રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહેશે: પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ
જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટયુશન્સ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા અને સુરક્ષા સેતુ સોસાયટીના સહયોગથી પુજારા યુથ ફીએસ્ટા-૨૦૧૮નું ૨૧ થી ૨૩ એપ્રિલ દરમ્યાન રેસકોર્ષ મેદાન ખાતે આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ ૨૦૫૦-એ વિઝનરી એકઝીબીશન થીમ આધારીત ૧૬ વિષયો પર ૨૦૦થી વધુ પ્રોજેકટસ પ્રદર્શિત થશે જેનું ઉદઘાટન સમારંભમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા હાજરી આપશે.
પત્રકાર પરિષદમાં વધુ વિગત આપતા જણાવ્યું હતું કે, આ વર્ષની થીમ રાજકોટ ૨૦૫૦ -એ વિઝનરી એકઝીબીશન રખાઈ છે. ભવિષ્યનું રાજકોટ કેવું હશે અથવા તો યુવા વિદ્યાર્થીઓની દ્રષ્ટિએ ૨૦૫૦ની સાલનું રાજકોટ કેવુ હોવું જોઈએ. આ પ્રદર્શનમાં દેશની સર્વોચ્ચ સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન-ઈશરો પણ ખાસ તેમના પ્રોજેકટસ રજુ કરશે અને તથા.૨૧ના નેવીક (ઈન્ડિયન રીજીયોનલ નેવીગેશન સિસ્ટમ) વિષયક સેમીનાર પણ કરશે. આ ઉપરાંત રાજકોટ કલેકટર ઓફીસ દ્વારા રેસકોર્ષ-૨, નવું એરપોર્ટ અને ઈશ્ર્વરીયા પાર્ક ખાતે સાયન્સ સીટી જેવા પ્રોજેકટસ રજુ થશે. જયારે રાજકોટ પોલીસ દ્વારા આઈ-વે, હેમ અને સાઈબર સીકયુરીટી પરના પ્રોજેકટસ રજુ કરાશે. સ્માર્ટ સીટી દ્વારા પણ વિવિધ કયુચરીસ્ટીક પ્રોજેકટસ રજુ થનાર છે. તેમજ આ એકઝીબીશનમાં ઈન્ડસ્ટ્રીઝ દ્વારા પણ ભવિષ્યના રાજકોટને લઈને પ્રોજેકટસ રજુ કરાશે જેમાં અરમાનીયા કંપની તેમના પ્રોજેકટસ રજુ કરશે.
આ પ્રદર્શન રેસકોર્ષ ખાતે ૧૫ લાખ સ્કવેર ફુટ એરીયામાં યોજાશે અને આયોજકોના અંદાજ મુજબ ત્રણ લાખથી વધુ લોકો આ પ્રદર્શન નિહાળશે. જેમાં શહેરની આસપાસના વિસ્તારોની શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ તેમજ શહેરીજનો આ પ્રદર્શનનો લાભ લેશે તેવી ધારણા છે. એકઝીબીશનના એન્ટ્ન્સ પર હ્યુમન સાઈઝ રોબોટ આવનાર મુલાકાતીઓનું સ્વાગત કરતો જોવા મળશે. આ પ્રદર્શન નિહાળ્યા પછી લોકો ચોકકસ પણે પર્યાવરણ બચાવો, પાણી બચાવો અને વિજળી બચાવો જેવા સંદેશ લઈને જશે. આ પ્રદર્શનીના અન્ય આકર્ષણોમાં કિવઝ, પ્રેઝન્ટેશન, ડ્રોઈંગ જેવી પ્રતિયોગીતાઓ આવનાર મુલાકાતીઓની ઉંમરને ધ્યાનમાં રાખી યોજાશે. તા.૨૨ના પુજારા ટેલીકોમના એમ.ડી. યોગેશભાઈ પુજારાનું એકસપર્ટ સેશન-કેવી રીતે સફળ એન્ટ્રોપ્રીન્યોર બની શકાય વિષય પર તથા તા.૨૩ના હોલીવુડના એવોર્ડ વિનિંગ ફિલ્મ ડિરેકટર અને એરીસ ગ્રુપ ઓફ કંપનીસના સીઈઓ, સોહન રોય દ્વારા રોબોટીકસ વિષય પર એકસપર્ટ સેશન યોજાશે.
