ચોમાસાની સીઝનમાં બ્રિજમાં સતત પડતા પાણીનાં કારણે વાહનચાલકો સ્લીપ થઈ રહ્યા છે: બ્રિજમાં મસમોટા ગાબડા સાથે ભ્રષ્ટાચાર ખુલ્લો પડયો: મોટી દુર્ઘટનાની દહેશત
શહેરનાં વોર્ડ નં.૧૦માં મહાપાલિકા દ્વારા ૨૨ કરોડનાં ખર્ચે બનાવવામાં આવેલો અને ૧૦ વર્ષનાં લાંબા કામ કાજ બાદ વર્ષ ૨૦૧૫માં ખુલ્લો મુકવામાં આવેલો રેલનગર અંડરબ્રીજ લોકો માટે ચોમાસાની સીઝનમાં મહામુસીબત સમાન સાબિત થઈ રહ્યો છે. વગર વરસાદે બ્રિજમાં છુપતા પાણીનાં ધોધથી સેવાળ જામી જતો હોવાનાં કારણે દિવસ દરમિયાન અનેક વાહન ચાલકો સ્લીપ થઈ જાય છે. વાસ્તવમાં ભોયરા સમાન આ બ્રિજમાં બેફામ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનાં પુરાવા ખુદ બ્રિજમાં પડેલા તોતીંગ ગાબડાઓ રજુ કરી રહ્યા છે.
ભારે વરસાદ દરમિયાન રેલનગર બ્રિજ સ્વિમિંગપુલમાં ફેરવાઈ જતો હોય છે અને લોકો માટે બંધ કરી દેવામાં આવતો હોય છે. વરસાદ બંધ થયાનાં દિવસો સુધી બ્રિજમાં પાણીનાં બંબુડા ચાલુ જ રહે છે. જેનાં કારણે બેફામ સેવાળ જામી જાય છે અને વાહન ચાલકો રોજ સ્લીપ થાય છે અને ઈજાગ્રસ્ત બને છે. બ્રિજમાં એવા મહાકાય ગાબડા પડી ગયા છે કે, અંદરનાં સળીયા બહાર નિકળી ગયા છે. બ્રિજનાં તળીયાથી લઈ છત સુધી એક પણ જગ્યા એવી નથી કે, જયાંથી પાણી નિકળતું ન હોય. ચોમાસાની સીઝનમાં ૪ માસ રેલનગર બ્રિજ શહેરીજનો માટે રંજાડ બ્રિજ બની જતો હોય છે. ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે ૨૨ કરોડનાં ખર્ચે બનાવેલો આ બ્રિજ લોકોની સુવિધા આપવાનાં બદલે દુવિધા આપી રહ્યો છે.
રાજકીય હુસાતુસી અને કોંગ્રેસને જશ ન મળે તે માટે બ્રિજ ૧૦ વર્ષ બાદ લોકો માટે ૨૦૧૫માં ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ૪ વર્ષમાં આ બ્રિજની હાલત બદથી બદતર થઈ ગઈ છે. ફરજીયાત ન હોય તેવા સંજોગોમાં આ બ્રિજમાંથી પસાર થવાનું વાહનચાલકો ટાળે છે. દર વર્ષે મહાપાલિકાનું નિર્ભર તંત્ર એવી બાંહેધરી આપે છે કે, આવતા વર્ષે ચોમાસાની સીઝનમાં રેલનગર બ્રિજમાં પાણી ભરાવવાની સમસ્યા નહીં સર્જાય પરંતુ આ બાંહેધરી ચોમાસું આવતાની સાથે જ ચોમાસામાં તણાય જાય છે અને લોકોની હાલાકી યથાવત રહે છે.