- કોર્પોરેશનના દરોડા દરમિયાન જેલી અને ટુટીફ્રૂટી બનાવવા માટે ફરમેન્ટેડ પપૈયા અને કાચા પપૈયાનો 20 હજાર કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો: ચાર નમૂના લેવાયા
- કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગની ટીમ દ્વારા આજે શહેરના ખોખડદળી નદીકાંઠે ઓમ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલા પટેલ મહિલા ગૃહ ઉદ્યોગમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં દરોડા દરમિયાન મળી આવેલા 20 ટન અખાદ્ય ખોરાકનો નાશ કરી જેલી અને ટુટીફ્રૂટીના નમૂના લેવામાં આવ્યા હતા.
આજે આરોગ્ય અધિકારી ડો.જયેશ વંકાણી, ડેઝીગ્નેટેડ ઓફિસર ડો.હાર્દિક મેતા, ફૂડ સેફ્ટી ઓફિસર કે.એમ.રાઠોડ, કે.જે. સરવૈયા, સી.ડી.વાઘેલા અને આર.આર.પરમાર સહિતની ટીમ ખોખડદળી નદી કાંઠે કોઠારિયા રીંગ રોડ પર નેશનલ હાઇવે-8-બી સ્થિત ઓમ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલા જયેશભાઇ પરષોત્તમભાઇ સાવલીયાની માલિકીની પટેલ મહિલા ગૃહ ઉદ્યોગમાં ચેકીંગ અર્થે ત્રાટકી હતી. આ પેઢીમાં વિવિધ ફ્લેવરની સિન્થેટીક કલરનો ઉપયોગ કરી ટુટીફ્રૂટી અને જેલીનું ઉત્પાદન કરવામાં આવે છે. તપાસ દરમિયાન ઉત્પાદન સ્થળે ખૂલ્લામાં પ્રોસેસિંગ થતું હોવાનું માલૂમ પડ્યું હતું. છાપરા, ફ્લોરીંગ તથા ઉપયોગમાં લેવાતો ટાંકો ગંદકીયુક્ત અને તૂટેલી હાલતમાં જોવા મળ્યો હતો. સંગ્રહ કરેલા કાચા માલ અને તૈયાર કરેલી ખાદ્ય સામગ્રીનું સ્ટોરેજ અનહાઇજેનીંગ ક્ધડીશનમાં કરવામાં આવતું હતું. જેમાં સ્થળ પર ધૂળ, ચીકાશ અને કરોડીયાના ઝાળા જોવા મળ્યા હતા. રો-મટીરીયલ માટે કાચો માલ અને કાચા પપૈયાના કટકા જમીન પર રાખવામાં આવ્યા હતા. કામદારોના ફૂડ હેન્ડલર્સના મેડિકલ સર્ટિફીકેટ પણ રજૂ કરાયા ન હતા. ઉત્પાદન સ્થળ પર કોઇ જવાબદાર ટેકનીકલ પર્સન પણ હાજર ન હતો. બેચ વાઇઝ ઉત્પાદન અંગેનો રજીસ્ટ્રેશન પણ નિભાવવામાં આવતું ન હતું. જ્યારે ખાદ્ય સામગ્રી બનાવવા માટે ઉપયોગમાં લેવાતા બોરના પાણીનો પણ રિપોર્ટ કરવામાં આવતો ન હોવાનો માલૂમ પડ્યું હતું. સ્થળ પર સંગ્રહ કરેલા અને અનહાઇજેનીંગ ક્ધડીશન ધરાવતા ફરમેન્ટેડ પપૈયાનો અને જમીન પર રાખેલા પપૈયા મળીને 20 હજાર કિલો ગ્રામ એટલે કે 20 ટન જથ્થો આરોગ્યની દ્રષ્ટિએ માનવ આહાર માટે યોગ્ય ન હોવાનું માલીક દ્વારા સ્વિકારવામાં આવતા સોલીડ વેસ્ટ વિભાગની ટીપ્પર વાનને બોલાવી તમામ અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સ્થળ પરથી લૂઝ ગ્રીન ટુટીફ્રૂટી, લૂઝ ઓરેન્જ ફ્લેવર જેલી ક્યુબ્સ, લૂઝ રેડ ટુટીફ્રૂટી અને લૂઝ પાઇનેપલ ફ્લેવર જેલી ક્યુબ્સના નમુના લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
ઉત્પાદન સ્થળ ગંદકીથી ગદબદ્તું હતું: કાચા માલમાં કરોળીયાના જાળા જોવા મળ્યા, ઉપયોગમાં લેવાતા પાણીનો કોઇ જ રિપોર્ટ કરવામાં આવતો ન હતો