મુખ્ય ૧૧ ખરડાઓ થશે પસાર: વિપક્ષ ૪ ખરડાઓનો કરશે વિરોધ
લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત: પ્રથમ દિવસે હોમિયોપેથી માટે રાષ્ટ્રીયપંચ ૨૦૨૦ અને ચિકિત્સા પદ્ધતિ માટે રાષ્ટ્રીયપંચ બનાવવાના બિલો પાસ
કોરોના મહામારી વચ્ચે સંસદનું ૧૮ દિવસીય ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. જેમાં ઘણા બધા ફેરફારો જોવા મળશે. આ વખતે સંસદના બન્ને ગૃહની કાર્યવાહી જુદા જુદા સમયે જ થશે. જે સાંસદોનો કોરોના ટેસ્ટ નેગેટીવ આવ્યો હશે તેને જ ગૃહમાં પ્રવેશ મળશે. હાલ સુધી સાંસદો અને કર્મચારીઓ સહિત ૪૦૦૦ લોકોના કોરોના ટેસ્ટ કરાઈ ચૂકયા છે. આ સત્રમાં પ્રશ્ર્નકાળનો સમય નહીં ફાળવવામાં આવે. સાથો સાથ સભ્યોના વ્યક્તિગત ખરડા પણ રજૂ નહીં થાય. ઉલ્લેખનીય બાબત છે કે, સત્ર પૂર્વે સર્વપક્ષીય બેઠક પણ યોજાશે નહીં. બે દાયકામાં પ્રથમવાર એવું બન્યું કે, સંસદ સત્ર પૂર્વે સર્વપક્ષીય બેઠક યોજાઈ નથી. સંસદીય કાર્ય મંત્રાલયના જણાવ્યા મુજબ સત્રમાં કુલ ૪૭ ખરડા રજૂ કરાશે. જેમાંથી ૧૧ ખરડા વટહુકમથી પસાર કરી દેવામાં આવશે.
સંસદ ગૃહમાં આજે શરૂ થનારા ૧૮ દિવસના જંજવાતી ચોમાસુ સત્રની સંપૂર્ણપણે તૈયારી કરી લેવામાં આવી છે. કોરોના મહામારીના ઓથા હેઠળ મળનારી બન્ને ગૃહમાં કોઈપણ અંતરાય વીના એકપણ દિવસની રજા વગર ચાલનારા આ સત્રમાં ફકત એવા જ લોકોને પ્રવેશ અપાશે જેમનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો હોય. સત્રમાં ફરજીયાત માસ્ક પહેરવાનું રહેશે. સ્પષ્ટ કરવાની જરૂર ન પડે એવા સ્કેનીંગ અને થર્મલગનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
સંસદના ચોમાસા સત્રમાં સંસદીય કાર્ય મંત્રાલયના જણાવ્યા મુજબ કુલ ૪૭ ખરડા રજૂ કરાશે જેમાંથી ૧૧ ખરડા એવા હશે કે જે વટહુકમનું સ્થાન લેશે. ચોમાસુ સત્ર અંગે કોંગ્રેસે કહ્યું હતું કે, તે કૃષિ તથા બેન્કિંગ એકટમાં ફેરફાર સંબંધી ખરડાનો ભારે વિરોધ કરશે તથા અર્થતંત્ર, કોરોના અને સરહદે ચીનની ઘુસણખોરીના મુદ્દા જોરશોરથી ઉઠાવશે.
સત્રના એક દિવસ અગાઉ રવિવારે લોકસભા બિઝનેશ એડવાઈઝરી કમીટીની બેઠક અધ્યક્ષ ઓમ બિરલાના અધ્યક્ષ પદે મળી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તમામ પક્ષોના નેતાઓ સાથે ચર્ચા થઈ જેમણે સહકારની ખાતરી આપી છે. સંસદીય કાર્ય મંત્રી જોશીએ કહ્યું હતું કે, સરકાર તમામ મુદ્દે ચર્ચા માટે તૈયાર છે. મંગળવારે ફરી કમીટીની બેઠક મળશે.
પ્રથમ દિવસે રાજ્યસભાના ઉપાધ્યક્ષ માટે ચૂંટણી યોજાનાર છે. જેમાં વિપક્ષ તરફથી રાષ્ટ્રીય જનતાદળના નેતા મનોજ ઝા અને એનડીએ તરફથી જેડીયુના નેતા હરિવંશ વચ્ચે ખરાખરીનો મુકાબલો થવાની સંભાવના છે. ભાજપે અગાઉથી જ વ્હીપ જારી કરી દીધો છે. લોકસભાની કાર્યવાહી પહેલા દિવસના સવારે ૯ થી બપોરના ૧ વાગ્યા સુધી અને બપોરના ૩ થી સાંજના ૭ વાગ્યા સુધી ચાલશે. તે જ રીતે રાજ્યસભાની કાર્યવાહી પ્રથમ દિવસે બપોરે ૩ થી સાંજે ૭ વાગ્યા સુધી અને તે પછીના દિવસોમાં સવારે ૯ થી બપોરના ૧ વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવશે. દરરોજ બપોરે ૧ થી ૩ વાગ્યા દરમિયાન સંસદને સેનેટાઈઝ કરવામાં આવશે.
