ગુજરાતના ૬૦ હજાર સહિત કુલ ૮ વિદ્યાર્થીઓ આપી રહ્યા છે પરીક્ષા
મંગળવારથી શરૂ થયેલી જોઈન્ટ એન્ટ્રેન્સ એક્ઝામીનેશન મેઇન(જેઇઇ)ની પરીક્ષામાં શારીરિક રીતે અક્ષમ વિદ્યાર્થીઓ એટલે કે દિવ્યાંગોને તેમની તમામ કસોટીઓ માટે વધારાની ૩૦ મિનિટ આપવામાં આવશે. જેઇઇની પરીક્ષા ખાનગી અને સરકારી કોલેજોમાં એન્જિનિયરિંગ, આર્કિટેક્ચર અને પ્લાનિંગમાં ટેકનિકલ અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સમાં પ્રવેશ માટે પ્રમાણિત કમ્પ્યુટર-આધારિત કસોટી છે જે બે તબક્કામાં હાથ ધરવામાં આવે છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી(એનટીએ)ની માર્ગદર્શિકા અનુસાર વિદ્યાર્થીઓને ફેસ માસ્ક સાથે પરીક્ષા હોલમાં પ્રવેશ આપવામાં આવશે નહીં અને તેમને હોલમાં એકવાર ફેસ માસ્ક આપવામાં આવશે. માર્ગદર્શિકા એ પણ નિર્ધારિત કરે છે કે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે કયા પ્રકારનાં કપડાં પહેરી શકે છે.
એનટીએ ૨૪, ૨૫, ૨૯, ૩૦, ૩૧ જાન્યુઆરી અને ફેબ્રુઆરી ૧ ના રોજ પ્રથમ તબક્કાની પરીક્ષાઓ યોજશે. પરીક્ષા રાજ્યના ૧૦ શહેરો અને નગરોમાં લેવામાં આવશે. રાષ્ટ્રીય સ્તરે, પરીક્ષા ૨૯૦ શહેરો અને નગરોમાં લેવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાંથી ૬૦ હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષાના પ્રથમ તબક્કા માટે નોંધણી કરાવી છે જ્યારે રાષ્ટ્રીય સ્તરે લગભગ ૮ લાખ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે.