મેગા સેમિનારમાં મેનેજમેન્ટ વિશે હકારાત્મક અભિગમ, ટીમ વર્ક, કસ્ટમરનું મહત્વ, સર્વિસ કવોલીટી, સપ્લાય ચેઈનના સફળતાના ફંડા વિદ્યાર્થીઓએ સમજયા
સનસાઈન કોલેજમાં મુંબઈ ડબ્બાવાલાના વિષય પર ડો.પવન અગ્રવાલનો મેગા સેમીનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રની તમામ નામાંકીત કોલેજો જેવી કે એસ.એન.કણસાગરા કોલેજ, એમ.જે.કુંડલીયા કોલેજ, લાભુભાઈ ત્રિવેદી કોલેજ, વીવીપી એન્જીનીયરીંગ કોલેજ, હરિવંદના કોલેજ તેમજ નામાંકીત શાળાઓ જેવી કે મોદી સ્કૂલ, સનસાઈન સ્કૂલ, મહાત્મા ગાંધી સ્કૂલ, વિદ્યા નિકેતન સ્કૂલના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રિન્સીપાલ સહિત મળીને ૨૦૦૦થી વધારે લોકોએ મુંબઈ ડબ્બાવાલાના મેનેજમેન્ટ વિશે જ્ઞાન મેળવ્યું હતું. આ મેગા સેમીનારમાં ડો.પવન અગ્રવાલે મુખ્ય વકતા તરીકે મુંબઈ ડબ્બાવાલાના મેનેજમેન્ટ વિશે ઝીણવટ પૂર્વકનું પ્રવચન આપ્યું હતું. તેમજ મેનેજમેન્ટ વિશે હકારાત્મક અભિગમ, ટીમ વર્ક, કસ્ટમરના મહત્વ, સર્વિસ કવોલીટી, સપ્લાય ચેઈનના તેમજ સફળતાના ફંડા સમજાવ્યા હતા. મુંબઈ ડબ્બાવાલાના રોજના લાખો ટીફીનો દિવસના બે વખત એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈપણ ભૂલ વગર પહોંચાડે છે. વધુમાં અગ્રવાલે જણાવ્યું હતું કે, સનસાઈન કોલેજ ખાતે ૨૦૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી તેનો હું આભાર વ્યકત કરું છું, ૨૦૦૦ વિદ્યાર્થીઓએ મને સાંભળ્યાે ત્યારબાદ મને ઘણા પ્રશ્નો પુછયા તે મને ખૂબજ પસંદ આવ્યું છે, હું બાળકોને એક સંદેશો આપુ છું કે તેનામાં જે ઝનુન છે તેને પોતાની મહેનતથી બહાર લાવે.
કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે વડાલીયા ફૂડના ઓનર રાજેન વડાલીયા અને વિશેષ અતિથિ તરીકે સનસાઈન એજયુકેશન ટ્રસ્ટના ફાઉન્ડર સીંથીયા માથુર ઉપસ્થિત રહ્યાં હતા. સેમીનાર પુરો થયા બાદ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુંબઈના ડબ્બાવાલાના મેનેજમેન્ટ વિશે પવન અગ્રવાલે માહિતી આપી હતી અને તેની સાથે સનસાઈન ગ્રુપના ડાયરેકટર ડો.વિકાસ અરોરા પણ ઉપસ્થિત રહ્યાં હતા.
સમગ્ર સેમીનારને સફળ બનાવવા માટે સનસાઈન કોલેજના તમામ કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન, મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના પ્રો.યશપાલ ઝાલા અને પ્રો.પ્રતિક પાંઉએ કર્યું હતું.