કોવિડ-19 ની લહેરો, લોકડાઉન તથા સ્લોડાઉન વચ્ચે શરૂ થયેલું 2022 પુરૂં થયું. માનવ, પછી તે ભારતીય હોય કે વિશ્વનાં કોઇપણ ખૂણે રહેતો હોય, કોઇપણ શુભઆરંભ ખુશી, ઉજવણી અને નવી આશાઓ સાથે કરતો હોય છે. હિન્દુઓની દિવાળી હોય, મુસ્લિમ બિરાદરોનો રમજાન હોય કે ખ્રિસ્તીઓની ક્રિસમસ, નવા વર્ષનું આગમન ધમાકેદાર જ હોય..! ભારત સહિત વિશ્વભરનાં તમામ માનવોઐ 2022ને વિદાય આપીને 2023 ને હર્ષોલ્લાસભેર વધાવ્યું છે. સૌ જાણે છે કે 2022 ઘણીબધી ખાટી તો થોડી મીઠી યાદો છોડીને ગયું છૈ. આમછતાં પણ સૌ 2023 સૌના માટે સુખદાયી નિવડે તેવા સપના સાથે જાગ્યાં છે.
આશાઓ અનેક હોય, પણ ઇતિહાસમાંથી બોધ લઇને જે સાવચેત થાય તે સરળતાથી સફળતા મેળવી શકે છૈ. કદાચ એટલે જ ભારત જ્યારે 2023 માં પ્રવેશી રહ્યું છૈ ત્યારે આગામી વર્ષમાં ધ્યાનમાં રાખવા જેવા મુદ્દાઓ નોંધી રાખવા જોઇએ. વિશ્વમાં ઘણા દેશો હાલમાં મંદીનો સામનો કરી રહ્યા છે, ઘણા દેવાળિયા ઘાના, ટુનિશિયા ઇજિપ્ત તો ઠીક હવે આપણા શ્રીલંકા અને પાકિસ્તાન જેવા પડોશી દેશો પણ ફૂલેકાં ફેરવી રહ્યાં છે. આ દેવાળિયા દેશોની વચ્ચે પણ ભારત પોતાની આર્થિક સ્થિતી જાળવી રાખવામાં સફળ રહ્યું છે. હવે કોવિડ-19 નો ભય નહિવત છૈ. તેથી ભારતને વિકાસની ઉજળી તકો છે. આમછતાં ભારતે સામે રહેલા પડકારો પણ સમજી લેવા પડશે.
ભારત સામે સૌથી મોટો પડકાર છૈ મોંઘવારીનો. રિઝર્વ બેંકે સરકાર સાથે મળીને નક્કી કર્યા પ્રમાણે દેશમાં ફૂગાવાનો દર ત્રણ થી છ ટકાની વચ્ચે રહેવો જોઇઐ. જે 2022 માં આપણે સાત ટકાથી વધારે ફૂગાવો જોયો છે. હા એ વાત પણ સાચી છે કે 2023 નો પ્રારંભ છ ટકાથી નીચે એટલે કે 5.88 ટકા ફૂગાવા સાથે થયો છે. પરંતુ આ એક આશ્વાસન છે. કારણ કે આ આંકડે પહોંચવા માટે રિઝર્વ બેંકને કેટલીયે વાર વ્યાજદરમાં વધારા કરવા પડ્યા છે. ભારત સરકારને ખાદ્યતેલો અને કઠોળ સહિતની કેટલીયે આવશ્યક ચીજોની ડ્યુટી બદલવી પડી છે, નિકાસ ઉપર પ્રતિબંધ મુકવા પડ્યા છે.
આ બધા એવા પગલાં છૈ જેની વિપરીત અસર વર્ષાંતે બેલેન્સશીટ ઉપર પડતી હોય છે. મતલબ કે આપણું અર્થતંત્ર પણ અત્યારે ખાંડાની ધાર ઉપર ચાલી રહ્યું છે. પડોશીઓ નાદાર છે, યુરોપ પરેશાન છે. અમેરિકામાં ફેડરલ બેંકે વ્યાજનાંદરોમાં શ્રેણીબધ્ધ વધારા કર્યા હોવા છતાં ત્યાં ફૂગાવો નક્કી કરાયેલા બેન્ચમાર્ક દર બે ટકાની આસપાસ પણ પહોંચી શક્યો નથી. અંતે ફેડરલે વ્યાજદર વધારવાનું બંધ કરવું પડ્યું છે. સંકેત સાફ છૈ કે ગમે ત્યારે અમેરિકામાં મહામંદી આવી શકે છે. અમેરિકાની મંદી ભારત જ નહી વિશ્વભરની શું હાલત કરી શકે તે સૌ જાણે છે. આ સંભવત: મહામંદીની ઝાળ ભારતને ઓછામાં ઓછી લાગે તે આપણે જોવું પડશે.
