મુંબઈના પરેલમાં આવેલા એલફિન્સ્ટન રેલવે બ્રિજ પર સવારે 10.30 કલાકે અફવાના કારણે ભાગદોડ મચી હતી. જેમાં 22 લોકોનાં મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. મૃતકોમાં 18 પુરુષો અને 4 મહિલાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 30થી વધુ લોકો ઘાયલ થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ
ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. રાજ્ય સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા સહાયની જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત ઘાયલોની સારવારનો ખર્ચ પણ રાજ્ય સરકાર ઉપાડશે. રેલવે મંત્રી પીયૂષ ગોયલે પણ દુર્ઘટનામાં ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા છે.
મુંબઈના પરેલમાં સબઅર્બન રેલવે સ્ટેશન એલફિન્સ્ટન પર બનેલી દુર્ઘટનાને લઈ વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, દુર્ઘટનામાં ભોગ બનનારા લોકો પ્રત્યે ઊંડો આઘાત વ્યક્ત કરું છું. ઘાયલો જલદી સાજા થાય તેવી ભગવાનને પ્રાર્થના. મુંબઈમાં બનેલી ઘટનાનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. પીયૂષ ગોયલ મુંબઈમાં છે અને પરિસ્થિતિ પર દેખરેખ રાખી રહ્યા છે અને શક્ય તમામ મદદની ખાતરી આપી છે. પીએમ મોદી ઉપરાંત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.
દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને KEM હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. જ્યાં લોહીની અછત સર્જાઈ હતી. B- અને AB- બ્લડ ગ્રુપની તાકિદે જરૂરિયાત ઉભી થતાં લોકોએ સોશિયલ મીડિયા પર અંગે જાણ કરી હતી. જે બાદ મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરવા હોસ્પિટલ પર ઉમટી પડ્યા હતા.સૂત્રોના જણાવ્યા મુજબ, રજા હોવાના કારણે રેલવે બ્રિજ પર ભારે ભીડ હતી. તેવામાં કોઈકે બ્રિજ તૂટ્યો હોવાની અફવા ફેલાવતા ભાગદોડ મચતા દુર્ઘટના સર્જાઈ હતી.