વિધાનસભા ચૂંટણીના પરિણામો લોકસભામાં કોને કેટલી સફળતા મળશે તેનો કયાસ કાઢશે
ગુજરાત વિધાનસભા ચૂંટણી વડાપ્રધાન મોદી માટે ૨૦૧૯ લોકસભા ચૂંટણીનું રિહર્સલ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મળેલા પરિણામો ૨૦૧૯ લોકસભા ચૂંટણીનું પરિણામ નક્કી કરશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ધાર્યા પરિણામો મેળવવા ભાજપે એડીચોટીનું જોર લગાવી દીધું છે. વડાપ્રધાન મોદી અને અમિત શાહ તેમજ યોગી આદિત્યનાથ સહિતના સ્ટાર પ્રચારકોને મેદાને ઉતાર્યા છે.
ભાજપને ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે ગત વખત કરતા આ વર્ષે વધુ મહેનત કરવી પડશે. ૨૦૧૯ લોકસભા ચૂંટણી જીતવા માટે પણ ભાજપને જીએસટી અને નોટબંધી તેમજ કાશ્મીર મુદ્દા સહિતની મુશ્કેલીઓનો સામનો કરવાનો છે. એક રીતે આ બન્ને ચૂંટણીઓ ભાજપ માટે આખરી કસોટી છે. માટે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો પરથી લોકસભા ચૂંટણીના શું પરિણામ આવશે તેનો કયાસ કાઢી શકાય તેવું માનવામાં આવે છે. ગુજરાતમાં ભાજપ સામે અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણી તેમજ હાર્દિક પટેલ સહિતના પડકારો છે. બીજી તરફ રાષ્ટ્રીયસ્તરે પણ અનેક મુશ્કેલીઓ ભાજપને ભારે પડે તેમ છે. રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ મોદી તરફી મતદારોને તોડશે કે નહીં તે તો ચૂંટણીનું પરિણામ જ બતાવશે. પરંતુ આ ચૂંટણી હવે મોદી અને કોંગ્રેસ માટે આબરુનો જંગ બની ગઈ છે. મોદી માટે ગુજરાત હોમ ગ્રાઉન્ડ હોય આ ચૂંટણીમાં મળેલી પછડાટ કે ઓછી સીટ મેળવાથી તેની અસર કેન્દ્ર લેવલે થશે.