મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રાજકોટના 344 ગામોને મળ્યો લાભ
બજેટ સત્ર 2023-24 દરમિયાન ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાની વિગતો રજૂ કરાઈ
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રાજકોટના 344 ગામોને લાભ મળ્યો છે. જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં રૂ. 345 કરોડના ખર્ચે 218 રસ્તાનાં કામો મંજૂર કરાયા છે.
રાજ્યના બજેટ સત્ર 2023-24 દરમિયાન ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાની કેટલીક મહત્વપૂર્ણ વિગતો રજૂ કરવામાં આવી હતી. આ વિગતોમાં દર્શાવ્યા અનુસાર રાજકોટ જિલ્લામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત તા. 31-12-2022ની સ્થિતિએ છેલ્લાં બે વર્ષમાં કુલ 218 રસ્તાના કામો મંજૂર કરવામાં આવ્યા છે. લગભગ 344 ગામને જોડતા આ 218 રસ્તાઓ માટે રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ. 345.46 કરોડની અંદાજિત રકમ મંજૂર કરવામાં આવી છે. જે પૈકી રૂ. 52.75 કરોડની રકમના 74 રસ્તાના કામ પૂર્ણ કરવામાં આવ્યો છે, જેનો 134 જેટલા ગામને લાભ મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2016-17થી રાજ્યમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ રાજ્યનાં તમામ ગામડાઓને અન્ય શહેરો અને ગામડાઓ સાથે કનેક્ટિવિટી મળી રહે તે માટે માર્ગ નિર્માણ કરવાનો છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ કાચા માર્ગને પાકા બનાવવા, રસ્તાને રીસરફેસિંગ કરવા તથા રસ્તાને પહોળા બનાવવા જેવાં કામો હાથ ધરી ગામડાના રસ્તાઓનું શહેરો સાથે જોડાણ કરવામાં આવે છે. જેથી ગામડાઓની આર્થિક અને સામાજિક પ્રગતિ પણ સુનિશ્ચિત કરી શકાય છે અને ગ્રામવિકાસ હાથ ધરી શકાય છે.