સંસદના ઈતિહાસમાં પ્રથમવાર સાંસદો પોતાની હાજરી મોબાઈલ એપ દ્વારા નોંધાવશે. સુત્રોએ જણાવ્યું હતું કે, આ એપ્લીકેશન નેશનલ ઈન્ફોમેટીક સેન્ટરે કોરોના કાળ પસાર ન થાય ત્યાં સુધી હાજરી માટે બનાવી છે. આ એપ્લીકેશન મારફતે સાંસદો પોતાની હાજરી પુરાવી શકશે. ચોમાસુ સત્રમાં પ્રશ્ર્નકાળ અને ખાનગી સભ્યાનેા ખરડાઓ હાથ ઉપર નહીં લેવાય. શુન્યકાળ પ્રતિ બંધીત કરવાની જાહેરાત અગાઉ લોકસભા અને રાજ્યસભાના સચિવોએ કરી હોવાનું પણ સામે આવ્યું છે. ૧૪ સપ્ટેમ્બરથી ૧લી ઓકટોબર સુધી ચાલનારી બન્ને ગૃહોના સત્રમાં એકપણ દિવસ રજાનો વિક્ષેપ નહીં હોય આ સત્રમાં ગૃહ શનિ અને રવિવારના રોજ પણ ચાલશે. ચોમાસુ સત્ર દરમિયાન પ્રશ્ર્નોતરી પણ નહીં થાય. કોરોનાની વિકટ પરિસ્થિતિને કારણે સરકારે કરેલી જાહેરાત મુજબ પ્રશ્ર્નોતરીકાળનો સમય પણ આપવામાં આવશે નહીં. ખાનગી સભ્યો માટે પણ કોઈ દિવસ નહીં ફાળવવામાં આવે તેવું લોકસભાના સચિવે એક જાહેરનામા મુજબ જણાવ્યું હતું.
સંસદના ચોમાસુ સત્રમાં આજની ખાસ કાર્યવાહીમાં લોકસભાના ઉપલા ગૃહમાં તબીબ જગત આધારીત બે ખરડાઓ અને નાયબ સભાસદની ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેડીયુના હરિવંશને એનડીએનું સમર્થન મળ્યું છે અને તેની સામે આરજેડીના મનોજ ઝાને કોંગ્રેસનું સમર્થન મળ્યું છે.
કોવિડ-૧૯ની સાવચેતી માટેના ચાવીરૂપ નિયમો
સંસદના ચોમાસા સત્રમાં સાંસદો સહિત ૪૦૦૦ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. લોકતંત્રના ઈતિહાસમાં પ્રથમવાર લોકસભા અને રાજ્યસભા અલગ અલગ પાળીઓમાં ચલાવવામાં આવશે. જેથી સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે. દરરોજ સત્રના વિરામના સમયે સેનેટાઈઝની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ડીઆરડીઓ દ્વારા તમામ સંદને બહુહેતુક કોવિડ-૧૯ની કીટ આપવામાં આવશે. જેમાં ૪૦ ડિસ્પોઝેબલ માસ્ક, ૫ એન-૯૫ માસ્ક, ૫૦ એમએલની ૨૦ સેનેટાઈઝની બોટલ, ફેસસીલ્ડ, ગ્લબસ, હર્બલ હેન્ડ સેનેટાઈઝર આપવામાં આવશે. ઉપરાંત મહત્વપૂર્ણ બાબત એ છે કે સંસદીય ઈતિહાસમાં અભુતપૂર્વ બન્ને ગૃહના સાંસદોને પ્લાસ્ટીક સીટથી અલગ કરીને બેઠક વ્યવસ્થા ઉભુ કરવામાં આવી છે જેથી લોકો એકબીજાથી દૂર રહે.
સત્રમાં રજૂ થનારા મુખ્ય ખરડાઓ
સત્રમાં રજૂ થનારા મુખ્ય ખરડાઓ પૈકી એગ્રીમેન્ટ ઓફ પ્રાઈઝ એસ્યુરન્સ ફોર્મ સર્વિસ બીલ ૨૦૨૦, ફાર્મસી પ્રોડયુસ એન્ડ ટ્રેડસ એન્ડ કોમર્સ, હોમિયોપેથી સેન્ટ્રલ કાઉન્સીલ બીલ ૨૦૨૦, ઈન્ડિયન મેડીકલ કાઉન્સીલ બીલ ૨૦૨૦, એશિયન સેલ કોમોડીટી બીલ ૨૦૨૦, બેંક રપ્ટસી બીલ ૨૦૨૦, ટેકસેશન એન્ડ રિલેકસેશન બીલ ૨૦૨૦, એપેડેમીક ડીઝીઝ બીલ ૨૦૨૦, સેલેરી એલાઉન્સ અને સાંસદોના પેન્શન બીલ ૨૦૨૦ સહિતના મુખ્ય ખરડાઓ પસાર થવાની અપેક્ષાઓ સેવાઈ રહી છે.
જાહેર જનતાના હિતની જોગવાઈઓ ખતમ નહીં થવા દઈએ: વિપક્ષ
ચોમાસા સત્ર વિશે કોંગ્રેસ પ્રવકતા જયરામ રમેશે કહ્યું હતું કે, કૃષિ સંબંધી ખરડામાં ખેડૂતોને બજાર તથા લઘુતમ ટેકાના ભાવ આપવા જેવી સુવિધા માટેની વ્યવસ્થા નાબૂદ કરવાની જોગવાઈ છે. તે જ રીતે બેન્કિંગ એકટમાં ફેરફાર કરી ખેડૂતોની લોનમાં છુટ સંબંધી અધિકારો દૂર કરીને તેમના હિતને નુકશાન પહોંચાડતી જોગવાઈ છે. તેથી કોંગ્રેસ કૃષિ સંબંધી ત્રણ ખરડા તેમજ બેન્કિંગ ક્ષેત્રે વટ હુકમના સખત વિરોધ કરશે. સંસદમાં આ ખરડના વિરોધ માટે તમામ વિપક્ષને એક કરાઈ રહ્યાં છે. રાજ્યસભામાં સરકારની બહુમતિ નહીં હોવાથી અમે આ ખરડાને પસાર થવા નહીં દઈએ.