કર્મચારીઓની સર્તકતાના કારણે દુઘર્ટના ટળી હતી
અબતક,રાજકોટ
રાજકોટ ડિવિઝનના 21 કર્મચારીઓને રેલવે સેફ્ટીમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમાંથી 3 રેલવે કર્મચારીઓને વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર આલોક કંસલ દ્વારા વર્ચ્યુઅલ રીતે સન્માનિત કરવામાં આવ્યા હતા અને અન્ય 18 કર્મચારીઓને રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર અનિલ કુમાર જૈન દ્વારા વ્યક્તિગત રીતે “મેન ઓફ ધ મંથ” એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફે માહિતી આપી હતી કે આ કર્મચારીઓને ઑક્ટોબર થી ડિસેમ્બર, 2021ના સમયગાળા દરમિયાન ટ્રેનની કામગીરીમાં સલામતી સુનિશ્ચિત કરવા અને કોઈપણ અપ્રિય ઘટનાને રોકવામાં તેમના નોંધપાત્ર યોગદાન અને ફરજમાં તકેદારી રાખવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું.
જીએમ એવોર્ડથી સન્માનિત 3 રેલવે કર્મચારી સૌરભ ભારદ્વાજ તેમના સ્ટેશન પરથી પસાર થતી ગૂડ્સ ટ્રેનના વેગનમાં હોટ એક્સલ જોયા બાદ ટ્રેન રોકી હતી. અશ્વિની કુમારએ ખોરાના-કણકોટ વચ્ચે પેટ્રોલિંગ દરમિયાન વેલ્ડ ફ્રેક્ચર જોયું અને તરત જ તે ટ્રેક પર જતી માલગાડીને રોકી હરજીભાઈએ પણ લાખાબાવળ-પીપલી વચ્ચે પેટ્રોલિંગ દરમિયાન વેલ્ડ ફ્રેક્ચરની જાણ થતાં તરત જ તેમના અધિકારીને જાણ કરી હતી.
ડીઆરએમ એવોર્ડથી સન્માનિત 18 રેલવે કર્મચારીઓમાં મનદીપ અને સત્ય સાગર સી. બારડ, રાજેશ એસ અને હરીશ ચંદ તેમની ફરજ દરમિયાન માલગાડીમાં લટકતો ભાગ જોયા બાદ તેમણે તાત્કાલિક યોગ્ય પગલાં લીધા હતા. બિપિન પ્રસાદને ગૂડ્સ ટ્રેનના એક વેગનમાં સ્પ્રિંગ ગુમ થયેલ જોવા મળ્યું હતું. રમાકાંત અને રાકેશ ઝા એ માલગાડીમાં સ્પાર્કિંગ જોયો હતો. વિવેક વાઘેલાએ માલગાડીનો વેગનનો દરવાજો તૂટેલો જોયો હતો. બી.વી. મહાવર અને જિતેન્દ્ર કુમાર એ માલગાડીના કોચમાંથી ધુમાડો નીકળતો જોયો. સંજય એ અને નરેશ સૈની એ એન્જિનિયરિંગ વિભાગના કર્મચારીઓને રેલવે ટ્રેક પર કામ કરતા જોઈને તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવીને ટ્રેન ઉભી રાખી હતી. આલોક શર્માએ બ્રેક વાનમાં તૂટેલા બ્રેક સિલિન્ડર લીવર બ્રેકેટ જોયા હતા. ઘનશ્યામ મીણા અને મુકેશ પાંડે એ ગૂડ્સ ટ્રેનના એક વેગનમાંથી વેગન ભરેલા પ્રવાહીના જંગી જથ્થાના લીકેજની નોંધ લીધી અને દીપક દવે એ ખંડેરી સ્ટેશન પર થ્રુ સિગ્નલ હોવા છતાં, સાવચેતી સૂચક બોર્ડ જોઈને તેણે ઈમરજન્સી બ્રેક લગાવીને ટ્રેન રોકી દીધી હતી.
રેલવે તંત્રને પુરસ્કાર પ્રાપ્ત કરનાર તમામ રેલ કર્મચારીઓ પર ગર્વ છે, જેમણે તેમની ત્વરિત કાર્યવાહી અને સતર્કતાથી કોઈપણ અપ્રિય ઘટનાની સંભાવનાને ટાળવામાં મદદ કરી. આ પ્રસંગે રાજકોટ ડિવિજનના સિનિયર ડિવિઝનલ સેફ્ટી ઓફિસર એન.આર.મીના, સિનિયર ડિવિઝનલ ઓપરેશન મેનેજર આર.સી.મીણા, સિનિયર ડિવિઝનલ એન્જિનિયર (સંકલન) રાજકુમાર એસ અને આસિસ્ટન્ટ ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર નિખિલ ગુપ્તા પણ ઉપસ્થિત રહ્યા હતા.