કચ્છની ગાયોના ભાંભરડા, ગૌભકતોને ટહેલ
કચ્છમાં પાણીના અભાવે હાલત કફોડી બનતા રાપર તાલુકાનાં માલધારીઓનો પશુધન સાથે રાજકોટની ભાગોળે પડાવ
હિજરત કરીને આવેલા માલધારીઓને દયાળુ શહેરમાં પણ મળી નિરાશા: ઘાસચારાના અભાવે કણસતી ગાયો
એક-એક દિવસ એક-એક વર્ષ જેવો: માલધારીની વેદના: તંત્ર અને ગૌભકતો તરફથી મદદની અપેક્ષા
૧૪ કરોડ દેવતાનો જેમા વાસ છે તેવી ગૌમાતાની હાલત દિન-પ્રતિદિન કફોડી બનતી જઈ રહી છે. આ વાતની પ્રતિતિ કરાવતી ઘટના લોકો સમક્ષ મુકવાનો પ્રયાસ ‘અબતક’ દ્વારા કરવામાં આવ્યો છે. રાજકોટની ભાગોળે કચ્છથી હિજરત કરીને આવેલા ૧૩૦ માલધારીઓએ ૨૨૦૦ ગાયો સાથે પડાવ નાખ્યો છે.
દયાળુ શહેર ગણાતા રાજકોટ પાસે સહાયની અપેક્ષા રાખીને મસમોટુ અંતર કાપીને આવેલા માલધારીઓને અહીં પણ નિરાશા જ મળી છે. હાલ આ ૨૨૦૦ ગાયોને માત્ર સમ ખાવા પુરતો જ ઘાસચારો મળે છે. આવા કપરા સમયે આ તમામ માલધારીઓ તંત્ર તેમજ ગૌભકતો પાસેથી સહાયની અપેક્ષા સેવી રહ્યા છે.આ વર્ષે કચ્છમાં ખુબ ઓછો વરસાદ રહેતા પાણીની અછત સર્જાઈ છે. પાણીની અછતના કારણે ઘાસચારાનો પણ અભાવ છે ત્યારે પોતાના પશુધનને બચાવવા કચ્છ જિલ્લાનાં રાપર તાલુકાનાં સાતથી આઠ ગામોનાં માલધારીઓએ હિજરત કરી છે. હિજરત કરીને તેઓ દયાળુઓનાં શહેર ગણાતા એવા રાજકોટનાં ભાગોળે ખંઢેરી ગામ પાસે પડાવ નાખ્યો છે. એક મહિના સતત પગપાળા ચાલીને તેઓ અહીં રાજકોટ પહોંચ્યા હતા. છેલ્લા દોઢ માસથી તેઓ રાજકોટની ભાગોળે પડાવ નાખીને સ્થાયી થયા છે. એક દાતા તરફથી તેઓને ગાયોને રાખવા માટે જમીન તો મળી ગઈ છે. ઉપરાંત પાણીની પણ કામચલાઉ વ્યવસ્થા થઈ છે પરંતુ હાલ સમસ્યા ઘાસચારાની ઉદભવી છે. ૨૨૦૦ ગાયોને દરરોજ સમખાવા પુરતો જ ઘાસચારો મળે છે. ૨૨૦૦ ગાયો પૈકી ૨૫૦ જેટલી દુજણી ગાયો છે. આ ગાયોનું દરરોજનું ૧૫૦ લીટર જેટલુ દુધ વહેચીને માલધારીઓ પોતાના માટે અનાજ તેમજ ગાયો માટે ઘાસચારો ખરીદે છે. નાણાના અભાવે તેઓ પુરતી માત્રામાં ઘાસચારો ખરીદી શકતા ન હોવાથી હાલ આ ગાયો ભુખથી કણસી રહી છે.માલધારીઓના જણાવ્યા મુજબ કચ્છ ખાતે ઘાસચારાના અભાવે તેઓની અનેક ગાયો ભુખનાં કારણે મોતને ભેટી છે. ત્યારે ગાયોને બચાવવા માટે તેઓએ હિજરતનો વિકલ્પ પસંદ કર્યો હતો. પરંતુ અહીં આવીને પણ કચ્છ જેવી જ પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે. હાલ ગાયોને સમખાવા પુરતો જ ઘાસચારો તેઓ આપી શકે છે જો તંત્ર કે ગૌભકતો અથવા તો સંસ્થાઓ તરફથી કોઈ મદદ નહીં મળે તો ગૌમાતાઓ ભુખના કારણે મોતને ભેટશે.