વિદ્યાર્થીઓની ફી ઉપર નિર્ભર ૩૦ જેટલી શાળા અને શિક્ષકોની હાલત કફોડી
હળવદમાં કોરોના કાળમાં ખાનગી શાળાઓના શિક્ષકોની સૌથી વધુ કપરી હાલત થઈ.ગઈ છે.જેમાં ચાર માસનો પગાર ન મળતા હળવદની ૩૦ સ્કૂલોના ૪૦૦ શિક્ષકો બેહાલ બન્યા છે.એપ્રિલ માસ સુધી પગાર ચૂકવાયા બાદ છેલ્લા ચાર માસથી પગાર ન મળતા ધરનું ગુજરાન ચલાવવામાં શિક્ષકોને ભારે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જોકે હજુ શાળાઓ ક્યારે શરૂ થાય એ નક્કી જ નથી તેથી આ ખાનગી શાળાના શિક્ષકોની હાલત વધુ કફોડી થાય તેની નોબત આવી છે.હળવદ પંથકમાં આશરે ૩૦ જેટલી ખાનગી સ્કૂલો આવેલી છે.આ ખાનગી સ્કૂલોમાં આશરે ૪૦૦ જેટલા શિક્ષકો વિદ્યાર્થીઓને શિક્ષણ આપે છે.પણ કોરોના કાળને કારણે આ શિક્ષકો કમ્મરતોડ આર્થિક ફટકો પડયો છે.લોકડાઉન લાગુ થયું ત્યારથી શાળાઓ બંધ છે અને શિક્ષણ કાર્ય ઠપ્પ છે અને હજુ શાળાઓ કયારે ખુલે તે નક્કી જ નથી.ઉપરથી શાળા દ્વારા ઉઘરાવતી ફી પણ બંધ થઈ ગઈ છે.શાળાના સંચાલકો આ ફીમાંથી શિક્ષકોને પગાર ચૂકવતા હતા.પણ હાલ વિદ્યાર્થીઓની ફી બંધ થઈ જતા શિક્ષકોના પગારમાં ફાંફા થઈ પડ્યા છે.જાણવા મળતી વિગતો અનુસાર હળવદ પંથકની ૩૦ સ્કૂલોના ૪૦૦ શિક્ષકોને ગત એપ્રિલ માસ સુધી જ પગાર ચૂકવાયો હતો.ત્યારબાદ આજ સુધીમાં શિક્ષકોને પગાર ચૂકવાયો જ નથી.એટલે ચાર મહિનાથી શિક્ષકો પગારથી વંચિત છે.
ઘણા એવા શિક્ષકો છે કે તેમના પગારથી તેમનો આખો પરિવાર નભે છે.સામાન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવતા આવા શિક્ષકો એક બે માસનો પગાર ન મળે તો પણ ગમે તેમ કરીને ચલાવી લે પણ ચાર ચાર માસનો.પગાર ન મળે તો તેમના પરિવારનું ગુજરાન કેવી રીતે ચાલે તે વિચાર માત્રથી ધ્રુજી જવાય છે.આ શિક્ષકોને છેલ્લા ચાર માસથી પગાર ન મળવાથી તેમની હાલત વધુ ખરાબ થઈ ગઈ છે.પગાર વિના ઘરનું ગુજરાન ચાલવવું ખૂબ જ કઠિન બન્યું છે.આથી શાળાના સંચાલકો તેમની મદદ કરે તેવી માંગ ઉઠી છે.