આ બધા પ્રોજેકટસને ૧૬ વિવિધ વિષયો, જેમ કે ડિફેન્સ એજયુકેશન, ઈન્ફ્રાસ્ટ્રકચર, હેલ્થ અને હાઈજીન, સ્પોર્ટસ, કોમર્સ, કોમ્યુનિકેશન, ટ્રાન્સપોર્ટેશન, એગ્રીકલ્ચર, ટુરીઝમ, રોબોટીકસ, માસ મીડિયા, એન્ટરટેન્મેન્ટ, સ્પેસ સાયન્સ, એનવાયરમેન્ટ અને લાઈફ સાયન્સ એમ વિષયવાર પ્રોજેકટસ રજુ થશે. આ ઉપરાંત અહીં વિદ્યાર્થીઓએ એક ખાસ એરીયા બનાવ્યો છે જેમાં તેઓ એવા પ્રોજેકટસ રજુ કરશે જે ૨૦૫૦ની સાલમાં પણ બદલાવા ન જોઈએ. જેમાં મહાત્મા ગાંધીજીના સિદ્ધાંતો આધારીત પ્રોજેકટસ રજુ કરાશે. આ ઈવેન્ટનો ઉદઘાટન કાર્યક્રમ બીજા દિવસે ૨૨ એપ્રિલને સાંજે ૫:૦૦ કલાકે યોજાશે. જેમાં મુખ્ય ઉદઘાટક તરીકે રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા રહેશે. જયારે મુખ્ય મહેમાનોમાં રાજકોટના મેયર જૈમન ઉપાધ્યાય, જીટીયુના વાઈસ ચાન્સેલર નવીન શેઠ, ગુજરાત આયુર્વેદ યુનિ.ના વાઈસ ચાન્સેલર વૈદ્ય સંજીવ ઓઝા, સૌરાષ્ટ્ર યુનિ.ના વાઈસ ચાન્સેલર ડો.કમલસિંહ ડોડીયા, રાજકોટ કલેકટર ડો.રાહુલ ગુપ્તા, રાજકોટ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બી.એન.પાની ખાસ ઉપસ્થિત રહેશે.
આ પ્રસંગે યોજાયેલ પત્રકાર પરિષદમાં રાજકોટના મેયર ડો.જૈમન ઉપાધ્યાય, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર બી.એન.પાની, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, જીનિયસ ગ્રુપના ચેરમેન ડી.વી.મહેતા ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ઈવેન્ટના સફળ આયોજનમાં જીનિયસ ગ્રુપના ચેરમેન ડી.વી.મહેતા, ડિમ્પલબેન મહેતા, કિરણ શાહ, વિરાંગ ઓઝા, જય મહેતા, કાજલ શુકલ, શ્રીકાંત તન્ના, પ્રજ્ઞા દવે, વિપુલ ધનવા, દર્શન પરીખ, દ્રષ્ટિ ઓઝા, મનિન્દર કેશપ, બંસી ભુત અને હિના દોશીની ટીમ સાથે તમામ સંસ્થાઓના સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
આમંત્રણ પત્રીકામાં નામોમાં પ્રોટોકોલ ન જળવાતા કમલેશ મિરાણી લાલઘુમ
ચાલુ પત્રકાર પરિષદમાં મ્યુનિ.કમિશનરને ઠપકો આપતા ખળભળાટ
મહાપાલિકામાં આજે જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટયુશન્સ દ્વારા પુજારા યુથ ફિએસ્ટા-૨૦૧૮ અંગે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. યુથ ફિએસ્ટાના આમંત્રણ કાર્ડમાં નામોમાં પ્રોટોકોલ ન જળવાતા પદાધિકારીઓ અને અધિકારીઓ વચ્ચે ચકમક ઝરી હતી. સામાન્ય રીતે કોઈપણ કાર્યક્રમ મહાપાલિકાના સંયુકત ઉપક્રમે યોજાયો હોય ત્યારે નિમંત્રક તરીકે મ્યુનિસિપલ કમિશનરની સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું નામ લખવુ પડતુ હોય છે. યુથ ફીએસ્ટાના આમંત્રણ પત્રીકામાં નિમંત્રક તરીકે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલનું નામ લખવામાં આવ્યું ન હતું. તેઓનું નામ ચિફ ગેસ્ટની નામાવલીમાં હતું. આમંત્રણ પત્રિકા જોઈ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી ચોંકી ઉઠયા હતા. તેઓએ ચાલુ પત્રકાર પરિષદમાં મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીને આ બાબતે ઠપકો આપ્યો હતો. બીજી તરફ એક ખાનગી ઈવેન્ટ માટે મહાપાલિકામાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવતા ખુદ મેયર ડો.જૈમન ઉપાધ્યાય આશ્ર્ચર્યચકિત થઈ ગયા હતા અને તેઓ પણ મ્યુનિ.કમિશનરને ભવિષ્યમાં આવુ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવા તાકીદ કરી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com