાને રીપીટ કરવામાં નહીં આવે તેઓના સ્થાને શંકર વેગડને ટિકિટ અપાઈ તેવું મનાઈ રહ્યું છે. રાજકોટ બેઠક માટે ૩ નામોની પેનલ બનાવવામાં આવી છે. જેમાં મોહન કુંડારિયાને ફરી ટિકિટ આપવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે. પરેશ ગજેરાને ટિકિટની ફાળવાય શકયતા ખુબ જ નહિવત છે. બીજી તરફ ત્રણ નામોની પેનલ બનાવવા માટે ધનસુખ ભંડેરીનું નામ માત્ર હાજરી પુરતુ જ લખવામાં આવ્યું હોવાનું ચર્ચાય રહ્યું છે. ભાજપ કોને ટિકિટ આપશે તે વાત પરથી આવતા સપ્તાહે પડદો ઉંચકાશે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.