રાધિકા મરચા પાઉડર અને લુઝ પનીરનો નમુનો ફેઈલ: ૭ આઈસ ફેકટરીમાં ચેકિંગ દરમિયાન ૮૪ કિલો અખાદ્ય બરફનો નાશ કરી નોટિસ ફટકારાઈ
કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફુડ વિભાગ દ્વારા આજે શહેરની ઢેબર રોડ અને લાખાજીરાજ શાકમાર્કેટમાં ૧૬ ફુડના ધંધાર્થીઓને ત્યાં તથા રેસકોર્સ ગ્રાઉન્ડમાં ઉભી રહેતી ૨૦ રેકડીઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જે અંતર્ગત કાર્બાઈડથી પકાવેલા ૨૨૪ કિલો અખાદ્ય ચીકુનાં જથ્થાનો નાશ કરી ૩ આસામીઓને નોટીસ ફટકારવામાં આવી હતી.
આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, ઢેબર રોડ અને લાખાજીરાજ શાકમાર્કેટમાં ચેકિંગ દરમિયાન ૩૯ નંગ કાર્બાઈડની પડીકીઓ પણ મળી આવી હતી જેનો નાશ કરવામાં આવ્યો હતો. જયારે કાર્બાઈડથી પકાવેલા ૨૨૪ કિલો ચીકુનો નાશ કરી ૩ વેપારીઓને નોટીસ ફટકારવામાં આવી છે. ભાવનગર રોડ પર પટેલવાડી સામે ઠાકર અમીચંદ ભગવાનજી નામની પેઢીમાંથી સાયકલ કમ્પાઉન્ડન્ટ એસોફેટેડીયા તથા મહાદેવવાડી મેઈન રોડ પર ઉમાકાંત પંડિત ઉધોગનગરમાં પ્રયોસમ ન્યુટ્રીક ફ્રુટમાંથી રેશમ કાશ્મીરી લાલ મરચાનો નમુનો લઈ પરીક્ષણ અર્થે વડોદરા ખાતે પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યો છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, અગાઉ ફુડ વિભાગ દ્વારા ૩-નવલનગરમાં હિમાંશુ બ્રધર્સમાંથી રાધિકા મરચા પાઉડરનો નમુનો લેવામાં આવ્યો હતો જે મિસ બ્રાન્ડેડ જાહેર થયો છે. જયારે ગાંધીગ્રામ શેરી નં.૨માં ગાત્રાળ દુગ્ધાલયમાંથી લુઝ પનીરનો નમુનો લેવાયો હતો જે સબ સ્ટાન્ડર્ડ જાહેર થયો છે. જેની સામે હવે ફુડ એન્ડ સેફટી એકટ અંતર્ગત કામગીરી કરવામાં આવશે.
આજે નવરંગપરામાં ક્રિષ્ના આઈસ ફેકટરી, જિલ્લા પંચાયત ચોકમાં નાથ આઈસ ફેકટરી, મોચી બજારમાં ભાગ્યોદય આઈસ ફેકટરી, ડિલકસ ચોકમાં નૂતન સૌરાષ્ટ્ર આઈસ ફેકટરી, વાવડીમાં નવદુર્ગા આઈસ ફેકટરી, સોમનાથ એસ્ટેટમાં મહાદેવ આઈસ ફેકટરી, કોઠારીયા રોડ પર શિવમ એસ્ટેટમાં લાભ આઈસ ફેકટરી સહિત ૭ આઈસ ફેકટરીમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં તૈયાર બરફ પર ધુળ અને કચરો જણાતા ૮૪ કિલો અખાદ્ય બરફનો નાશ કરવામાં આવ્યો હતો. ઉત્પાદન સ્થળે સ્વચ્છતાનો અભાવ જણાતા ભાગ્યોદય આઈસ ફેકટરીને નોટીસ ફટકારવામાં આવી છે.