ભાજપ-કોંગ્રેસ વચ્ચેનો સીધો જંગ: બસપા, એનસીપી, આપે પણ નશીબ અજમાવ્યું

જામનગર મહાપાલિકાના ચૂંટણી જંગમાં ૬૪ બેઠકો માટે કુલ ૨૩૬ ઉમેદવારો છે. જેમાં ભાજપ-૬૪, કોંગ્રેસ ૬૨, આપ-૪૮, બસપા ૨૨, એનસીપી-૧૧, સપા-૨ અને ૨૭ અપક્ષો મેદાનમાં છે.

જામનગર મહાનગર પાલિકાની ચૂંટણીનું ચિત્ર ગઈકાલે સ્પષ્ટ બની ગયું હતું. કેટલાં ઉમેદવારો પોતાનું ભાવિ અજમાવશે તેની વિગતો જોઈએ તો ૨૩૬ ઉમેદવારો મેદાનમાં ઊતર્યા છે. ૧૬ વોર્ડની ૬૪ બેઠક માટે કુલ ૨૩૬ ઉમેદવારો મેદાનમાં છે.

મુખ્ય પ્રતિસ્પર્ધી ભાજપ-કોંગ્રેસ ઉપરાંત બસપા, એનસીપી અને આપ જેવી પાર્ટીએ પોતાના ઉમેદવારોને ચૂંટણી જંગમાં સામેલ કર્યા છે. મંગળવારે ઉમેદવારીપત્ર પરત ખેચવાનો દિવસ હતો જે પ્રક્રિયા પૂર્ણ થતા ચુંટણી અધિકારી દ્વારા માન્ય ઉમેદવારોની છેલ્લી યાદી પ્રસિઘ્ધ કરી હતી. જામનગર મનપાની ચુંટણી માટે આગામી ૨૧ માર્ચે મતદાન યોજાવવાનું છે,ત્યારે ઢગલોબંધ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવ્યા બાદ ઉમેદવારીપત્રો પરત ખેચવાના અંતિમ દિવસે કેટલાય ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પરત ખેચી લઇ અને મેદાન છોડ્યું, કેટલાયે પક્ષોને ટેકા જાહેર કરી દીધા. જામનગર મહાનગર પાલિકાની ચુંટણી ચિત્ર સ્પષ્ટ બનતાં હવે આ જંગ રસપ્રદ બની રહેશે. જામનગર મહાનગર પાલિકાની ૧૬ વોર્ડની ૬૪ બેઠક માટેની તલસ્પર્ધી વિગતો જોઈએ તો  ભાજપ-૬૪, કોંગ્રેસ-૬૨, આપ-૪૮, બહુજન સમાજ પાર્ટીના ૨૨, એનસીપી ૧૧, સમાજવાદી પાર્ટી ૨, તેમજ અપક્ષ-૨૭ ઉમેદવારો પોતાનું રાજકીય ભાવિ અજમાવશે.

ત્રણ ફોર્મ પરત ખેંચાયા

જામ્યુકોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે વોર્ડ નં.૭ના આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવાર હિનાબેન અઘેળાએ ફોર્મ પરત ખેંચી ભાજપને ટેકો જાહેર કર્યો હતો. વોર્ડ નં.૮માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર કુંદનબેન આમરણીયાએ પણ ફોર્મ પરત ખેંચ્યું હતું. પ્રાંત અધિકારીની કચેરીમાં વોર્ડ નં.૧૩ થી ૧૬માં એક ફોર્મ પરત ખેંચાયું હતું. જિલ્લા પૂરવઠા અધિકારીની કચેરીમાં વોર્ડ નં.૯ થી ૧૨માં એકપણ ફોર્મ પરત ખેંચાયું નથી.

ક્યાં વોર્ડમાં કેટલા ઉમેદવારો

તાજેતરમાં જ આપણે જોઈ ગયાં તેમ જામનગરની જનતાની સેવા કરવા માટે સેવકોનો રાફડો ફાટ્યો હતો. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના કડક વલણના કારણે ભાજપમાં ભડકો પણ જોવા મળ્યો હતો તો બીજી તરફ અન્ય પ્રાદેશિક પાર્ટીઓએ પણ જામનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં પોતાના ઉમેદવારોને ઊતારતાં આ વખતનું ચૂંટણી ચિત્ર રસપ્રદ બન્યું છે. વોર્ડવાર ઉમેદવારોની સંખ્યા જોઈએ તો  વોર્ડ-૧ માં ૨૦, વોર્ડ-૨ માં ૧૫, વોર્ડ-૩ માં ૧૦, વોર્ડ-૪ માં ૧૬, વોર્ડ-૫ માં ૧૪, વોર્ડ-૬ માં ૨૦, વોર્ડ-૭ માં ૧૬, વોર્ડ-૮ માં ૧૭, વોર્ડ-૯ માં ૧૦, વોર્ડ-૧૦ માં ૧૬, વોર્ડ-૧૧ માં ૧૭, વોર્ડ-૧૨ માં ૯, વોર્ડ-૧૩ માં ૧૧, વોર્ડ-૧૪ માં ૧૪, વોર્ડ-૧૫ માં ૧૮ અને  વોર્ડ-૧૬ માં ૧૩ પોતાનું રાજકીય ભાવિ અજમાવશે.