અત્રે ઉલ્લેખનીય છે કે હિન્દુ ધર્મમાં ગાયને માતા તરીકે પુજવામાં આવે છે. ૧૪ કરોડ દેવતાઓ ગાયનાં શરીરમાં વસે છે. તેમ છતાં પણ આ જ ગૌમાતાની પરિસ્થિતિ હાલ દયાજનક બની છે. આ પરિસ્થિતિનાં નિર્માણમાં તંત્રની તેમજ ગૌભકતોની ઈચ્છા શકિતનો અભાવ કારણભૂત હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. દરેક પ્રકારનાં સેવાકાર્યોમાં રાજકોટ અગ્રેસર હોય છે દરેક તહેવારોની ઉજવણીમાં પણ સેવાકાર્યોની વણઝાર અહીં થતી રહેતી હોય છે ત્યારે રાજકોટની ભાગોળે કચ્છની ૨૨૦૦ ગાયો ભાંભરડા નાખી રહી છે તે ગૌભકતોના કામે હજુ કેમ પડયા નથી ? આ તમામ માલધારીઓ માત્રને માત્ર ગૌમાતાને બચાવવાના આશયથી રાજકોટ અપેક્ષાની આશા સાથે આવ્યા છે ત્યારે રાજકોટની સામાજીક સંસ્થાઓની પણ જવાબદારી બને છે કે રાજકોટનાં આંગણે આવેલા ગૌધનને કોઈપણ જાતની અગવડતા ન પડે તેની તકેદારી રાખે.
અનામત રાખેલી જગ્યામાં ઉગેલા ઘાસનો હિસાબ કયાં ?: સો મણનો સવાલ
પશુપાલનને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા અનેક સરાહનીય નિર્ણયો લેવામાં આવ્યા છે પરંતુ કમનસીબી એ છે કે આ નિર્ણયોની અમલવારી તંત્ર દ્વારા બરાબર રીતે થતી નથી. છેલ્લા વર્ષમાં ઘાસચારા માટે અનામત રાખેલી જગ્યામાં ૧,૨૩,૦૦૦ કિલો ઘાસચારો ઉગ્યો હોવાનું વન વિભાગે જાહેર કર્યું છે ત્યારે વનવિભાગની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉદભવે છે. વધુમાં આ ઘાસચારાનો કોઈ હિસાબ વનવિભાગ પાસે નથી.
આ બાબતે પ્રશ્નોતરી કરવા માટે વન અધિકારી ભાલોડીનો ‘અબતક’ની ટીમ છેલ્લા એક અઠવાડીયાથી સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ તેઓને આ બાબતે વાતચીત કરવામાં કોઈ રસ નથી. ગૌમાતા તેમજ અન્ય પશુઓની હાલત હાલ દયનીય બની છે.
તેના માટે વનવિભાગની શંકાસ્પદ કામગીરી પણ કારણભૂત છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, રાજકોટ જીલ્લામાં ૧૩ હજાર હેકટર જમીન ઘાસચારા માટે રીઝર્વ રાખવામાં આવી છે. જાણકારોના મતે આટલી વિશાળ જમીન પર થતા ઘાસચારાથી જીલ્લાનું એક પણ પશુ ભુખ્યુ ન રહે.