બુધવારે મોડી રાત્રે અમેરિકાના લેવિસ્ટનમાં અંધાધુંધ ફાયરિંગની ઘટના સામે આવી છે. આ ફાયરિંગમાં અત્યાર સુધીમાં 22 લોકોના મોત થયા છે. આ ઘટના બાદ રાજ્યમાં અરાજકતાનો માહોલ છે.
ન્યૂઝ એજન્સી એપીના જણાવ્યા અનુસાર બે કાયદા અમલીકરણ અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં ડઝનેક લોકો ઘાયલ થયા છે. લેવિસ્ટન પોલીસે અગાઉની ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે એક શૂટર 4 માઇલ દૂર બોલિંગ એલી, સ્કેમેન્જના બાર અને સ્પેરટાઇમ રિક્રિએશનમાં લોકો પર અંધાધુંધ ગોળીબાર કરી રહ્યો હતો.
ઘટનામાં ડઝનેક લોકો ઈજાગ્રસ્ત : હુમલાખોરનો ફોટો જાહેર કરાયો
એન્ડ્રોસ્કોગિન કાઉન્ટી શેરિફ ઓફિસે તેના ફેસબુક પેજ પર શંકાસ્પદ વ્યક્તિના બે ફોટા પ્રકાશિત કર્યા છે, જેમાં એક બંદૂકધારી તેના ખભા પર હથિયાર રાખી ફાયરિંગ કરી રહ્યો છે.
અમેરિકન પોલીસના જણાવ્યા અનુસાર ગોળીબાર કરનાર વ્યક્તિ માનસિક રીતે બીમાર છે અને તે શૂટિંગની ટ્રેનિંગ આપતો હતો. ગોળીબાર કરનારનું નામ રોબર્ટ કાર્ડ છે. ઉલ્લેખનીય છે કે આ ઘટનાની માહિતી રાષ્ટ્રપતિ જો બિડેનને આપવામાં આવી છે.
મળતી માહિતી મુજબ ઘાયલોને હોસ્પિટલ લઈ જવા માટે દરેક પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. લિજેન્ડ્સ સ્પોર્ટ્સ બાર એન્ડ ગ્રીલના માલિક મેલિન્ડા સ્મોલએ જણાવ્યું હતું કે જ્યારે એક ગ્રાહકે શૂટિંગ વિશે સાંભળ્યું ત્યારે કર્મચારીઓએ તરત જ તેમના દરવાજા બંધ કરી દીધા અને તમામ 25 ગ્રાહકો અને કર્મચારીઓને દરવાજાથી દૂર કરી દીધા હતા.