વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગઇકાલથી બે દિવસ માટે માદરે વતન ગુજરાતના પ્રવાસ પર છે. આજે સવારે તેઓએ અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે યોજાયેલા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષની ઉજવણી નિમિતે આયોજીત કરાયેલી “સમિટ ઓફ સક્સેસ” હાજરી આપી હતી. વાઇબ્રન્ટ સમિટથી ગુજરાતના વિકાસને મળેલા વેગ અંગે દેશ-દુનિયાને માહિતગાર કર્યા હતા.
બોડેલીમાં મિશન સ્કુલ્સ ઓફ એક્સેલન્સ હેઠળ વિવિધ પ્રોજેક્ટનો પણ આરંભ કરાવશે
નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ વિશ્ર્વભરના રોકાણકારોને ગુજરાતમાં મૂડી રોકાણ માટે આકર્ષિત કરવા માટે વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો આરંભ કરાવ્યો હતો. વાઇબ્રન્ટ થકી ગુજરાતના વિકાસને જેટગતિ મળી હતી. આ ગ્લોબલ ઇવેન્ટમેન્ટ સમિટને 20 વર્ષ પૂર્ણ થતા ગુજરાત સરકાર દ્વારા આજે ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદના સાયન્સ સિટી ખાતે “સમિટ ઓફ સક્સેસ” આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ પીએમ છોટાઉદેપુરના બોડેલીમાં જશે.
અહીં તેઓના હસ્તે રૂા.56.2 કરોડના વિવિધ વિકાસ કામોનો આરંભ કરાવવામાં આવશે અને મિશન સ્કૂલ્સ ઓફ સક્સેલન્સ” હેઠળ વિવિધ પ્રોજેક્ટ સહિત વિદ્યા સમીક્ષા કેન્દ્ર 2.0 પ્રોજેક્ટની શિલાન્યાસ વિધી કરાવશે. અહીં જંગી જાહેરસભા પણ યોજવામાં આવશે. તાજેતરમાં લોકસભા અને રાજ્યસભામાં નારી શક્તિ વંદન અધિનિયમ-2023 બીલ પસાર કરવામાં આવ્યું છે. જેમાં મહિલાઓને વિધાનસભા અને લોકસભામાં 33 ટકા અનામત આપવાની જોગવાઇ કરવામાં આવી છે. આ બીલ બદલ વડોદરામાં બપોરે નવલખી ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો ભવ્ય અભિવાદન સમારોહ યોજાશે.