Table of Contents

આજથી 20 વર્ષ પહેલા ગુજરાતના ભવિષ્યને પેલે પાર જોઈ શકવાની દિર્ધદ્રષ્ટી સાથે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાયન્સ સિટી ખાતે પ્રથમ વાઈબ્રન્ટ સમિટ શરૂ કરાવી હતી. દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન મોદીએ પારખ્યું હતું કે, વિકાસ કરવો હોય તો રાજ્યને ઔદ્યોગિક વિકાસ ક્ષેત્રે આગળ લઈ જવું જ પડશે. આથી તેમણે રાજ્યમાં ઉદ્યોગો ટાંચણીથી લઈને ટેન્ક બનાવે તે માટેનું વાતાવરણ ઉભુ કર્યુ અને તેને અનુરૂપ  પ્રોત્સાહન મળે તેવી નિતિઓ બનાવી. જેથી ગુજરાતમાં અન્ય રાજ્યો અને વિદેશમાંથી આવતા મુડી રોકાણમાં ઉત્તરોત્તર વધારો થયો, વૈશ્વીક લોકડાઉનના સમયમાં પણ વિદેશી મુડી રોકાણને આકર્ષવામાં ગુજરાત દેશમાં પ્રથમ રહ્યું છે. વર્ષ 2003માં વાવેલુ બીજ આજે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ 2024માં વાઈબ્રન્ટ સમિટ વિશાળ વટવૃક્ષ બની ગયું છે.

ઔદ્યોગીક વિકાસ સાથે 50 હજારથી વધુ લોકોને રોજગારી મળવાની સંભાવના

સૌરાષ્ટ્રના સિરામિક, એન્જિનીંયરીંગ અને મશીન ટુલ્સ, ખનીજ, જિનિંગ-સ્પિનિંગ બ્રાસ પાર્ટ્સ, બાયો ટેકનોલોજી પ્રવાસન અને ફીસરીઝ ઉદ્યોગ ક્ષેત્રે નવા કિર્તિમાન સ્થપાશે

ગુજરાતના વિકાસમાં સૌરાષ્ટ્રના વિશાળ મેદાની પ્રદેશમાં વિકસીત ઉદ્યોગોનો એક અલગ જ દબદબો રહ્યો છે. રાજકોટનો એન્જીન્યિરીંગ અને આોટોમોબાઈલ ઉદ્યોગ, જામનગરનો બ્રાસપાર્ટ્સ ઉદ્યોગ, મોરબીનો સિરામિક ઉદ્યોગો વિકસિત થયા છે. સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓ પાસે મહેનતની મુડી છે, ધંધાની આવડત છે, ગુજરાતના તમામ જિલ્લાઓમાં વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ ડિસ્ટ્રીક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક ઉદ્યોગોકારોએ ભાગ લઈને ગુજરાતની સાથોસાથ જિલ્લાના વિકાસ માટે એમ.ઓ.યુ કર્યા છે. જેમા સૌરાષ્ટ્રનું પાટનગર એવું રાજકોટ એમ.ઓ.યુ કરવામાં અને તેના અમલમાં પણ અગ્રેસર છે.

વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ રાજકોટ કાર્યક્રમના આરંભ પૂર્વે જ રૂપિયા 7150 કરોડથી વધુની રકમના 185 જેટલા સમજૂતિ કરાર (મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ-એમ.ઓ.યુ.)કરવામાં આવ્યા છે, જેના પરિણામે આગામી દિવસોમાં ઔદ્યોગિક વિકાસ સાથે 20 હજારથી વધુ લોકોને રોજગારી મળશે. વાઇબ્રન્ટ એ બ્રાન્ડિંગ નહીં પરંતુ બોન્ડિંગ છે. આવનારા સમયમાં આ બોન્ડિંગ વધુ મજબૂત બનશે. રાજકોટના વિકાસમાં રોકાણકારોનો મોટો ફાળોછે

વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટના ભાગરૂપે આગામી વર્ષે યોજાનાર સમારોહમાં જિલ્લા કક્ષાએથી ઉદ્યોગકારો, વેપાર સમૂહોનું પ્રતિનિધિત્વ થાય તેવા ઉદ્દેશથી ‘વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ અમરેલી’ અંતર્ગત અમરેલી જિલ્લામાં 11.27 કરોડના 05 મહત્વના સમજુતિ કરારો થયા હતા.

મોરબીમાં વિવિધ ઉદ્યોગો દ્વારા રૂ.2800 કરોડના 91 જેટલા સમજુતી કરાર

વિશ્ર્વના કોઈપણ ખુણે સરકારી કે ખાનગી બાંધકામ કરવાનું આયોજન થાય કે તુરંત જ મોરબીને યાદ કરે. ટાઈલ્સ વિના કોઈપણ ઘર, ઓફિસ કે બાંધકામ ફિક્કુ લાગે છે. આ ટાઈલ્સ બનાવવાનો ઉદ્યોગમાં ગુજરાતનું મોરબી અગ્રેસર છે. મોરબીના સિરામિકનું ગ્લોબલ સિરામિક માર્કેટ 239.5 બિલિયન ડોલર છે. મોરબી જિલ્લાનું સિરામિક ક્લસ્ટર વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું સિરામિક પ્રોડક્ટ ઉત્પાદન કરતું ક્લસ્ટર છે. જેનું વાર્ષિક ટર્નઓવર 60,000 કરોડનું છે. મોરબી જિલ્લામાં અંદાજિત 1000 જેટલા સિરામિક એકમો આવેલા છે.

