વિશ્વ વિખ્યાત મોગલધામ-ભગુડા ખાતે દર વર્ષે હર્ષોલ્લાસભેર આઇ ના પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે ત્યારે લોકડાઉનના કારણે કાલે ઓનલાઇન ડાયરો યોજાશે
માગલધામ ભગુડાના આંગણે મા ના ખોળે ૨૪ વર્ષથી ચાલી આવતી પરંપરા આ વર્ષે પણ યથાવત રહેશે. લોકડાઉનના કારણે આ વર્ષે મા ના મંદિરના પાટોત્સવ નિમિતે આઈ શ્રી મોગલ વંદના સંતવાણી ન યોજી શકાય તેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે શ્રી માગલધામ ભગુડા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ લોકડાઉન પળાય, પણ પરંપરા ન તુટે એવું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગે વિગત આપતા પ્રમુખ માયાભાઈ આહિરે જણાવ્યુ કે, કોરોના વાયરસના સંદર્ભે સરકારશ્રી દ્વારા આપવામાં આવેલા તમામ સુચનો અને લોકડાઉનના નિયમો ચુસ્ત પણે પળાય અને લાખો ભક્તો જેની રાહ જોતા હોય છે એ ધાર્મિક કાર્યક્રમ અને ગુજરાતના પ્રસિદ્ધ કલાસાધકો દ્વારા શબ્દ સૂરથી થતી શક્તિ વંદના પરંપરા મુજબ થાય તે માટે વર્ચ્યુઅલ વર્લ્ડનો સહારો લઈ ડીજીટલ આઈશ્રી મોગલ વંદનાનું આયોજન કરવામાં આવેલ છે. લાખો ભક્તોની શ્રદ્ધા અને પ્રતિક્ષાનું પ્રતિબિંબ સમું આ આયોજન માતાજીએ જ સુઝાડ્યુ હોય એવો સંકલ્પ માના ચરણે ધર્યો છે. આઈશ્રી માગલધામના સ્મરણ સાથે ઘરે બેઠા સૌ દર્શન-સ્મૃતિ સાથે મા ના મહિમાની શ્રવણભક્તિ કરશે. લાખો ભક્તો અને કલાકારો જેની રાહ જોતા હોય છે એવા આ કાર્યક્રમમાં ગુજરાતના પ્રસિદ્ધ કલાકારો ઘેર બેઠા લાઈવ આ કાર્યક્રમમાં જોડાશે. શ્રી માગલધામ ભગુડા માના ખોળે બેઠા હોય એવા ભાવ સાથે સૌ કલાકારો દ્વારા શબ્દ સૂરથી થતી ભક્તિ સૌ સાંભળી શકશે. આઇશ્રી ભગુડાના ફેસબુક પેઈજ પર તારીખ ૫ મી મે ના રોજ રાત્રે ૮ વાગ્યે લાઇવ લોકડાયેરો યોજાશે.
માં મોગલના પાટોત્સવ નિમિત્તે ‘અબતક’ દ્વારા મોગલમાનું ગીત આવતીકાલે રિલિઝ કરાશે
માં મોગલના ૨૪માં પાટોત્સવ નિમિતે આઇ મોગલની આરાધના કરતો કે દાનની કલમે લખાયેલ ભાવ, જા ભાગુડે જા, મોગલને વ્હાલો થા… ગીત આવતીકાલે તા.૫ના રોજ ‘અબતક’ ચેનલ અને ‘અબતક ડિજિટલ’ માધ્યમના તમામ પ્લેટફોર્મો પરથી રિલિઝ થશે.