૪૦૦ થી ૫૦૦ રેટેડ અને અનરેટેડ ખેલાડીઓ ભાગ લેશે: ખેલાડીઓ માટે વિનામુલ્યે રહેવા જમવાની વ્યવસ્થા: લાખેણા ઈનામોની વરઝાર
સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન જયમીન ઠાકર તથા ગેસફોર્ડ ચેસ કલબના પ્રમુખ નટુભાઈ સોલંકી એક સંયુકત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા અને ગેસફોર્ડ ચેસ કલબના સંયુકત ઉપક્રમે ગુજરાતભરમાં સૌપ્રથમ વખત ઈન્ટરનેશનલ ચેસ ટૂર્નામેન્ટ ઓલ ઈન્ડિયા નેશનલ ફિડે રાજકોટ મહાનગરપાલિકા ટ્રોફીનું તા.૨૨ થી ૨૭ જુલાઈ ૨૦૧૭ દરમિયાન રાજકોટ ખાતે શાનદાર આયોજન કરવામાં આવ્યું છે જે અંગે વધુ વિગત આપવા સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન જયમીન ઠાકર, ગેસફોર્ડ ચેસ કલબનાં પ્રમુખ નટુભાઈ સોલંકી સહિતના આયોજકોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
ભારતભરમાં આ પ્રથમ ફિડે રેટિંગ ટૂર્નામેન્ટ છે તેમાં ખેલાડીઓને ૬ દિવસ માટે રહેવા તથા જમવાની સગવડતા નિ:શુલ્ક આપવામાં આવશે. ‚ા.૨.૬૫/- લાખના રોકડ ઈનામો તથા પ્રમાણપત્રોથી ખેલાડીઓને નવાજવામાં આવશે. આ ટૂર્નામેન્ટને સફળ બનાવવા માટે ગ્રાન્ડ માસ્ટર તથા ઈન્ટરનેશનલ માસ્ટર્સ સહિતના નામાંકિત ખેલાડીઓ ભાગ લઈને આ ટૂર્નામેન્ટને ચાર ચાંદ લગાડે તે માટે દરેક ખેલાડીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યા છે તે ઉપરાંત ઓલ ઈન્ડિયાના ચેસના નામાંકિત ખેલાડીઓ વધુને વધુ ભાગ લે તે માટે રાજકોટ મહાનગરપાલિકા તથા ગેસફોર્ડ ચેસ કલબના પ્રયત્ન કરી રહેલ છે. આ ટૂર્નામેન્ટની જાહેરાત ગુજરાત સ્ટેટ અને ફિડે ઓલ ઈન્ડિયાની વેબસાઈટમાં મુકવામાં આવેલ છે. દરેક ખેલાડીઓ વેબસાઈટ પરથી પોતાનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ટ્રોફી તા.૨૨ થી ૨૭ રાજકોટ કરીને ફિડેની વેબસાઈટમાં જોઈ શકાશે. (સમય બપોરે ૨:૦૦ કલાકે) ગુજરાત સૌરાષ્ટ્ર અને રાજકોટના ચેસના ખેલાડીઓ માટે ઘેર બેઠા ગંગા જેવો આ પ્રસંગ છે. પોતાના ઘર આંગણે જ સારું પરફોર્મ કરીને પોતે ફિડે રેટિંગ મેળવી શકાશે. આવી ઉત્કૃષ્ટ કક્ષાની ટૂર્નામેન્ટ રાજકોટ આંગણે યોજાઈ રહી છે તો વધુમાં વધુ ખેલાડીઓને આ ટૂર્નામેન્ટમાં ભાગ લઈને રેટિંગ મેળવવાની આ સોનેરી તક છે.
આ ટૂર્નામેન્ટને સફળ બનાવવા માટે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન જયમીન ઠાકરના નેતૃત્વ હેઠળની ટીમ તેમજ ગેસફોર્ડ ચેસ કલબના પ્રમુખ નટુભાઈ સોલંકી, સેક્રેટરી કિશોરસિંહ જેઠવા, હર્ષદભાઈ ડોડિયા, દિપકભાઈ જાની, મહેશભાઈ વ્યાસ, જય ડોડિયા, ચંદ્રેશભાઈ કક્કડ, વલ્લભભાઈ પીપળીયા, કાલીદાસભાઈ વ્યાસ, મહેશ ચૌહાણ, અરવિંદભાઈ માલવી, શિવજી જાખલિયા સહિતના દરેક સભ્યો ખુબ જ જહેમત ઉઠાવી રહ્યાં છે. આ ટૂર્નામેન્ટમાં કુલ ૧૦ રાઉન્ડ રાખવામાં આવેલ છે. તેમજ ઓપનીંગ સેરેમની પારડી રોડ પર આવેલ રાજકોટ મહાનગરપાલિકા કોમ્યુનિટી હોલમાં તા.૨૨ જુલાઈના રોજ બપોરે ૨:૦૦ કલાકે રાખવામાં આવેલ છે. એન્ટ્રી ફોર્મ માટેનું સ્થળ કિરીટ પાન ઘર, ગેસફોર્ડ ટોકીઝ પાસે ૦૨૮૧-૨૨૨૧૭૪૬ એન્ટ્રી ફોર્મ મેળવી તા.૧૫ સુધીમાં ભરી આપવાના રહેશે.