7 ડેમોમાં નવા નિરની આવક, 5 ડેમો ઓવરફલોની અણીએ : ભાદર હજુ 31.11 ટકા ભરાયો : રાજકોટ સિંચાઈ વર્તુળ હેઠળનો સુરેન્દ્રનગરનો ત્રિવેણી ઠાંગા અને પોરબંદરનો સોરઠી ડેમ પણ ઓવરફ્લો થયો
સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા 3 દિવસથી મેઘમહેરના કારણે અનેકવિધ ડેમો ઓવરફ્લો થયા છે. જેમાં રાજકોટ સિંચાઈ વર્તુળ હેઠળ આવતા રાજકોટ, જામનગર અને દ્વારકાના 23 ડેમો ઓવરફ્લો થયા છે. આ સાથે સુરેન્દ્રનગરનો ત્રિવેણી ઠાંગા અને પોરબંદરનો સોરઠી ડેમ પણ ઓવરફ્લો થયો છે. 7 ડેમોમાં નવા નિરની પણ આવક થઈ હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટ જિલ્લાના ડેમની વિગતો જોઈએ તો કુલ 25 ડેમો છે. જેમાંથી મોજ અને વેરી બે ડેમો આજે ઓવરફ્લો થયા છે. જયરર ખોડાપીપર ડેમ અને આજી-2 ડેમનો જથ્થો 90 ટકા આસપાસ પહોંચ્યો હોય બન્ને ભરાઈ જવાની તૈયારીમાં હોવાનું જાણવા મળ્યું છે.
ભાદર, મોજ, ફોફળ, આજી-1, સોડવદર, ગોંડલી, વાછપરી, ન્યારી-1, ફાડદંગબેટી, લાલપરી, છાપર વાડી-2, ભાદર-2માં નવા નિરની આવક થઈ છે. મોરબીમાં કુલ 10 ડેમો છે. જેમાં હાલ એક પણ ડેમ ઓવરફલો નથી. મચ્છું-3 ડેમ સૌથી વધુ 70 ટકા ભરાયો છે. બાકીના ડેમો 10 ટકાથી લઈને 50 ટકા સુધી ભરાયા છે. જ્યારે મચ્છું-1, મચ્છું-2, ડેમી-1, ડેમી-2, ઘોડાધ્રોઇ, બ્રાહ્મણી-2 અને ડેમી-3માં નવા નિરની આવક થઈ છે.
વધુમાં જામનગર જિલ્લાના ડેમો જોઈએ તો 21 ડેમોમાંથી સસોઈ, ફુલઝર-1, સપડા, ફુલઝર-2, ડાઈ મીણસર, ફોફળ-2, ઉંડ-3, વાડીસંગ, રૂપાવટી, રૂપારેલ અને સસોઈ ડેમ ઓવરફ્લો થયો છે. વધુમાં પન્ના, ઉંડ-2 અને ઉંડ-1 ડેમ ભરાઈ જવાની અણીએ પહોંચ્યા છે. દ્વારકા જિલ્લામાં 12 ડેમોમાંથી ઘી, વર્તુ-1, ગઢકી, સોનમતી, શેઢા ભાડથરી, વેરાડી-1, સિંધણી, કાબરકા, વેરાડી-2 અને મીણસાર ડેમ ઓવરફલો થયો છે. ઉંડ-2 ડેમમાં નવા નિરની આવક થઈ છે.
આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લામાં એક માત્ર ત્રિવેણી ઠાંગા ડેમ ઓવરફલો થયો છે. અને પોરબંદરનો સોરઠી ડેમ પણ ઓવરફ્લો થયો છે.