સિરામિક મોરબી જિલ્લો 8 થી 10 લાખ લોકોને રોજગારીઓ પૂરી પાડે છે. મોરબી જિલ્લાની વોલ કલોક/ગીફ્ટ આર્ટીકલ ઇન્ડસ્ટ્રીઝ ભારતના વોલ ક્લોક ઉત્પાદનનો 75 ટકા  હિસ્સો ધરાવે છે. મોરબીની સિરામિક ઉદ્યોગ ચીનને હંફાવવાની તાકાત ધરાવે છે. દેશના ગુજરાતનો હિસ્સો અંદાજે 8.4 ટકા છે. ઔદ્યોગિક ઉત્પાદનમાં 18 ટકા હિસ્સો ગુજરાતનો છે જ્યારે ભારતના કુલ એક્સપોર્ટમાં ગુજરાતની ભાગીદારી 33% જેટલી છે. વિવિધ વિભાગોમાં સેક્ટર વાઈઝ વિવિધ ઉદ્યોગો દ્વારા રૂ. 2800 કરોડના 91 જેટલા સમજુતી કરાર કરવામાં આવ્યા છે. આ સાથે જ મોરબી જિલ્લો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ સમજુતી કરાર કરનાર ચોથા સ્થાને અડિખમ છે.

7150 કરોડથી વધુની રકમનાં 185 જેટલા સમજૂતિ કરાર સાથે વાઇબ્રન્ટ ગુજરાતના વિકાસમાં રાજકોટ અગ્રેસર

રાજકોટનાં ઉદ્યોગકારો આનુષંગીક ઉદ્યોગો બાજુના જિલ્લાઓમાં વિકસે તે માટે ત્યાં પણ મૂડી રોકાણ કરી રહ્યા છે. આ ઉપરાંત સિરામીક, એન્જિનિયરીંગ અને મશીન ટુલ્સ આધારિત રાજ્યની પ્રથમ પ્રિ-સમીટ રાજકોટ ખાતે યોજાઇ હતી. જેમાં આશરે રૂ.1280 કરોડથી વધુ રકમના રોકાણોના સાત કરાર-એમ.ઓ.યુ. સાઇન થયા છે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં “વાઇબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક ઉદ્યોગકારોએ ભાગ લઇને ગુજરાતની સાથોસાથ જિલ્લાનાં વિકાસ માટે એમ.ઓ.યુ. કર્યા છે. જેમાં સૌરાષ્ટ્રનું પાટનગર એવું રાજકોટ એમ.ઓ.યુ. કરવામાં અને તેના અમલમાં પણ અગ્રેસર છે.

સોમનાથ જિલ્લામાં 12 કંપનીઓના 1519.71 કરોડના સમજુતિ કરાર

ગીર સોમનાથને વિશાળ દરિયાકિનારો મળ્યો છે, જ્યાં નારિયેળી અને ફિશનું ઉત્પાદન ખૂબ મોટા પ્રમાણમાં થાય છે. નાનામોટા મળી આશરે 120 જેટલા ફિશ એકમો પણ છે. અહીંની ફિશ પ્રોડક્ટ વિદેશમાં એક્સપોર્ટ થાય છે. વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ ગીર સોમનાથ કાર્યક્રમમાં રિન્યૂએબલ એનર્જી, ફિશ પ્રોસેસિંગ, મેંગો પલ્પ, ફિશ કોલ્ડ સ્ટોરેજ જેવા ક્ષેત્રમાં કુલ 12 કંપનીઓએ 1519.71 કરોડના સમજુતિ કરારો કરવામાં આવ્યા છે. આ રોકાણ થકી આશરે 700થી વધુ લોકોને રોજગારીની તકો પણ ઊભી થશે. આ સાથે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ સમજુતી કરાર કરનાર ગીર સોમનાથ જિલ્લો પાંચમા સ્થાને છે.