મતદાન મથકોથી ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કલમ ૧૪૪ લાગુ

જામનગર જિલ્લાના મહાનગરપાલિકા વિસ્તારમાં, જિલ્લા-તાલુકા પંચાયત મતદાર મંડળ વિસ્તારમાં, સિક્કા નગરપાલિકા વિસ્તાર તથા જામજોધપુર નગરપાલિકાના વોર્ડ નં.૭ના વિસ્તારમાં આદર્શ આચાર સંહિતા લાગુ પડેલી છે.  આ ચૂંટણીમાં મતદાન શાંતિપૂર્ણ યોજાય અને કાયદો વ્યવસ્થા જળવાય તે માટે જામનગર જિલ્લાના તમામ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે નક્કી કરવામાં આવેલ મતદાન મથકોથી ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં તા.૨૧/૦૨/૨૦૨૧ તથા તા.૨૮/૦૨/૨૦૨૧ ના સવારના ૭.૦૦થી સાંજના ૬.૦૦ કલાક સુધી ચાર કરતા વધારે વ્યક્તિઓની મંડળી કોઈએ ભરવી નહી કે બોલાવવી નહી કે સરઘસ કાઢવુ નહી અને એકઠા થવુ નહી તેમ જામનગરના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રાજેન્દ્વ સરવૈયા દ્વારા એક જાહેરનામા દ્વારા જણાવાયું છે.

મતદાન પૂર્વેના ૪૮ કલાક, મતદાન દિન અને મતગણતરીના દિવસો ડ્રાય-ડે જાહેર

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા તા.૨૧/૦૨/૨૦૨૧ અને તા. ૨૮/૦૨/૨૦૨૧ના રોજ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી અને અન્ય સ્વરાજ્યના એકમોની પ્રસંગોપાત ખાલી પડેલ પેટા ચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવેલ છે. જે અન્વયે જામનગર જિલ્લાના મહાનગરપાલિકા વિસ્તારમાં, જિલ્લા-તાલુકા પંચાયત મતદાર મંડળ વિસ્તારમાં, સિક્કા નગરપાલિકા વિસ્તાર તથા જામજોધપુર નગરપાલિકાના વોર્ડ નં.૭ના વિસ્તારમાં આદર્શ આચાર સંહિતા લાગુ પડેલી છે. આ ચૂંટણીમાં મતદારો નિર્ભયપણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તથા ઉમેદવારો કે રાજકીય પક્ષો તરફથી મતદારોને પ્રલોભનરૂપે દારૂ તેમજ નશાયુકત પદાર્થ આપે નહીં અને ચૂંટણીનું કામ નિષ્પક્ષ રીતે પાર પડે તે માટે જિલ્લામાં આવેલ કેફી પદાર્થોના વેચાણ કરતી (લીકરશોપ) હોટલ, રેસ્ટોરન્ટ, ક્લબ તથા બીજી સંસ્થાઓને દારૂનું વેચાણ કરવા સામે મતદાન પૂરું થવા માટે નિયત થયેલ સમય સાથે પૂરા થતા ૪૮કલાકના સમયગાળા પહેલા અને મતગણતરીના દિવસે એટલે કે તા.૨૩-૦૨-૨૦૨૧ તથા તા.૦૨-૦૩-૨૦૨૧ના દિવસને “ડ્રાય ડે તરીકે જાહેર કરવામાં આવેલ છે.

મતદાનના પહેલાના ૪૮ કલાક અગાઉ આચારસંહિતાની કડક અમલવારી થશે

જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના તમામ મતદાર વિભાગમાં મતદાન પુરૂ થવાના સમયતા.૨૧-૦૨-૨૦૨૧ના રોજ મતદાન પુરૂ થવા માટે નિયત થયેલ સમય સાથે પુરા થતા૪૮:૦૦ કલાક અગાઉ એટલે કે તા.૧૯-૦૨-૨૦૨૧ના સાંજે ૦૬:૦૦ કલાકથી તા.૨૧-૦૨-૨૦૨૧ના સાંજે ૦૬:૦૦ કલાક સુધી તેમજ તા.૨૮-૦૨-૨૦૨૧ના રોજ મતદાન પુરૂ થવા માટે નિયત થયેલ સમય સાથે પુરા થતા૪૮:૦૦ કલાક અગાઉ એટલે કે તા.૨૬-૦૨-૨૦૨૧ના સાંજે ૦૬:૦૦ કલાકથી તા.૨૮-૦૨-૨૦૨૧ના સાંજે ૦૬:૦૦ કલાક સુધી ચૂંટણી પ્રચાર કરવાનો અંત આવે છે. આ રીતે ચૂંટણી પ્રચાર બંધ થયા બાદ કોઈપણ રાજકીય પક્ષ/ઉમેદવારના પ્રચારકો/કાર્યકર્તાઓ કે જેઓ સંબંધિત મત વિસ્તારના મતદાર ન હોય તેમણે તેવો વિસ્તાર છોડીને જતા રહેવાનુ રહેશે. તેમ જણાવ્યું છે.

મતદાન મથકોમાં મોબાઈલ ફોન સાથે પ્રવેશ કરવા પર પ્રતિબંધ

જામનગર: મતદાનના દિવસે મતદારોની મતદાનની ગુપ્તતા જળવાઈ રહે તેમજ મતદાનની પ્રક્રિયામાં કોઈ અવરોધ ઉભો ન થાય તથા જાહેર સલામતી જળવાઈ રહે તે માટે મતદાન મથકની અંદર મોબાઈલ ફોન જેવા ઉપકરણો સાથે પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી-૨૦૨૧ માટે જામનગર જિલ્લામાં નક્કી થયેલ મતદાન મથકોમાં મતદાન એજન્ટ, ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટ તેમજ સંબંધિત મતદાન મથકના નોંધાયેલ મતદારો મોબાઈલ ફોન સાથે તા.૨૧-૦૨-૨૦૨૧ અને તા. ૨૮-૦૨-૨૦૨૧ના સવારના ૦૭:૦૦ કલાક થી સાંજના ૦૬:૦૦ કલાક સુધી પ્રવેશ કરી શકશે નહી તેમ જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.