ગોંડલની સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યાના ગુનામાં ધરપકડ થઈ’તી
દેશભરમાં 18 વર્ષથી ઓછી ઉંમર ધરાવતી સગીરાઓને લલચાવી ફોસલાવી નરાધમો દ્વારા હવસનો શિકાર બનાવવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે જાતીય ગુના સામે બાળકોને રક્ષણ આપતાં કાયદાનું ઉલ્લંઘન કરનાર શખ્સો વિરૂધ્ધ કોર્ટે લાલઆંખ કરી હોય તેમ ગોંડલની કોર્ટે દુષ્કર્મના ગુનામાં અનેક શખ્સોને સજાઓ ફટકારી છે ત્યારે વધુ એક પ્રકરણમાં ગોંડલમાં 15 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી સગીરાનો દેહ અભડાવનાર શખ્સને ગોંડલ કોર્ટે 20 વર્ષની સજા ફરમાવતો હુકમ કર્યો છે. ગોંડલ કોર્ટના ચુકાદાથી અનેક આરોપીઓમાં ભયની લાગણી ફેલાઈ છે.
આ કેસની હકીકત મુજબ ગોંડલ પંથકમાં સગીરાઓને લલચાવી ફોસલાવી હવસનો શિકાર બનાવનાર શખ્સો સામે ગોંડલ કોર્ટે લાલ આંખ કરી હોય તેમ સગીરાઓ પર દુષ્કર્મ આચરનાર અનેક શખ્સોને ગોંડલ કોર્ટે કાનુની પાઠ ભણાવ્યો હોય તેમ સજાઓ ફટકારી છે. ત્યારે વધુ એક બનાવમાં ગોંડલ શહેરમાં રહેતી 15 વર્ષની સગીરાને ગોંડલમાં મોટી બજાર વિસ્તારમાં આવેલી ખંઢેરીયા શેરીમાં રહેતાં પ્રશાંત ઉર્ફે પિયુષ વિનોદભાઈ ચાવડા નામના શખ્સ લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી સગીરાની મરજી વિરૂધ્ધ બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યો હતો. આ અંગે ગોંડલ પોલીસ મથકમાં આરોપી પ્રશાંત ઉર્ફે પિયુષ ચાવડા વિરૂધ્ધ ભારતીય દંડ સહિતાની કલમ 363, 366, 376 (2) (એન),376 (3),120 બી), 114 અને પોકસો એકટની કલમ 4,6 અને 17 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગોંડલ પોલીસે ફરિયાદનાં આધારે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. બાદમાં જે ગંભીર ગુનાનું ચાર્જસીટ કરવામાં આવ્યું હતું.
જે કેસ ગોંડલની પોકસો અદાલતમાં ચાલવા પર આવતાં સરકાર તરફે સરકારી વકીલ ઘનશ્યામ ડોબરીયા હાજર રહ્યા હતાં. બન્ને પક્ષની રજૂઆતો અને દલીલો બાદ સરકાર વકીલ ઘનશ્યામ ડોબરીયા દ્વારા સરકાર વતી દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતાં અને ત્યારબાદ સરકાર તરફે કુલ 8 સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતાં તેમજ લેખિત અને મૌખિક પુરાવાની હકીકતો અને સરકાર લકીલ ઘનશ્યામ ડોબરીયાએ કરેલી ધારદાર દલીલોને ધ્યાને લઈ ગોંડલ પોકસો અદાલતનાં એડીશનલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ ડી.આર.ભટ્ટે સગીરાને લગ્નની લાલચ આપી સગીરાનું દેહ અભડાવનાર આરોપી પ્રશાંત ઉર્ફે પિયુષ ચાવડાને 20 વર્ષની સજા ફટકારતો હુકમ કર્યો છે.આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ ઘનશ્યામ કેડોબરીયા રોકાયા હતાં.