તમામ 8 વિધાનસભા બેઠકમાં 50 ટકા બૂથનું વેબકાસ્ટિંગ કરાશે, 8 આદર્શ બુથ, 8 ઈકો ફ્રેન્ડલી બુથ અને 2 યુવા મતદારો માટેના ખાસ બુથ હશે : ચૂંટણીની કામગીરી માટે 20 નોડલ અધિકારી નિમાયા
અબતક, રાજકોટ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ રાજકીય ગરમાવો આવી જવા પામેલ છે. તેની સાથોસાથ આ ચૂંટણી ન્યાયી અને નિષ્પક્ષ વાતાવરણમાં યોજાય તે માટે ચૂંટણીપંચ અને જિલ્લા વહિવટીતંત્ર સજજ થઈ ગયું છે. આ સંદર્ભે જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ માહિતી આપતા જણાવ્યુ હતું કે,રાજકોટ જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી માટે કુલ 25,000 જેટલા કર્મચારીઓ ફરજ બજાવશે. આ કર્મચારીઓ ચૂંટણીપંચના હવાલે કરી દેવામાં આવેલ છે.
રાજકોટ જીલ્લાના નોંધાયેલાં મતદારો અંગે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ જણાવ્યુ હતું કે, કુલ 23,05,601 મતદારો છે. જેમાંથી 34 ટ્રાન્સજેન્ડર મતદારો છે. વિધાનસભા બેઠક આધારિત મતદારોની સંખ્યાની જો વાત કરવામાં આવે તો રાજકોટ પૂર્વ – 68 બેઠકમાં કુલ 4,51,098 મતદારો, રાજકોટ પશ્ચિમ – 69 બેઠકમાં 5,03,664 મતદારો છે,રાજકોટ દક્ષિણ – 70 બેઠકમાં 4,41,914 મતદારો અને રાજકોટ ગ્રામ્ય – 71 બેઠકમાં 5,02,586 મતદારો છે.
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીની સાપેક્ષે 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારીના ખર્ચની મર્યાદા વધારીને રૂા. 40 લાખની કરવામાં આવી છે. ગત ચૂંટણીની સાપેક્ષમાં આ વખતે ઉમેદવારો વધુ 12 લાખનો ચૂંટણી ખર્ચ કરી શકશે અહીં ઉલ્લેખનીય છે કે, વિધાનસભાના લોક્સભાની ચૂંટણીમાં ઉમેદારો દ્વારા જાહેર સભા, જમણવાર, તાવા-પાર્ટી સહિતના માટે ખર્ચ કરવામાં આવે છે. આ અંગે ચૂંટણીપંચ દ્વારા કેટલો ખર્ચ કરવો તેની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. વર્ષ-2017ની વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોના ચૂંટણી ખર્ચની મર્યાદા 28 લાખની રાખવામાં આવી હતી. ત્યાર બાદ પેટા ચૂંટણીઓમાં ખર્ચની મર્યાદા વધારીને 30.8 લાખની કરવામાં આવી હતી. જે બાદ હવે આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોના ખર્ચની મર્યાદા વધારીને રૂા. 40 લાખની કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડેએ ચૂંટણી સંદર્ભે જણાવ્યું હતું કે, રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 22 ચેકપોસ્ટ ચાલુ કરી દેવામાં આવી છે. જેમાંથી 3 પેરામિલ્ટ્રી કંપની રાજકોટ ગ્રામ્યમાં ફાળવવામાં આવી છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં કુલ 1448 બુથ સમાવેશ થાય છે જેમાંથી 382 સંવેદનશીલ બુથ સમાવેશ થાય છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 1275 પરવાનાવાળા હથિયાર ધારકો છે. તમામ લોકોએ હથિયાર જમા કરાવવા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ, એસઆરપી, હોમગાર્ડ સહીત 2500 જેટલા લોકોનો બંદોબસ્ત રહેશે.
