મોરોકોમાં મહાવિનાશ !!!
3 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત : ભૂકંપનું કેન્દ્ર મરાકેશથી 72 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં હતું
મોરોક્કોમાં શુક્રવારે મોડી રાત્રે આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક 2000ને વટાવી ગયો છે. ભૂકંપને કારણે મોરોક્કોમાં ભારે નુકસાન થયું છે. યુએસ જિયોલોજિકલ સર્વેના રિપોર્ટ અનુસાર મોરોક્કોમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર મરાકેશથી 72 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં હતું. મોરોક્કન સરકારે કહ્યું કે ભૂકંપમાં અત્યાર સુધીમાં 2200 લોકોના મોત થયા છે અને 2059 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 1404 લોકોની હાલત ગંભીર છે.
લોકોએ જણાવ્યું કે મોરોક્કન શહેરો કાસાબ્લાન્કા અને રબાતમાં પણ ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. એક વૃદ્ધ મહિલાએ જણાવ્યું કે તેઓ સૂતા હતા ત્યારે અચાનક તેમને દરવાજા ખખડવાનો અવાજ સંભળાયો. આ જોઈને તેઓ ડરી ગયા અને તરત જ ઘરની બહાર ભાગી ગયા. જણાવવામાં આવી રહ્યું છે કે ઉત્તર આફ્રિકન દેશ મોરોક્કોમાં છેલ્લા 120 વર્ષમાં આ સૌથી મજબૂત ભૂકંપ હતો. 3 લાખ લોકો આ ભૂકંપથી અસરગ્રસ્ત થયા છે. ભૂકંપના કારણે ટીનમેલ મસ્જિદ પણ ધરાસાઈ થઈ ગયું છે.
ભૂકંપનું કેન્દ્ર તારોદન્ટ રાજ્યના અલ હૌઝમાં હતું અને ત્યાં જ સૌથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ સિવાય ક્વારાઝેટ, ચિચોઆ, અજીલાલ અને યુસેફિયા પ્રાંત તેમજ મારકેશ અને અગાદીરમાં પણ લોકોએ જીવ ગુમાવ્યા છે. એક વ્યક્તિએ જણાવ્યું કે ભૂકંપ આવતાની સાથે જ અસહ્ય ચીસો પડવા લાગી. લોકો અહીં-તહીં દોડવા લાગ્યા અને નાસભાગ મચી ગઈ. વ્યક્તિએ કહ્યું કે લોકો હજુ પણ ડરી ગયા છે અને રસ્તાઓ પર સૂઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર ઘણા ફૂટેજ પણ વાયરલ થઈ રહ્યા છે, જેમાં લોકો અવ્યવસ્થિત રીતે અહીં-ત્યાં દોડતા જોવા મળે છે.
ભૂકંપ બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકો હજુ પણ આઘાતમાં છે. મોરોક્કન સરકારે કહ્યું કે સંસાધનો એકત્રિત કરવામાં આવ્યા છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં મદદ મોકલવામાં આવી છે. લોકોને રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે. સેનાએ ફિલ્ડ હોસ્પિટલ બનાવીને લોકોની સારવાર શરૂ કરી દીધી છે. ભૂકંપને કારણે મોરોક્કોમાં ભારે નુકસાન થયું છે પરંતુ હજુ તેનું આકલન કરવામાં આવી રહ્યું છે.