ત્રણ દિવસ ઘણાં શહેરી અને ગ્રામ્ય પંથકના રૂટો બંધ રહેશે
ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓને બુથ સુધી આવવા જવા માટે અમરેલી એમ.ટી. ડિવિઝનની 225 બસ કાળવવામાં આવી. અમરેલી જિલ્લાનું પ્રથમ તબક્કાનું મતદાન આગામી તા.1ના રોજ થવાનુ છે ત્યારે તંત્ર દ્વારા ચૂંટણી માટેની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જેમાં અમરેલી જિલ્લામાં ચૂંટણી તંત્રને એસ.ટી.ડિવિઝન દ્વારા 225 બસ ફાળવવામાં આવી હોવાનું જાણવા મળ્યુ છે. ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓને તેમના બુથ સુધી લઈ જવા અને પરત લાવવા માટે અમરેલી એસ.ટી. ડિવિઝનની બસ ફાળવવામાં આવી છે. આ બસ 29મી તારીખથી જ ચૂંટણી તંત્રને સોંપવામાં આવશે. જેથી ત્રણદિવસ સુધી આના કારણે સંખ્યાબંધ શહેરી અને ગ્રામીણરુટ બંધ રહેશે.
સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને પાર પાડવા માટે વહીવટી તંત્ર દ્વારા આ સિવાય પણ સંખ્યાબંધ વાહનો ઉપયોગમાં લેવાશે. જોકે વિવિધ બુથ પર મતદાન માટે ફરજ પર જનારા કર્મચારીઓ અને તેમની સાધન સામગ્રીને બૂથ પર પહોંચાડવા માટે તંત્ર દ્વારા એસ.ટી. બસનો ઉપયોગ કરવામાં આવશે. પહેલી ડિસેમ્બરના રોજ મતદાનનીપ્રક્રિયા પૂર્ણ થઈ જાય અને ચૂંટણી ફરજ પરના તમામ સ્ટાફ અને સાધન સામગ્રીને ફરી રિસીવીંગ સેન્ટર પર પહોંચાડી દેવામાં આવે ત્યારબાદ આ એસ.ટી. બસ છૂટી થશે અને ફરી એસ.ટી. તંત્રના હવાલે થશે. એકંદરે ત્રણ દિવસ સુધી મોટાભાગના એસ.ટી.બસના રૂટ બંધ રહેનાર છે ત્યારે મુસાફર જનતાને હાલાકીનો સામનો કરવો પડશે.