વિધાનસભા ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું કે, રાજકોટ શહેર પોલીસ દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવશે. રાજકોટ શહેરના 805 બુથ ઉપર પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવશે. મોબાઇલ પેટ્રોલિંગ પણ સતત વિસ્તારમાં કરવામાં આવશે. સીસીટીવી કેમેરા મારફત પણ દેખરેખ કરવામાં આવશે. ફેક સમાચાર ઉપર ખાસ દેખરેખ સાયબરક્રાઇમ એસીપી દેખરેખ રાખશે. અત્યાર સુધી 457 પરવાનાવાળા હથિયાર જમા કરાવવામાં આવ્યા છે. તમામ પરવાના વાળા હથિયાર જમા કરાવવા માટે આજે જાહેરનામું પોલીસ કમિશનર દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. રાજકોટમાં કુલ 3300 જેટલા પરવાના વાળા હથિયાર આપવામાં આવ્યા છે.
રાજ્યમાં ચૂંટણીની જાહેરાત થયા બાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અરૂણ મહેશ બાબુએ આદર્શ આચારસંહિતા અને ચૂંટણીના આયોજનને લઈને વિગતો જાહેર કરી હતી જેમાં તેમણે જિલ્લાની તમામ 8 વિધાનસભા બેઠકમાં 50 ટકા બૂથનું વેબકાસ્ટિંગ કરવા નિર્ણય લેવાયો છે. મતદાન મથકો વિશે તેમણે જણાવ્યું હતું કે, દરેક વિધાનસભા બેઠક દીઠ એક એવા 8 આદર્શ મતદાન મથક બનાવાશે. આ સિવાય 8 ઈકો ફ્રેન્ડલી મતદાન મથક હશે. આ સિવાય બે બૂથ એવા હશે જેમાં યુવા મતદારોને આકર્ષવા માટે તમામ યુવા અધિકારીઓ અને કર્મચારીઓ નિમાશે જેઓ પોતે પણ પહેલી વખત મતદાન કરતા હશે.
આ સિવાય દરેક વિધાનસભા બેઠક મુજબ 7-7 સખી બૂથ કે જેમાં પોલિંગ અધિકારીઓથી માંડીને સુરક્ષા વ્યવસ્થા તમામ મહિલા કર્મચારીઓ જ સંભાળશે. ચૂંટણીની કામગીરી માટે 20 નોડલ અધિકારી નિમાયા છે જેમાં આચારસંહિતા મામલાના નોડલ અધિકારી અધિક નિવાસી કલેક્ટર હશે. આ સિવાય સી વીજીલ એપ પણ સક્રિય કરાઈ છે જેમાં મતદારો આચારસંહિતા ભંગ કે પછી ચૂંટણીને લગતી ફરિયાદ કરી શકશે. આ માટે મનપા વિસ્તાર માટે નાયબ મ્યુનિસિપલ કમિશનર જ્યારે અન્ય વિસ્તારો માટે અધિક કલેક્ટરની રહેશે.
ચૂંટણી જાહેર થતાં જ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. હવે મનપાના પદાધિકારીઓની કાર જમા લઈ લેવામાં આવી છે. તેમજ ચેમ્બર સહિતની અન્ય સુવિધાનો ઉપયોગ નહિ કરી શકે. આ સિવાય સવા મહિનો હવે નવા કામને બ્રેક લાગશે. આ સિવાય જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું.
જેમાં હથિયાર પરવાનેદારોએ પરવાના હેઠળના હથિયારો જમા કરાવવાના રહેશે. સરકારી, અર્ધસરકારી, આરામગૃહો, વિશ્રામગૃહ, સરકારી રહેણાકોની સાથે જોડાયેલા આંગણ, કમ્પાઉન્ડ સહિત કોઈ રાજકીય પક્ષના હોદ્દેદારો, ચૂંટણી લડતા ઉમેદવારો, તેમના ચૂંટણી એજન્ટોએ રાજકીય હેતુસર કે ચૂંટણી પ્રસાર માટે તેનો ઉપયોગ કરી શકશે નહિ. ખાનગી-જાહેર મિલકતનો બગાડ કરી નહી શકે. સંબંધિત મદદનીશ ચૂંટણી અધિકારી પાસે વાહન રજિસ્ટ્રાર કરાવ્યા વિના ચૂંટણીના કામે વાપરી નહિ શકે તેમજ ખર્ચ ઉમેદવારે જાતે કરવાના રહેશે. સરઘસ નહિ કાઢવા, સભા નહીં ભરવા, સહિત કુલ 10 મુદ્દા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે.