રેસ્ટોરન્ટમાંથી સડેલા શાકભાજી, રાંધેલો વાસીખોરાક, ખરાબ ચટણી, એકસ્પાયર ઠંડા પીણા અને આજીનો મોટો મળી આવ્યો
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા છેલ્લા આઠ દિવસથી શહેરની નામાંકિત હોટલો અને રેસ્ટોરન્ટમાં શરૂ કરવામાં આવેલી ચેકિંગ ઝુંબેશ આજે પણ ચાલુ રાખવામાં આવી હતી. આજે શહેરમાં અલગ-અલગ ત્રણ હોટલોમાં ચેકિંગ હાથ ધરાયું છે. જેમાં ૨૦૦ કિલોથી વધુ અખાદ્ય ખોરાકનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે અને નોટિસ ફટકારવામાં આવી હતી.આ અંગે વધુ માહિતી આપતા નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, યુનિવર્સિટી રોડ પર ઈન્દિરા સર્કલ પાસે સંજયભાઈ સુર્યકાન્તભાઈ વ્યાસના મિચિઝ રેસ્ટોરન્ટ એન્ડ ફાસ્ટ ફુડમાં આજે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અહીં સડેલા શાકભાજીનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત બાફેલા શાકભાજી ફ્રીજમાં રાખવામાં આવતા હતા. તૈયાર રાંધેલો ખોરાક પણ ફ્રીજમાં સંગ્રહ કરવામાં આવતો હતો. ચટણીની ગ્રેવીનો જથ્થો પણ ફ્રીજમાંથી મળી આવ્યો હતો. એકસ્પાયરી ડેટ વાળા ઠંડા પીણા સ્થળ પરથી મળી આવ્યા હતા. રસોડામાંથી આજીનો મોટો પણ મળી આવ્યો છે. સાથો સાથ હાઈજેનીક કંડીશન મેઈનટેઈન કરવામાં આવતી ન હતી. મિચિઝ રેસ્ટોરનટને હાઈજેનીક કંડીશન જાળવી રાખવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી અને ૪૮ કિલો જેટલો વાસી તથા અખાદ્ય ખોરાકનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે.ત્યારબાદ આરોગ્ય શાખાનો કાફલો મહિલા કોલેજ અંડરબ્રીજ સામે હાઉસીંગ બોર્ડના કવાર્ટર નં.૯૧/૯૨માં હિતેશભાઈ સાતાની માલિકીના કેફે ઝુક બોકસ રેસ્ટોરન્ટમાં ત્રાટકયો હતો. અહીં ૧૧ કિલો કાપેલા ફ્રુટ, ૧૮ કિલો શાકભાજી, ૧ કિલો આજીનો મોટો, ૮ કિલો રાંધેલા ભાત, ૯ કિલો ચટણી, ૫ કિલો રોટલી, ૩૭ કિલો ગ્રેવી, ૨૩ કિલો બાફેલા નુડલ્સ અને પાસ્ટા, ૮ કિલો બાફેલા અને વાસી બટેટા, ૭ કિલો કઠોળ, ૨૧ કિલો ક્રિપેડ સમોસા અને સ્પ્રીંગ રોલ, ૪ કિલો લોસ્ટેડ અને ફ્રાઈસ્ટ સહિત ૧૫૨ કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.