યુએસ- યુરોપની નબળી આર્થિક સ્થિતિના કારણે ઉદ્યોગને ફટકો : આગામી દિવસોમાં હવે તેજીના એંધાણ
ભારતની ડાયસ અને ઓર્ગેનિક કેમિકલ્સની નિકાસમાં પાછલા નાણાકીય વર્ષમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેનું મુખ્ય કારણ વૈશ્વિક માંગમાં ઘટાડો છે. નિકાસમાં અંદાજે 23 ટકાનો ઘટાડો નોંધાયો છે. પણ હવે આગામી દિવસોમા આ ઉદ્યોગમાં તેજી આવે તેવા અણસાર છે.
કલરની નિકાસમાં વોલ્યુમની દ્રષ્ટિએ 22.67% ઘટાડો થયો છે, જ્યારે કાર્બનિક રસાયણોની નિકાસ લગભગ 33% ઘટી છે. માત્ર ડાયસ ઈન્ટરમીડિયેટ્સની નિકાસમાં 46% નો મજબૂત વધારો જોવા મળ્યો છે, જ્યારે અન્ય કેટેગરી જેમ કે અકાર્બનિક, ઓર્ગેનિક અને એગ્રો કેમિકલ્સની નિકાસમાં ઘટાડો થયો છે.
પાછલા નાણાકીય વર્ષ, 2021-22માં, અકાર્બનિક રસાયણો સિવાયની તમામ શ્રેણીઓએ અગાઉના વર્ષની સરખામણીમાં નિકાસમાં વધારો નોંધાવ્યો હતો. જો કે, 2022-23માં વૈશ્વિક આર્થિક કટોકટીએ ભારતીય રસાયણ ઉદ્યોગ પર પ્રતિકૂળ અસર કરી છે.
ગુજરાત કલર અને કેમિકલનું મુખ્ય કેન્દ્ર છે, જે દેશના કુલ ઉત્પાદનમાં લગભગ 70% હિસ્સો ધરાવે છે. કેમેક્સિલના ચેરમેન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “ડાઈસ સેગમેન્ટ માટે પાછલું વર્ષ પડકારજનક રહ્યું છે. યુએસ અને યુરોપમાં નબળી આર્થિક સ્થિતિને કારણે ટેક્સટાઈલ ઉદ્યોગને વિશ્વભરમાં ઓછી માંગનો સામનો કરવો પડ્યો છે, જેની સીધી અસર ડાયસની માંગ પર પડી છે.” કેટલીક કંપનીઓએ અસ્થાયી રૂપે ઉત્પાદન અટકાવી દીધું છે, અને ફેક્ટરીઓ 50-60% ક્ષમતા પર કાર્યરત છે. તેમણે વધુમાં સમજાવ્યું કે જ્યારે ડાઈ ઈન્ટરમીડિએટ્સ અને અકાર્બનિક રસાયણોએ મૂલ્યમાં વધારો દર્શાવ્યો છે, તે મુખ્યત્વે ભાવમાં વધારો અને ભારતીય રૂપિયા સામે મજબૂત ડૉલરને કારણે છે.
કિરી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એમડી મનીષ કિરીએ જણાવ્યું હતું કે, “ગત નાણાકીય વર્ષ ઉદ્યોગ માટે મુશ્કેલ હતું, જેમાં નોંધપાત્ર રીતે ઓછા ઓર્ડર હતા અને કલર તથા કાર્બનિક રસાયણો માટેનું સ્થાનિક બજાર પડકારજનક હતું.
માંગનું પુનરુત્થાન ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ પર નિર્ભર રહેશે. ગુજરાત સ્થિત પ્લાન્ટ્સે મધ્યવર્તી ઉત્પાદનોનું ઉત્પાદન ફરી શરૂ કર્યું છે. હવે નાણાકીય વર્ષ 2024 વધુ સારું રહેશે તેવું દેખાઈ રહ્યું કગે.