શહેરના ત્રણેય ઝોનમાં પ્લાસ્ટીક અંગે કડક ચેકિંગ: રૂ.૧.૦૫ લાખનો દંડ વસુલ કરાયો
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં તમામ પ્રકારના પ્લાસ્ટીકના ઉપયોગ, વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. દરમિયાન આજે સોલીડ વેસ્ટ શાખા દ્વારા ત્રણેય ઝોનમાં પ્લાસ્ટીક અંગે કડક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં૨૫૦ કિલો પ્લાસ્ટીકના ઝબલા જપ્ત કરાયા હતા. ૧૦૬ વેપારીઓ પાસેથી ‚ા.૧.૦૫ લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
વેસ્ટ ઝોન કચેરીની સોલીડ વેસ્ટ શાખાની મોબાઈલ ચેકીંગ સ્કવોર્ડ દ્વારા આજે ચંદ્રપાર્ક મેઈન રોડ, મવડી રોડ, યુનિવર્સિટી રોડ, બ્રહ્મકુંજ મેઈન રોડ, કાલાવડ રોડ, અમીન માર્ગ, લાખના બંગલા રોડ, સાધુ વાસવાણી રોડ, પુષ્કરધામ મેઈન રોડ સહિતના રાજમાર્ગો પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૮૦ વેપારીઓ પાસેથી પ્લાસ્ટીકની બેગ રાખવા સબબ ‚ા.૨૩,૫૦૦નો દંડ વસુલ કરી ૧૪ કિલો પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જયારે ઈસ્ટ ઝોન કચેરીની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા પ્લાસ્ટીકના હોલસેલ વેપારીઓ અને દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સંતકબીર રોડ પર નટરાજ એજન્સી અને ઉમંગ એજન્સીમાંથી મોટી માત્રામાં પાનમાં વપરાતા પ્લાસ્ટીકના જથ્થાનો જપ્ત કરી દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આ બંને સ્થળેથી ૧૪૬ કિલો પાન પીસ પ્લાસ્ટીક જપ્ત કરી ‚ા.૨૫,૪૫૦નો દંડ વસુલ કરાયો હતો.
જયારે સેન્ટ્રલ ઝોનમાં અલગ-અલગ વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૨૪ પેઢી અને આસામીઓ પાસેથી ૬૦ કિલો પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરી ‚ા.૫૫,૨૦૦નો દંડ વસુલ કરાયો હતો.