શ્રમિકોને મોરબીથી ટ્રેનમાં બેસાડી વતન રવાના કરાયા: સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભોજનની વ્યવસ્થા કરાઈ

મોરબીથી યુપી ,ઝારખંડ, બિહાર સહિતના હજારો કિમી દૂર પગપાળા ચાલીને નીકળેલા ૪૦૦ થી વધુ શ્રમિકો હળવદ પાસે ફસાઈ ગયા હતા અને અન્ય વાહન કે ટ્રેન ની વ્યવસ્થા ન હોવાથી આ શ્રમિકો છેલ્લા ચાર દિવસથી કફોડી હાલતમાં હતા.તેથી મીડિયામાં આ અંગે અહેવાલો પ્રસિદ્ધ થતા તંત્ર હરકતમાં આવ્યું હતું અને આજે તંત્રએ હળવદમાં ફસાયેલા ૪૧૩ શ્રમિકો માટે મોરબીથી ટ્રેનની વ્યવસ્થા કરીને તેમના વતન રવાના કર્યા છે.

લોકડાઉન-૩ માં મોરબી જિલ્લાના પરપ્રાંતિયોને સરકારે વતનમાં જવાની છૂટ તો આપી પણ સ્થાનિક તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા ન થતા આ શ્રમિકો જાતે જ પગપાળા વતન જવા મજબૂર બન્યા હતા.ખાસ કરીને મોરબીમાં રહેતા બિન સીરામીકના  પરપ્રાંતીયો યોગ્ય વ્યવસ્થાના અભાવે મુશ્કેલીમાં મુકાયા હતા આથી વતન જવા અધિરા બનેલા આવા શ્રમિકો બાળકો ,મહિલા સહિતના પરિવારો સાથે છેલ્લા કેટલાક દિવસોથી ચાલીને વતન જવા નીકળી પડ્યા હતા.જેમાં મોરબીથી ૪૦૦થી વધુ શ્રમિકો વતન જવા ચાલીને હળવદ પહોંચ્યા બાદ ત્યાં ફસાઈ ગયા હતા.જોકે સામાજિક સંસ્થાઓ આવા લોકોની વહારે આવી હતી અને શ્રમિકો માટે ખાવા પીવાની વ્યવસ્થા કરી હતી.વતન જવા માટે અન્ય વાહન કે ટ્રેનની વ્યવસ્થા ન થતા છેલ્લા કેટલાક દિવસોથી અધવચ્ચે ફસાયેલા શ્રમિકોની વેદનાને સ્થાનિક મીડિયાએ ખરા અર્થમાં જાગૃત પ્રહરીની ફરજ નીભાવીને તંત્ર સુધી પહોંચાડી હતી અને શ્રમિકોની વેદના મીડિયામાં સવિસ્તાર પ્રસિદ્ધ થતા આખરે તંત્ર હરકતમાં આવ્યું હતું.

હળવદમાં ફસાયેલા ૪૦૦ થી વધુ શ્રમિકોને વતન પહોંચાડવામાં માટે તંત્રએ ટ્રેનની વ્યવસ્થા કરી છે.જેમાં હળવદના આસી. કલેકટર ગંગાસિંહ ,મામલતદાર વી.કે.સોલંકી સહિતના અધિકારીઓએ હળવદમાં ફસાયેલા કુલ ૪૧૩ શ્રમિકોને વતન પહોંચાડવાના સઘન પ્રયાસો હાથ ધર્યા હતા.જેમાં હળવદથી આ તમામ શ્રમિકોને સલામતી પૂર્વક મોરબીના રેલવે સ્ટેશને લાવવામાં આવ્યા હતા.અને તમામ શ્રમિકોનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.બાદમાં મોરબીથી ઉત્તરપ્રદેશ માં કાનપુર જતી ટ્રેનમાં બેસાડી દેવામાં આવ્યા હતા અને આ રીતે તંત્ર દ્વારા ૪૧૩ શ્રમિકોને ટ્રેનમાં બેસાડીને તેમના વતન રવાના કરી દેવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.