વૈશ્વિક મંદીની સ્થિતિ વચ્ચે પણ ભારત અને ચીન સૌથી ઝડપી ગતિએ વિકાસ કરશે, વૈશ્વિક વિકાસમાં માત્ર આ બન્ને દેશોનો જ અડધો હિસ્સો હશે : આઈએમએફ
વર્ષ 2023 ભારત અને ચીનનું રહેવાનું છે. કારણકે વૈશ્વિક મંદીની સ્થિતિ વચ્ચે પણ ભારત અને ચીન સૌથી ઝડપી ગતિએ વિકાસ કરશે. ઉપરાંત વૈશ્વિક વિકાસમાં માત્ર આ બન્ને દેશોનો જ અડધો હિસ્સો હશે. તેમ આઈએમએફએ પોતાના રિપોર્ટમાં જાહેર કર્યું છે.
જ્યારે અમેરિકા અને યુરોપિયન યુનિયનના ઘણા દેશો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. આ દેશોમાં આંશિક મંદીની પણ શક્યતા છે. આવી સ્થિતિમાં ભારત અને ચીન વર્તમાન વર્ષમાં સૌથી ઝડપી ગતિએ વિકાસ કરશે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ એ કહ્યું છે કે ભારત અને ચીન આ વર્ષે વૈશ્વિક વૃદ્ધિમાં અડધાથી વધુ યોગદાન આપશે. જ્યારે એશિયાના અન્ય દેશો વધારાના વિકાસમાં ચોથા ભાગનો ફાળો આપશે.
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના જાહેર કર્યા અનુસાર, એશિયાના ઉભરતા અને વિકાસશીલ દેશોમાં રોગચાળાને કારણે, સપ્લાય ચેઇનમાં સમસ્યાઓ હતી, તે હવે સમાપ્ત થઈ રહી છે, સેવા ક્ષેત્રમાં ઝડપી વૃદ્ધિ દેખાઈ રહી છે. કંબોડિયા, ઈન્ડોનેશિયા, મલેશિયા અને ફિલિપાઈન્સ, થાઈલેન્ડ અને વિયેતનામ જેવા દેશો પ્રી-કોરોના રોગચાળાના વિકાસના સાક્ષી છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના જણાવ્યા અનુસાર, ગત વર્ષ દરમિયાન એશિયા અને પેસિફિક દેશોમાં જે આર્થિક પડકારો જોવા મળ્યા હતા તેમાં હવે સુધારો જોવા મળી રહ્યો છે
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ અનુસાર, આ બાબતોને કારણે, 2023 માં 4.7 ટકા વૃદ્ધિ દર રહેવાનો અંદાજ છે, જે 2022 માં 3.8 ટકા હતો, જે વિશ્વના અન્ય પ્રદેશોની તુલનામાં ઘણો વધારે હશે. તેમજ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મંદી છે, આવી સ્થિતિમાં આ ક્ષેત્ર ચમકતા સિતારા તરીકે ઉભરી આવશે.
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડએ કહ્યું કે વિશ્વભરની કેન્દ્રીય બેંકો ઝડપથી વ્યાજ દરમાં ઘટાડો કરવા માંગે છે. એશિયન દેશોમાં ફુગાવાનો દર નીચો રહી શકે છે. 2022 ના બીજા ભાગમાં હેડલાઇન ફુગાવો તેની ઊંચી સપાટીએ જોવા મળ્યો છે, આ પ્રોત્સાહક સંકેતો છે. જો કે, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ એ સ્વીકાર્યું કે કોર ફુગાવો હજુ પણ ઊંચો છે, જેમાં ઘટાડો હજુ જોવાનો બાકી છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડએ આશા વ્યક્ત કરી છે કે નાણાકીય અને કોમોડિટી કટોકટી બાદ આવતા વર્ષે ફુગાવાનો દર સેન્ટ્રલ બેંકોના સહનશીલતા સ્તરની અંદર આવી શકે છે.