અબતક,જામનગર
જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં મરચાની આવક શરૂ કરતા જ યાર્ડ મરચાથી છલકાઈ ગયું છે. એક જ દિવસમાં 20 હજાર મરચાની ભારીની આવક થતાં હાલ પૂરતી આવક બંધ કરવાનો નિર્ણય કરાયો છે. અહીં ખેડૂતોને મણદીઠ મરચાના 2000થી 4000 રૂપિયાનો ભાવ મળી રહ્યો છે.
જામનગર માર્કેટીંગ યાર્ડમાં લાલ મરચાની હરરાજી શરૂ કરાતા જ રાજકોટ જિલ્લામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના મરચાં વેચવા માટે જામનગર પહોંચી રહ્યા છે.જામનગરમાં ગઈકાલે આવક શરૂ કરાતા 220 વાહનોમાં 20 હાજર ભારી મરચાની આવક થઈ હતી. બમ્પર આવકના કારણે યાર્ડ મરચાથી છલકાતા આવક બંધ કરવાની ફરજ પડી છે. 220 જેટલા વાહનો આવી પહોંચતા યાર્ડની બહાર લાંબી કતાર જોવા મળી હતી.
જામનગર યાર્ડમાં હાલ ખેડૂતોને લાલ મરચાના 2000થી 4000 રૂપિયાનો ભાવ મળી રહ્યો છે.આજે ઊંચામાં 3300 રૂપિયાનો ભાવ બોલાયો હતો. આગામી દિવસોમાં હજી પણ અહીં મરચાની આવકમાં વધારો થવાની શક્યતા છે.