ડીપીઈઓ એમ. જી. વ્યાસ અને ડેપ્યુટી ડીપીઈઓ કિરીટસિંહ પરમારની મહેનત રંગ લાવી, સરકારી પ્રાથમિક શાળાઓના સ્તરમાં દિન પ્રતિદિન સુધારો: રાજ્ય સરકારની પહેલના પરિણામે સરકારી શાળાઓમાં આવેલા ગુણાત્મક પરિવર્તનની નોંધપાત્ર અસર,સરકારી શાળાઓ પ્રત્યે વાલીઓનું માનસ પરિવર્તન
રાજ્ય સરકારની પહેલના પરિણામે સરકારી શાળાઓમાં આવેલા ગુણાત્મક પરિવર્તનની અસરની હવે જોવા મળી રહી છે. રાજકોટના વાલીઓને એ હકીકત સમજાઇ છે સરકારી શાળાઓમાં વેલ ક્વોલિફાઇડ શિક્ષકો, લેટેસ્ટ ટેક્નોલોજીનું ઇન્ફ્રાસ્ટ્રક્ટર હોવાની ખાનગી શાળાઓ કરતા બહેતર છે એના કારણે તથા જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એમ.જી. વ્યાસ અને નાયબ જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કિરીટસિંહ પરમારના સરાહનિય પ્રયાસો થકી આ વર્ષે ૨૩૦૩ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે.
ગુણોત્સવ, શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમોએ વાલીઓના સરકારી શાળાઓ પ્રત્યેના માનસમાં બદલાવ આણ્યો છે. બાળકોને સરકારી શાળા ભણી વાળનારા શિક્ષકોના પ્રયત્નો પ્રશંસાને પાત્ર છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે શાળાઓના આંતરિક મૂલ્યાંકન માટે મહત્વનો કાર્યક્રમ ગુણોત્સવ અમલમાં મૂક્યો હતો. ગુણોત્સવના કાર્યક્રમની પરંપરા વર્તમાન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સુપેરે આગળ ધપાવી છે.
ગુણોત્સવ દરમિયાન શાળાઓનું સર્વગ્રાહી મૂલ્યાંકન કરવામાં આવે છે. માત્ર ભૌતિક સુવિધા જ નહીં પણ, બાળકોમાં રહેલી જ્ઞાનગ્રહણ ક્ષમતાનું પણ આકલન કરવામાં આવે છે. ગુણોત્સવમાંથી મળેલી પરિણામોને ધ્યાને લઇ રૂપાણીએ મિશન વિદ્યા કાર્યક્રમ શરૂ કર્યો છે.
જેમાં વાંચન, ગણન અને લેખનમાં નબળા બાળકોને પ્રિય છાત્રો ગણી શાળા સમય બાદ અભ્યાસ કરાવી સક્ષમ બનાવવામાં આવે છે.
ખાનગી શાળા સામે જ્યારે સરકારી શાળાઓ સ્પર્ધા કરવા લાગે એ વાત આનંદની છે. રાજકોટ જિલ્લામાં તો શિક્ષકોના પ્રયત્નો વિશેષ રહ્યા છે. કેટલીક શાળાના શિક્ષકોએ સરકારી શાળામાં રહેલી ખૂબીઓનું વર્ણન કરતા પેમ્ફલેટ છપાવ્યા હતા.
આ પેમ્ફલેટ ગામ આખામાં વિતરણ કરી વાલીઓને સમજાવ્યા કે સરકારી શાળામાં ખાનગી શાળા કરતા વધુ સારૂ શિક્ષણ મળે છે અને એ પણ સાવ વિનામૂલ્યે ! શિક્ષકોના આવા સઘન પ્રયત્નોનું પરિણામ એ આવ્યું કે ધોરાજી તાલુકાના એક ગામની ખાનગી શાળાને તાળા મારવાની નોબત આવી. હવે, ગામના તમામ બાળકો સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે.
સરકારી શાળામાં રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી સુવિધા જોઇએ તો છાત્રોને પાઠ્ય પુસ્તકો, ગણવેશ, શિષ્યવૃત્તિ, વિદ્યાલક્ષ્મી બોન્ડ, સાયકલ, પુસ્તકાલય, જ્ઞાન કુંજ પ્રોજેક્ટ હેઠળ સ્માર્ટ ક્લાસ રૂમથી શિક્ષણકાર્ય, કોમ્પ્યુટર શિક્ષણ, પ્રત્યેક શનિવારે અલગ અલગ વિષયની એકમ કસોટી, સતત પુનરાવર્તન કન્સેપ્ટ દ્વારા ઉપચારાત્મક શિક્ષણ કાર્ય તેમજ ધોરણ ૨ના તમામ બાળકોને વાંચન, લેખન અને ગણન શિક્ષકો વેકેશન દરમિયાન સમયદાન કરી શીખવે છે. રમત ગમતના સાધનો સહિત સહશૈક્ષણિક પ્રવૃત્તિ માટેની તમામ સુવિધા પૂરી પાડવામાં આવે છે. આમેય, બાળક નાની કળી જેવું હોય છે, યોગ્ય વાતાવરણ મળે એટલે પમરાટ કરતું પુષ્પ બની જાય છે.
રાજકોટ જિલ્લાની વાત કરીએ તો જેતપુર તાલુકામાં ૪૨૦ છાત્રોએ ખાનગી શાળાને રામ રામ કરી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. અન્ય તાલુકામાં જોઇએ તો ઉપલેટામાં ૨૧૪, કોટડા સાંગાણીમાં ૧૮૨, ગોંડલમાં ૧૯૮, જસદણમાં ૨૮૮, જામકંડોરણામાં ૯૮, ધોરાજીમાં ૨૦૨, પડધરીમાં ૬૫, રાજકોટ તાલુકામાં ૩૦૧, લોધિકામાં ૧૬૭, વિંછીયામાં ૧૬૮ છાત્રોઓ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો હોવાનું જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવાસિયાએ જણાવ્યું હતું.
વિશેષ વાત તો એ છે કે, કૂલ ૨૩૦૩ છાત્રો પૈકી ૩૭૯ છાત્રોએ બીજા ધોરણમાં પ્રવેશ મેળવ્યો છે. એટલે કે, માત્ર એક જ વર્ષમાં ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. અહીં એ પણ નોંધવું જોઇએ કે, આંગણવાડીની પ્રવૃત્તિ બાળકનું શાળામાં સ્થાયીકરણ વધારે છે.