- રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજ જેલના કેદીઓ આપશે ધો. 10 અને 12 બોર્ડની પરીક્ષા
ગુન્હાખોરીના રવાડે ચડેલાને સુધરવાની તક આપવી જરુરી છે. ત્યારે ગુન્હાખોરીને ત્યજી સૌરાષ્ટ્ર-કચ્છની જેલમાં સજા કાપી રહેલા 22 જેટલાં બંદીવાનો શિક્ષિત થવાના માર્ગે ચડ્યા છે. સૌરાષ્ટ્રભરની જેલોમાં કાચા-પાકા કામના 22 કેદીઓ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા આપનાર છે.
રાજકોટ મધ્યસ્થ જેલ તંત્ર દ્વારા આપવામાં આવેલી વિગત અનુસાર રાજકોટ મધ્યસ્થ જેલના 6 પાકા કામના કેદીઓ અને 1 કાચા કામના કેદી મળી કુલ 7 કેદીઓ ધોરણ 10 બોર્ડની પરીક્ષા આપનાર છે. જયારે 4 પાકા કામના કેદીઓ અને 1 કાચા કામનો કેદી મળી કુલ 5 બંદીવાનો ધોરણ 12 બોર્ડની પરીક્ષા આપનાર છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્રની અન્ય જેલોની જો વાત કરવામાં આવે તો જામનગર જેલના 4 કેદીઓ ધોરણ 10 અને 2 કેદીઓ ધોરણ 12ની પરીક્ષા આપશે. ગાંધીધામની ગળપાદર જેલના 3 કેદીઓ ધોરણ 10ની પરીક્ષા આપશે જયારે ભુજની પાલારા જેલનો એક કેદી ધોરણ 10 બોર્ડની પરીક્ષા આપનાર છે.
હત્યા સહિતના ગુન્હામાં આજીવન કેદની સજા ભોગવતાં બંદીવાનો પણ આપશે બોર્ડની પરીક્ષા
રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરની જેલોમાંથી કાચા-પાકા કામના કેદીઓ બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છે ત્યારે આ બંદીવાનોમાં હત્યા સહિતના ગુન્હામાં આજીવન કેદની સજા કાપી રહેલા કેદીઓનો પણ સમાવેશ થાય છે. પાકા કામના કેદીઓમાં હત્યા સહિતના ગંભીર ગુન્હામાં સજા પામેલા કેદીઓનો સમાવેશ થાય છે.
પરીક્ષા માટે જેલ તંત્ર દ્વારા સીસીટીવીથી સજ્જ રૂમ તૈયાર કરાશે
સૌરાષ્ટ્ર-કચ્છની જેલોના બંદીવાનોની બોર્ડની પરીક્ષા માટેનું કેન્દ્ર રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે આપવામાં આવ્યુ છે. ત્યારે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સૌરાષ્ટ્રની વિવિધ જેલોમાંથી પરીક્ષાર્થી બંદીવાનોને પોલીસ જાપ્તામાં લાવવામાં આવશે. પરીક્ષા માટે જેલતંત્ર દ્વારા સીસીટીવીથી સજ્જ એક રૂમ તૈયાર કરવામાં આવશે જેમાં પરીક્ષા યોજાશે. પરીક્ષા માટે શિક્ષણ અધિકારીની કચેરીમાંથી દરરોજ સુપરવાઇઝર મોકલવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા વિભાગના વિદ્યાર્થીઓએ જેલ વિઝીટ કરી
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કાયદા વિભાગના વિદ્યાર્થીઓએ અભ્યાસના ભાગરૂપે રાજકોટ મધ્યસ્થ જેલની વિઝીટ કરી હતી. વિદ્યાર્થીઓએ જેલમાં કેદીઓને આપવામાં આવતી ફેસિલિટી, વાતાવરણ, વ્યવસ્થા સહિતની બાબતોનો અભ્યાસ કર્યો હતો. કુલ 30 જેટલાં વિદ્યાર્થીઓ અને કર્મચારીઓએ મધ્યસ્થ જેલની મુલાકાત સંદર્ભે અરજી કરેલ હતી જેની મંજૂરી મળતા જેલ વિઝીટ કરવામાં આવી હતી.