૩૦ કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત: રૂા.૭૫૧૫૦નો દંડ વસુલાયો: દુકાન પાસે ગંદકી જોવા મળતા કોર્પોરેશને દુકાનદારો પાસે સાવરણા ઉપડાવી કરાવી સફાઈ
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જુદીજુદી ટીમો દ્વારા સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવા અંગેના પ્રયાસો પુરજોશમાં ચાલી રહેલ છે, શહેરના ત્રણેય ઝોનમાં મહાનગરપાલિકાની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે, દરેક ટીમ દ્વારા જે લોકો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા હોય કે જાહેરમાં ન્યુસન્સ કરતા હોય તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જરૂરી જણાયે વહીવટી ચાર્જ પણ વસુલ કરવામાં આવી રહ્યો છે, શહેરને પ્લાસ્ટિક મુકત બનાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા જરૂરી દરેક પગલા લેવા તૈયાર છે, તમામ ટીમો દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકની ઉપયોગ ન કરવા તેમજ દરેક આસામી બે-બે ડસ્ટબીન રાખી સુકો કચરો અને ભીનો કચરો અલગ અલગ રાખે તે અંગે જાગૃતતા માહિતી પણ આપવામાં આવે છે, આજે ત્રણેય ઝોનના જુદાજુદા વિસ્તારોમાંથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા સીંગલ યુઝ પ્લાસ્ટીક વેચાણ કરતા કુલ ૨૦૮ આસામીઓ પાસેથી કુલ ૩૦.૩ કી.ગ્રા. પ્લાસ્ટિક અને રૂ. ૭૫,૧૫૦/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.
મધ્ય ઝોનના જુદાજુદા વિસ્તારમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા કુલ ૬૯ આસામીઓ પાસેથી ૧૫.૫ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક અને સીંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરેલ તથા રૂ/- ૨૦,૧૫૦/- વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ છે.
પુર્વ ઝોનના કોમર્શીયલ વિસ્તારોમાં આજરોજ તા. ૦૫-૦૩-૨૦૨૦ ના રોજ પુર્વ ઝોનની તમામ ટીમ દ્વારા મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે સિંગલ યુઝ પ્લાસ્ટક્ષક તથા પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા જુદાજુદા ૪૫ આસામીઓ પાસેથી ૩.૫ કી.ગ્રા. પ્લાસ્ટિક તેમજ રૂ. ૨૭,૯૫૦/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
વેસ્ટ ઝોનના જુદાજુદા વિસ્તારના કુલ ૯૪ આસામીઓ પાસેથી ૧૧.૩ કિગ્રા પ્રતિબંધિત પ્લાસ્ટિક તથા રૂ/- ૨૭,૦૫૦- વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ છે.
વેસ્ટ ઝોનની જે.ઈ.ટી. ટીમ દ્વારા કાલાવડ રોડ, રૈયા રોડ અને બીઆરટીએસ રોડ પરથી જરૂરી દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત ચા તેમજ પાનની દુકાન ધારકોને પ્રતિબંધિત પ્લાસ્ટિક ઉપયોગ ન કરવા તેમજ સુકો અને ભીનો કચરો અલગ રાખવા અંગે માહિતી આપવામાં આવી હતી, તેમજ જે ચા અને પાનની દુકાન ધારકોની દુકાનો સામે ગંદકી જોવા મળેલ તે તમામ દુકાન ધારકોને જાતે સાવરણો લઇ સફાઈ કરાવી હતી.