જામનગર જિલ્લો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ સમજુતી કરાર કરનાર ત્રીજો જિલ્લો બન્યો

એશિયાની સૌથી મોટી રિફાઈનરી ધરાવતો જામનગર જિલ્લો બાંધણી, બ્રાસપાટ અને પેટ્રોકેમિકલ ક્ષેત્રે આગવી ઓળખ ધરાવે છે. તાજેતરમાં જ જામનગરની બાંધણીને જીઆઇ ટેગ મળ્યો છે. જિલ્લામાં 7000 જેટલા બ્રાસપાર્ટ્સનું ઉત્પાદન કરતા એકમો આવેલા છે. તેમજ 1000 જેટલી નાની મોટી ભઠ્ઠીઓ આવેલી છે. ચંદ્રયાન -2 ના સફળ લોંચિંગમાં પણ જામનગરનો મહત્વનો ફાળો રહ્યો છે.  ત્યારે વાઇબ્રન્ટ ગુજરાત – વાઇબ્રન્ટ જામનગર અંતર્ગત વિવિધ કંપનીઓએ રૂ. 3236 કરોડના 49 સમજુતિ કરારો કર્યા છે. જેના થકી જિલ્લામાં ઘર આંગણે જ 3700થી વધુ રોજગારીનું સર્જન થશે. આ સાથે જ જામનગર જિલ્લો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ સમજુતી કરાર કરનાર ત્રીજો જિલ્લો બન્યો છે.

કચ્છ સમિટ અંતર્ગત 139 એકમો સાથે 3370ના કરોડના એમ.ઓ.યુ.

કચ્છમાં ભૂકંપ બાદ સરકારના પ્રયાસથી ઔદ્યોગિક રોકાણ વધીને રૂ.1,40,000 કરોડ સુધી પહોંચ્યું છે. કચ્છમાં  રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના પ્રયાસોના લીધે અનેક ઉદ્યોગોએ રોકાણ કર્યું છે. રોડ રસ્તાની કનેક્ટિવિટી, બેંકીંગ ફેસેલીટી ચોવીસ કલાક સાતત્યપૂર્ણ વીજ પુરવઠો, સિંગલ વિન્ડો સર્ટિફિકેશન, પોર્ટનો વિકાસ વગેરે સરળીકરણના લીધે કચ્છમાં ઉદ્યોગો વિકસ્યા છે. વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ કચ્છ સમિટ અંતર્ગત કુલ 139 એમ.એસ.એમ.ઇ. એકમો સાથે રૂ.3370ના કરોડના સમજુતિ કરારો કરવામાં આવ્યા છે. આ સાથે જ કચ્છ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ સમજુતી કરાર કરનાર બીજો જિલ્લો બન્યો છે.

પોરબંદરમાં રૂ.449 કરોડના એમ.ઓ.યુ.

વાઇબ્રન્ટ – ગુજરાત વાઇબ્રન્ટ પોરબંદર અંતર્ગત ફિશરીઝ, પ્રવાસન, પોર્ટ,મિનરલ, એગ્રી, કેમિકલ, એન્જિનિયરીંગ સેક્ટરના કુલ રૂ. 449 કરોડના 546 જેટલા સમજુતી કરાર થયા છે. આ સાથે જ પોરબંદર જિલ્લો સૌરાષ્ટ્રમાં મહત્તમ સમજુતી કરાર કરીને નવમા ક્રમે રહ્યો છે.

દ્વારકા જિલ્લામા મહત્તમ સમજુતિ કરાર

વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ દેવભૂમિ દ્વારકામાં કાર્યક્રમ અંતર્ગત 914 કરોડનું રોકાણ સાથે 180 જેટલા સમજુતિ કરાર કરવામાં આવ્યા છે, જેના દ્વારા અંદાજે 1500 થી વધુ લોકોને રોજગારી મળશે. આ સાથે જ દેવભુમિ દ્વારકા જિલ્લો સૌરાષ્ટ્રમાં મહત્તમ સમજુતી કરાર કરીને સાતમાં ક્રમે વિકાસનો ઝંડો લહેરાવી રહ્યો છે.

સુરેન્દ્રનગરમા રૂા.756 કરોડના સમજુતિ કરારો

સુરેન્દ્રનગર જિલ્લામાં રોજગારીની નવી તકોનું સર્જન થાય તે માટે 18 જેટલી સંસ્થાઓએ વાઇબ્રન્ટ ગુજરાત- વાઇબ્રન્ટ સુરેન્દ્રનગર અંતર્ગત રૂ. 756 કરોડના સમજુતિ કરારો કરવામાં આવ્યા છે. જેના થકી 1600 થી વધુ નવી રોજગારીનું સર્જન થશે. આ સાથે જ સુરેન્દ્રનગર જિલ્લો સૌરાષ્ટ્રમાં મહત્તમ સમજુતી કરાર કરીને આઠમા ક્રમે રહ્યો છે.

જુનાગઢ જિલ્લામાં 1200 કરોડના એમ.ઓ.યુ.

સંત, શૂરા અને સાવજની ભૂમિ જૂનાગઢમાં ગત્ત વર્ષે  એગ્રીકલ્ચર પ્રોડક્ટની નિકાસ અંદાજે 4000 કરોડની થઈ હતી જે આગામી એકાદ વર્ષમાં 5,000 કરોડની થશે તેવો અંદાજ છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પૂર્વે જુનાગઢ જિલ્લામાં 1200 કરોડના સમજુતી કરાર થયા છે, ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રે આ રોકાણથી અંદાજે 2000 જેટલા લોકોને રોજગારી મળવાની સંભાવના છે. આ સાથે જ જુનાગઢ જિલ્લો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ સમજુતી કરાર કરનાર છઠ્ઠા સ્થાને છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.