રશિયાઐ યુક્રેન ઉપર ફેબ્રુઆરી-22 માં હુમલા શરૂ કર્યા ત્યારે સૌ કહેતા હતા કે માર્ચ-22 નાં અંત સુધીમાં બધું શાંત થઇ જશે. પણ આવું કાંઇ થયું નથી. માંડ થોડી શાંતિ દેખાય ત્યાં રશિયા પાછાં ધડાકા કરે છે. લગભગ એક વર્ષ થયું પરંતુ રશિયા ક્યારે શું કરશૈ તે કોઇ કહી શકતું નથી. હવે જો અગાઉ જણાવ્યું તેમ અમેરિકા મંદીમાં આવીને રશિયા સામે મોરચો માંડે તો રશિયાએ અણુ યુધ્ધની ધમકી આપી જ છૈ. જેની અતિ ભયજનક અસર વિશ્વને જોવી પડે જેમાં ભારત પણ આવી જાય છે.
ફેબ્રુઆરી-22 માં જ્યારે જંગનાં મડાણ થયા ત્યારે ભારતે પોતાની રાજદ્વારી કાબેલિયતથી ભારતીયોને પાછા લાવવામાં સફળતા મેળવી, ઓછા ભાવે રશિયા પાસેથી ક્રુડતેલ ખરીદવાની ગેમમાં પણ સફળતા મેળવી. આવી જ સફળતા માટે અને દેશને સસ્તા ભાવે ક્રુડતેલ સપ્લાય થતું રહે તેવી રણનીતિ બનાવવી પડશે. અન્ય એક અતિ મહત્વનું છે ચાઈના ફેક્ટર! ચીન હંમેશા પોતાના લાભ માટે સંબંધોને નેવે મુકી દેતું હોય છે.
તાજેતરમાં જ થયેલા સરહદે ઘુસણખોરીનાં પ્રયાસને આપણે જાણીએ છીએ. કોવિડની નવી લહેર અને લોકડાઉનની આંતરિક સમસ્યાથી પરેશાન ચીન હવે 2023 માં લોકડાઉન ખોલીને પોતાનો ધંધો વધારવા શામ, દામ, દંડ ભેદની નીતિે અપનાવશે. ચીનનો સૌથી મોટો પ્લસ પોઇન્ટ છે તેની સસ્તી મજૂરી અને ઇનોવેશન લઇ આવવાની ક્ષમતા. આવા સંજોગોમાં વિદેશી રોકાણકારો ભારત છોડીને પાછા ચીન ભણી ન જાય તે પણ ભારતને ધ્યાન રાખવું પડશૈ. ટૂંકમાં ચીનને ચીનની ભાષામાં ખંધી રાજનીતિનાં ખેલ ખેલવા પણ તૈયાર રહેવું પડશે.આ ઉપરાંત મુડીબજારનાં અમુક પાયાના સિધ્ધાંતો પણ આપણે નોંધી રાખવાની જરૂર છે.
સામાન્ય રીતે જ્યારે વ્યાજનાં દર નીચા હોય અને સરકાર કરન્સી છાપવામાં મશગૂલ હોય ત્યારે ઇક્વીટી જમીનની હકિકતોને અવગણીને પણ ઉપર જાઇ શકે છે. પરંતુ જ્યારે નાણાનો પ્રવાહ ઘટે, વ્યાજદર વધૈ અને બેંક ડિપોઝીટનાં દર વધૈ ત્યારે ગણતરીનાં સમયમાં આ ચક્ર ઉલટું ફરવા માંડે છે. જો અમેરિકા તથા યુરોપ મંદી જાહેર કરે તો ભારતે શેરબજારમાં નવાં તળિયાં જોવા તૈયાર રહેવું જ પડશે. 2022 નાં વર્ષમાં વિદેશી રોકાણકારો 16.50 અબજ ડોલરની વિદેશી મુડી ભારતીય શેરબજારમાંથી પાછી ખેંચી ગયા છે. હવે જો શેરબજાર મંદીનાં વમળમાં ફસાય તો ભારતીયોની માનસિકતા મંદીની થાય જે દરેક ધંધાને અસર કરી શકે છે. આ એવા મુદ્દાઓ છે જેના ઉપર ભારતે બાજનજર રાખવી પડશે. જો અહીં સફળ થઇશું તો 2023 નો સુર્યાસ્ત અને 2024 નો સુર્યોદય ભારતને આર્થિક મોરચે વિશ્વમાં મોભાનું સ્થાન અપાવી શકશે.