રાજકોટના ૯૦૫ શિક્ષકોએ રાજ્ય સરકારના નિર્ણયને આવકાર્યો: મોં મીઠા કરી ઉજવણી કરી
પ્રાથમિક શિક્ષકોનો ગ્રેડ પે ઘટાડવાનો પરિપત્ર હાલ સ્થગીત કરવામાં આવ્યો છે. સરકાર અને શિક્ષણ સંઘ વચ્ચેની ચોથી બેઠક બાદ આજે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આમ હવે શિક્ષકોનો ૪૨૦૦નો ગ્રેડ પે યથાવત રહેશે. આ પહેલા ગુજરાતના ૬૫૦૦૦થી વધુ શિક્ષકોના ગ્રેડ પેના વિવાદના મામલે શિક્ષણ મંત્રી અને શિક્ષક સંઘ વચ્ચે ૩ બેઠકો યોજવામાં આવી હતી. આમ છતાં આ વિવાદનો ઉકેલ આવી શકયો ન હતો. જો કે, આજે ચોથી બેઠક સફળ રહી હતી અને પ્રાથમિક શિક્ષકોનો ૪૨૦૦નો પે ગ્રેડ યથાવત રાખવામાં આવ્યો હતો. આને લઈ રાજકોટ પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ઉજવણી પણ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, રાજ્યની પ્રાથમિક શાળામાં વર્ષ ૨૦૧૦ બાદ ભરતી થયેલા શિક્ષકોને ૯ વર્ષે મળવાપાત્ર રૂા.૪૨૦૦ના ગ્રેડ પેમાં કોઈ જ અભ્યાસ કે શિક્ષકોના મંતવ્ય લીધા વીના જ ગ્રેડ પે રૂા.૨૮૦૦ કરી દેવામાં આવ્યો હતો. આથી રાજ્યભરના ૬૫૦૦૦ શિક્ષકોને દર મહિને પગારમાં અંદાજે રૂા.૧૦,૦૦૦નું આર્થિક નુકશાન થઈ રહ્યું છે. શિક્ષકોને થઈ રહેલા અન્યાયના મામલે છેલ્લા એક વર્ષથી લડત આપી રહ્યાં હતા. તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા કોઈ નિર્ણય કરવામાં આવતો ન હતો. જેથી શિક્ષકો દ્વારા અનેક આંદોલન પણ કરવામાં આવ્યા હતા. હાલમાં કોરોનાની મહામારીમાં રેલી કે આંદોલન કરી શકે નહીં તે માટે પ્રાથમિક શિક્ષકોએ ગ્રેડ પે ૪૨૦૦ની માંગણીને લઈ સોશિયલ મીડિયામાં લડત શરૂ કરી હતી. શિક્ષકોની માંગણીઓને મંત્રીઓ અને અનેક ધારાસભ્યોએ પણ સમર્થન આપ્યું હતું. અને આજે શિક્ષકોના ગ્રેડ પે મામલે મહત્વનો નિર્ણય આવ્યો હતો અને સરકાર દ્વારા ૪૨૦૦નો પે ગ્રેડ યથાવત રાખવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લામાં પણ આ નિર્ણયને લઈ પ્રાથમિક શિક્ષકોના સંઘ દ્વારા ભારે સમર્થન આપવામાં આવ્યું હતું અને રાજકોટ મહાનગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આ નિર્ણયને આવકારવામાં આવ્યો હતો અને શિક્ષકોએ મોં મીઠા કરી ઉજવણી કરી હતી.