દેશમાં પ્રથમ વખત 13 થી 20 વર્ષની ઉંમરના તરૂણો-યુવાનો 20મી ફેબ્રુઆરીએ દરિયામાં તરીને સાહસ બતાવશે
અબતક-રાજકોટ
ઘટમાં ઘોડા થનગને, યૌવન વિંઝે પાંખ જેવી પંક્તિને દ્વારકાના સાહસિક તરૂણો તથા યુવાનો સચિતાર્થ કરીને દ્વારકાથી 215 કિલોમીટર દૂર આવેલા સોમાનાથ ખાતે દરિયામાં તરીને જવાનું સાહસ કરવાના છે. ઇન્ટરનેશનલ સ્કૂબા ડ્રાઇવર જેંન્તીલાલ બાંભણીયા તથા તેમના ગ્રુપના બંકિપ જોષી, પિનાકીન રાજ્યગુરૂ, ઉમેશભાઇ રાજ્યગુરૂ સહિતનાઓને થોડા સમય પહેલા વિચાર આવ્યો કે તરૂણ-યુવાનો સાથેની એક ટીમને દ્વારકાના દરિયામાં તરતા-તરતા સોમનાથ લઇ જવા ભારતમાં પ્રથમ વખત 13 થી 20 વર્ષની ઉંમરના તરૂણો-યુવાનોને લઇને આગામી તા.20મી ફેબ્રુઆરીના રોજ આ ટીમ દ્વારકાની એન.ડી.એસ. હાઇસ્કૂલના 10 તથા રાજકોટના મળી કુલ 20 યુવાનો સાથે દરિયામાં સોમનાથ જવા પ્રયાણ કરશે. આ અંગે મળતી માહિતી મુજબ દ્વારકાથી સોમનાથ સુધીનો માર્ગ દરિયામાં 215 કિલોમીટરનો છે.
રોજના આશરે 20 થી 22 કિલોમીટરનું અંતર કાપી, રાત્રે વિરામ કરી, સવારે ફરીથી પ્રવાસ શરૂ થશે અને સંભવત 5મી માર્ચે તેઓ સોમનાથ પહોંચશે. તજેન્તીભાઇ દ્વારા 10 રેસ્કયુ બોટ, બે અન્ય બોટ તથા જરૂરી સાધનો સાથે આ રોમાંચક, સાહસપૂર્ણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જે માટે સહયોગની પણ અપિલ કરવામાં આવી હતી. આ અંગેની વધુ માહિતી માટે જેન્તીભાઇ બાંભણીયાના નંબર – 91066 86980 પર સંપર્ક સાધવા વધુમાં જણાવાયું છે.